સંસદની કાર્યવાહીમાં અવરોધ અંગે PM મોદીની ચિંતા: નવા સાંસદોને બોલવાની તક ન મળવી એ અન્યાય સમાન
નવી દિલ્હી, 7 ઓગસ્ટ 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદની કાર્યવાહી વારંવાર અવરોધાવવા બાબતે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તાજેતરમાં NCP (અજીત પવાર જૂથ), શિવસેના અને અન્ય સહયોગી પક્ષોના સાંસદો સાથે થયેલી બેઠક દરમિયાન PM મોદીએ સાંસદોને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે સંસદમાં સતત થતા હોબાળા અને કાર્યવાહી અટકવાને કારણે નવા સાંસદો પોતાની વાત રજૂ કરી શકતા નથી, જે તેમના માટે અન્યાય સમાન છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શિવસેનાના 7, એનસીપી (અજીત પવાર) ના 20, ઉપેન્દ્ર કુશવાહા સહિતના અંદાજે 45 સાંસદોએ વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન પીએમ મોદીએ સાંસદો સાથે વિવિધ રાષ્ટ્રીય મુદ્દાઓ અને વિકાસ કાર્યો પર ચર્ચા કરી હતી.
વડાપ્રધાને સાંસદોને અપીલ કરી હતી કે, તેઓ સંસદની ચર્ચાઓમાં ઉત્સાહભેર હિસ્સો લે. તેમણે સાંસદોને સંસદીય ઇતિહાસનો અભ્યાસ કરવાની સલાહ આપતા કહ્યું કે સંસદમાં ચર્ચાઓની તૈયારી કરવા માટે પુષ્કળ સામગ્રી ઉપલબ્ધ છે, તેનો ઉપયોગ કરવો જોઈએ. સાંસદોએ પોતાના રાજ્યોના વિકાસ માટે સક્રિયપણે કામ કરવું જોઈએ, કારણ કે રાજ્યો આગળ વધશે તો જ દેશ આગળ વધશે. તેમણે સાંસદોને પોતાના સંસદીય ક્ષેત્રના વિકાસ કાર્યોને વેગ આપવા માટે સત્તાનો અસરકારક ઉપયોગ કરવા અને જરૂર પડ્યે સીધા પ્રધાનમંત્રી કાર્યાલયનો સંપર્ક કરવા જણાવ્યું હતું.
PM મોદીને નવા સાંસદોને ટકોર
વડાપ્રધાને દરેક સાંસદ સાથે વ્યક્તિગત રીતે વાતચીત કરી હતી અને તેમના ખબર-અંતર પૂછ્યા હતા. ધારાશિવના સાંસદ ઓમરાજે નિમ્બાળકરના યોગાભ્યાસ વિશે પણ તેમણે ખાસ જાણકારી મેળવી હતી. પીએમએ ટકોર કરી હતી કે સાંસદોએ પોતાના શરીર અને સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે તબિયત સારી હશે તો જ દેશની સેવા કરી શકાશે. તેમણે ગરીબો, મજૂરો અને ખેડૂતોને મળીને તેમની સમસ્યાઓ જાણવા પર પણ ભાર મૂક્યો હતો.
એનડીએની મજબૂતી અને સમાન સન્માન
પૂર્વોત્તર રાજ્યોના વિકાસનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને કહ્યું કે અગાઉ પૂર્વોત્તર ક્ષેત્રો ઉપેક્ષિત હતા, પરંતુ વર્તમાન સરકારે દેશના વિકાસને નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે સરકાર માટે સાંસદોની સંખ્યાબળ મહત્વનું નથી, પરંતુ એક સાંસદવાળો નાનો પક્ષ હોય કે મોટા પક્ષો હોય, દરેકને સમાન મહત્વ અને સન્માન આપવામાં આવે છે. આપણે સૌએ સાથે મળીને એનડીએને વધુ મજબૂત બનાવવાનું છે અને દેશનો વિકાસ કરવાનો છે.
સંસદની કાર્યવાહી સુચારૂ રૂપે ચલાવવા માટે લોકશાહીના આ સર્વોચ્ચ મંદિરની ગરિમા જાળવવી જરૂરી છે તેમ જણાવતા PM મોદીએ કહ્યું કે સરકારે સંસદનું સત્ર વ્યવસ્થિત ચાલે તે માટે વિપક્ષ સાથે પણ ચર્ચા કરી છે. પરંતુ સદનમાં ચાલતા સતત હોબાળાના કારણે ન તો વિપક્ષના સભ્યોને અને ન તો શાસક પક્ષના નવા સભ્યોને બોલવાની યોગ્ય તક મળી રહી છે.


