અમદાવાદ, 23 સપ્ટેમ્બર 2026: અમદાવાદ શહેરમાં વન્યજીવોના અંશ અને ગેરકાયદેસર કિંમતી ચીજવસ્તુઓની હેરફેર કરનારા તત્વો સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે લાલ આંખ કરી છે. શહેરના નરોડા વિસ્તારમાં પ્રતિબંધિત કિંમતી જથ્થાની બિનઅધિકૃત હેરફેર થવાની ચોક્કસ માહિતી ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળી હતી. આ ગુપ્ત બાતમીના આધારે પોલીસે નરોડા ખાતે સફળ દરોડો પાડીને સ્પર્મ વ્હેલના અત્યંત મૂલ્યવાન એમ્બરગ્રીસના ગેરકાયદે જથ્થા સાથે ત્રણ શખ્સોને આબાદ ઝડપી પાડ્યા હતા.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવેલી આ મોટી કાર્યવાહી દરમિયાન પકડાયેલા ત્રણેય આરોપીઓની પ્રાથમિક પૂછપરછ અને તલાશી લેવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી કુલ 1.051 કિલોગ્રામ એમ્બરગ્રીસ (દરિયાઈ સોનું / વ્હેલની ઊલટી)નો જથ્થો મળી આવ્યો હતો. વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ સ્પર્મ વ્હેલ અને તેનામાંથી મળતી તમામ વસ્તુઓ અત્યંત સંવેદનશીલ તેમજ સંપૂર્ણ પ્રતિબંધિત શ્રેણીમાં આવે છે. પોલીસ ટીમે કબ્જે કરેલા 1.051 કિલો એમ્બરગ્રીસની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત રૂ. 1.5 કરોડથી પણ વધુ આંકવામાં આવી રહી છે. આટલી મોટી કિંમતનો જથ્થો મળી આવતાં આ કેસમાં કોઈ મોટું આંતરરાજ્ય કે આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ નેટવર્ક સક્રિય હોવાની ગંભીર આશંકા સેવાઈ રહી છે.
ગેરકાયદેસર રીતે વન્યજીવોના અંશ ખરીદવા, વેચવા અને તેની બિનઅધિકૃત હેરફેર કરવા બદલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ત્રણેય આરોપીઓની વિધિવત ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અત્યંત કિંમતી એમ્બરગ્રીસનો જથ્થો આરોપીઓ ક્યાંથી અને કોની પાસેથી લાવ્યા હતા, તે અમદાવાદમાં કોને સપ્લાય કરવાનો હતો અને આ કાળા કારોબારમાં અન્ય કયા મોટા માથાઓ સામેલ છે તે અંગે ક્રાઇમ બ્રાન્ચે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. ક્રાઇમ બ્રાન્ચની આ સફળ કામગીરીથી વન્યજીવોના ગેરકાયદે વેપાર અને સ્મગલિંગ સાથે સંકળાયેલા તસ્કરોમાં ભારે ફાફડાટ વ્યાપી ગયો છે.


