નવી દિલ્હી, 17 સપ્ટેમ્બર 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે આઝાદીના સમયથી જ તણાવપૂર્ણ સંબંધો રહ્યા છે અને બંને દેશો વચ્ચે અનેક યુદ્ધો પણ ખેલાઈ ચૂક્યા છે. હાલના તબક્કે રાજદ્વારી સંબંધો નહિવત જેવા છે ત્યારે પાકિસ્તાનના ટોચના સૈન્ય પ્રવક્તાએ ભારતની વધતી જતી સૈન્ય તાકાતનો સ્વીકાર કર્યો છે. પાકિસ્તાન આર્મીના લેફ્ટનન્ટ જનરલ અહમદ શરીફ ચૌધરીએ જણાવ્યું છે કે, તેમનો દેશ ભારતની લશ્કરી ક્ષમતાઓનું પૂરેપૂરું સન્માન કરે છે અને નવી દિલ્હી સાથે કોઈપણ પ્રકારની હથિયારોની સ્પર્ધામાં જોડાવા માંગતો નથી.
‘અલ અરેબિયા ઈંગ્લિશ’ને આપેલા એક ઈન્ટરવ્યુમાં જ્યારે પાકિસ્તાની સૈન્ય પ્રવક્તાને ભારતની એર ડિફેન્સ, મિસાઈલ અને પરંપરાગત ક્ષમતાઓમાં થઈ રહેલા વિકાસ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, “અમે ભારતીય સૈન્ય ક્ષમતાઓનું સંપૂર્ણ સન્માન કરીએ છીએ. પોતાના સંરક્ષણ ક્ષેત્ર અને સૈન્ય ક્ષમતાઓને મજબૂત કરવા માટે વિપુલ પ્રમાણમાં સંસાધનો ખર્ચવાની નવી દિલ્હીની નીતિને અમે સમજીએ છીએ. પરંતુ એનો અર્થ એ નથી કે અમે ભારત સાથે હથિયારોની રેસમાં ઉતર્યા છીએ. પાકિસ્તાન માત્ર પોતાની રક્ષણાત્મક ક્ષમતાઓ પર ધ્યાન આપી રહ્યું છે અને આપણી કોઈ આક્રમક યોજના નથી.”
પાકિસ્તાન તરફથી આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારત પોતાના દેશી સંરક્ષણ ઉત્પાદન આધારને ઝડપથી વિસ્તારી રહ્યું છે. મે 2025 માં ભારતે રૂ. 1460 કરોડના ખર્ચે ‘નવદુર્ગા ડિફેન્સ ટેસ્ટિંગ રેન્જ’નો શિલાન્યાસ કર્યો હતો. આ ઉપરાંત, જુલાઈ ૨૦૨૬માં ‘પ્રોજેક્ટ કુશા’ હેઠળ ભારતે 400 કિલોમીટર સુધીની રેન્જ ધરાવતી સ્વદેશી લોંગ રેન્જ સરફેસ-ટુ-એર મિસાઈલનું પ્રથમ સફળ ફ્લાઈટ ટેસ્ટિંગ કર્યું હતું.
ભારતીય એર ડિફેન્સ નેટવર્કમાં આકાશ, આકાશ-NG, QRSAM અને VSHORADS જેવા અત્યાધુનિક સિસ્ટમ્સ સામેલ છે. જ્યારે બ્રહ્મોસ (ભારત-રશિયા) અને MRSAM (ભારત-ઈઝરાયેલ) જેવા સંયુક્ત પ્રોજેક્ટ્સ દેશની સુરક્ષાને વધુ ભરોસાપાત્ર બનાવે છે. અગ્નિ અને K-સિરીઝની બેલિસ્ટિક મિસાઈલો ભારતની પરમાણુ ક્ષમતાનો મુખ્ય આધાર છે.
-
રશિયા સાથે ‘સુપર સુખોઈ’ અને S-400 ડીલ
ભારત પોતાના સ્થાનિક પ્રોજેક્ટ્સની સાથે રશિયા સાથે પણ સંરક્ષણ ક્ષેત્રે મોટો સહકાર જાળવી રહ્યું છે. બ્રિક્સ સમિટ દરમિયાન રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની દિલ્હી મુલાકાત વખતે રશિયાએ ભારતના Su-30MKI ફાઈટર જેટ્સના આધુનિકીકરણ માટે એડવાન્સ એન્જિન આપવાની ઓફર કરી હતી. બંને દેશો વચ્ચે 260 સુખોઈ વિમાનોને અપગ્રેડ કરવા માટે ૧૧ અબજ ડોલરના ‘સુપર સુખોઈ’ પ્રોજેક્ટ પર વાતચીત ચાલી રહી છે. આ ઉપરાંત રશિયાએ Su-57 ફાઈટર જેટ્સના સંયુક્ત ઉત્પાદન તેમજ S-400 અને નવી S-500 સિસ્ટમ્સની ઓફર પણ કરી છે.
ભારત જ્યારે પોતાના સ્વદેશી ‘AMCA’ પ્રોજેક્ટ દ્વારા પાંચમી પેઢીના ફાઈટર વિમાનો વિકસાવી રહ્યું છે, ત્યારે બીજી તરફ પાકિસ્તાન આજે પણ ચીન અને તુર્કી જેવા દેશો પર સંપૂર્ણપણે નિર્ભર જોવા મળી રહ્યું છે.


