HomerevoinewsISROના ડૉ. દેવદાસ મેનન સતત બીજા વર્ષે વિશ્વના ટોચના 2% વિજ્ઞાનીઓની યાદીમાં...

ISROના ડૉ. દેવદાસ મેનન સતત બીજા વર્ષે વિશ્વના ટોચના 2% વિજ્ઞાનીઓની યાદીમાં સામેલ

અમદાવાદ, 5 ઑક્ટોબર, 2026 – ISRO Devdas Menon ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) સાથે કામ કરતા સંશોધક દેવદાસ મેનનને સતત બીજા વર્ષે ‘સ્ટેનફોર્ડ યુનિવર્સિટી-એલ્સવેર વર્લ્ડ્સ ટોપ 2% સાયન્ટિસ્ટ્સ’ (2026)ની યાદીમાં સ્થાન મળ્યું છે. તેઓ ‘કમ્યુનિકેશન એન્ડ મીડિયા સ્ટડીઝ’ ક્ષેત્રમાં આ વૈશ્વિક યાદીમાં સ્થાન મેળવનારા ભારતમાંથી એકમાત્ર સંશોધક છે.

કર્ણાટકના ચિક્કાબલ્લાપુરના વતની એવા શ્રી મેનન અમદાવાદસ્થિત ઈસરો (ISRO)ના ‘ડેવલપમેન્ટ એન્ડ એજ્યુકેશનલ કમ્યુનિકેશન યુનિટ’ (DECU) ખાતે કમ્યુનિકેશન રિસર્ચર તરીકે કાર્યરત છે.

તેમણે બેંગલોર યુનિવર્સિટીમાંથી ઈલેક્ટ્રોનિક મીડિયામાં માસ્ટર્સ ડિગ્રી મેળવી છે. આ પૂર્વે તેમણે તમિલનાડુની સેન્ટ્રલ યુનિવર્સિટીમાં મીડિયા એન્ડ કમ્યુનિકેશન વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સેવા આપી હતી.

તેમનું સંશોધન મુખ્યત્વે ‘સાઇબર સાયકોલોજી’ (સાયબર મનોવિજ્ઞાન) અને ભારતમાં ડિજિટલ મીડિયા યુઝર્સના વર્તન પર કેન્દ્રિત છે.

આ પણ વાંચોઃ સ્વદેશી નાવિક ઉપગ્રહ એનવીએસ-૦૩ની સફળતા ભારતની રાષ્ટ્રીય સંપત્તિઓને સુરક્ષિત રાખશેઃ ડી.કે. સિંહ

તેમનાં સંશોધનાત્મક કાર્યો ઇન્સ્ટાગ્રામ રીલ્સ જેવા શોર્ટ-ફોર્મ વીડિયો પ્લેટફોર્મનો ઉપયોગ કરવા પાછળનાં મનોવૈજ્ઞાનિક પરિબળો, ઓવર-ધ-ટોપ (OTT) પ્લેટફોર્મ્સ પર સબ્સ્ક્રિપ્શન અને વ્યૂઇંગ પેટર્ન તેમજ કન્વર્સેશનલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI નો સ્વીકાર વગેરે પાસાઓનો અભ્યાસ કરે છે.

શ્રી મેનનનો સંશોધન હેતુ મુખ્યત્વે પશ્ચિમી સંદર્ભોમાં વિકસાવવામાં આવેલા મીડિયા અને ટેકનોલોજી-ઉપયોગના મોડલ્સને ભારતના સામાજિક અને સાંસ્કૃતિક વાતાવરણ અનુસાર સુસંગત બનાવવાનો છે.

તેમના આગામી સંશોધનના વિષયોમાં જનરેટિવ AI (Generative AI), ડીપફેક્સ (Deepfakes) અને એલ્ગોરિધમિક પ્રભાવની મનોવૈજ્ઞાનિક અસરોનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, સ્ટેનફોર્ડ-એલ્સવેર યાદી સ્કોપસ (Scopus) ડેટાના આધારે પ્રમાણભૂત બિબ્લિયોમેટ્રિક સૂચકોનો ઉપયોગ કરીને વિવિધ ક્ષેત્રોમાં સંશોધનની અસરોનું મૂલ્યાંકન કરે છે.

આ યાદીમાં શ્રી મેનન સમગ્ર વિશ્વમાં ૫૬,૭૨૭મો ગ્લોબલ રેન્ક ધરાવે છે અને પોતાના વિશિષ્ટ સબફીલ્ડ (કમ્યુનિકેશન એન્ડ મીડિયા સ્ટડીઝ)માં ૭૯૦મો રેન્ક ધરાવે છે.

♦ રિવોઈમાં પ્રકાશિત થતા વિશેષ લેખ તેમજ સમાચારો વિશે તમારો અભિપ્રાય જરૂર આપો – ઈમેલઃ [email protected] ♦
સંબંધિત લેખો
- Advertisment -

Most Popular