Homeગુજરાતીદેશ-વિદેશકાગિસો રબાડાનો ઐતિહાસિક કારનામો, સૌથી ઝડપી 350 વિકેટ લઈને રચ્યો વર્લ્ડ રેકોર્ડ

કાગિસો રબાડાનો ઐતિહાસિક કારનામો, સૌથી ઝડપી 350 વિકેટ લઈને રચ્યો વર્લ્ડ રેકોર્ડ

નવી દિલ્હી, 02 નવેમ્બર 2026: દક્ષિણ આફ્રિકાના ઘાતક ઝડપી બોલર કાગિસો રબાડાએ ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. રબાડાએ પહેલા મેટ રેનશોને શૂન્ય રન પર આઉટ કર્યો અને ત્યારબાદ માર્નસ લાબુશેન તથા ટ્રેવિસ હેડ – બંનેને પેવેલિયન ભેગા કરી દીધા, જેનાથી ઓસ્ટ્રેલિયન બેટિંગ લાઇનઅપની કમર તૂટી ગઈ. આ સાથે જ રબાડાએ એક વિશ્વ વિક્રમ પણ સ્થાપિત કર્યો છે; તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપથી 350 વિકેટ લેનાર બોલર બની ગયો છે. તેણે આ સિદ્ધિ મેળવીને તેના જ દેશના દિગ્ગજ ખેલાડી ડેલ સ્ટેનના નામે રહેલા અગાઉના રેકોર્ડને પાછળ છોડી દીધો છે.

કાગીસો રબાડાએ 13,808 બોલમાં ૩૫૦ ટેસ્ટ વિકેટ લેવાનો સીમાચિહ્નરૂપ આંકડો હાંસલ કર્યો છે. હવે તે ટેસ્ટ ક્રિકેટમાં 350 વિકેટ ઝડપનાર (ફેંકવામાં આવેલા બોલની સંખ્યાની દ્રષ્ટિએ) સૌથી ઝડપી બોલર બની ગયા છે. અગાઉ આ રેકોર્ડ ડેલ સ્ટેનના નામે હતો, જેમણે 14,719 બોલમાં 350 વિકેટ પૂરી કરી હતી. પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ ખેલાડી વકાર યુનિસ આ યાદીમાં ત્રીજા સ્થાને છે, જેમણે 14,905 બોલમાં આ સિદ્ધિ મેળવી હતી.

આ સાથે, કાગિસો રબાડા ટેસ્ટ ક્રિકેટમાં 350 વિકેટ લેનાર ચોથા દક્ષિણ આફ્રિકન બોલર બની ગયા છે. દક્ષિણ આફ્રિકા માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ ડેલ સ્ટેનના નામે છે, જેમણે 439 વિકેટ ઝડપી છે. શોન પોલોકના નામે 421 વિકેટ છે, જ્યારે મખાયા ન્તિનીએ 390 વિકેટ લીધી છે.

સૌથી ઓછા બોલમાં 350 ટેસ્ટ વિકેટો

13808 – કાગીસો રબાડા*

14719 – ડેલ સ્ટેઈન

14905 – વકાર યુનિસ

16285 – માલ્કમ માર્શલ

16908 – મિશેલ સ્ટાર્ક

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular