Homeગુજરાતીદેશ-વિદેશહૂતી વિદ્રોહીઓના ડ્રોન હુમલાથી સાઉદી અરેબિયામાં અફરાતફરી: 4 દેશો પાસે માંગી મદદ

હૂતી વિદ્રોહીઓના ડ્રોન હુમલાથી સાઉદી અરેબિયામાં અફરાતફરી: 4 દેશો પાસે માંગી મદદ

રિયાધ, 17 સપ્ટેમ્બર 2026: ઈસ્લામ ધર્મના સૌથી પવિત્ર શહેર મક્કા પર યમનના હૂથી વિદ્રોહીઓ દ્વારા ડ્રોન હુમલાની કોશિશ કરવામાં આવ્યા બાદ સાઉદી અરેબિયાની ચિંતામાં મોટો વધારો થયો છે. સાઉદી દળોએ મક્કા તરફ આવી રહેલા ડ્રોનને હવામાં જ તોડી પાડવાનો દાવો કર્યો છે. જોકે, હૂથીઓ તરફથી સતત થઈ રહેલા મિસાઈલ અને ડ્રોન હુમલાઓને કારણે સાઉદી અરેબિયા પાસે ડિફેન્સ મિસાઈલોનો જથ્થો ઓછો પડી રહ્યો છે, જેના પગલે તેણે પોતાની એર ડિફેન્સ સુરક્ષા મજબૂત કરવા માટે ૪ મિત્ર દેશો પાસે મદદની ગુહાર લગાવી છે.

પ્રાદેશિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષના કારણે સાઉદી અરેબિયા પાસે મિસાઈલ રોધક હથિયારોનો સ્ટોક ઓછો થઈ ગયો છે. આથી સાઉદી સરકારે પોતાના એર ડિફેન્સ કવરેજને મજબૂત કરવા માટે ફ્રાન્સ, બ્રિટન, પાકિસ્તાન અને ઈજિપ્ત (મિસ્ર) પાસે તાત્કાલિક લશ્કરી સહાય અને સુરક્ષા સાધનો મોકલવા અપીલ કરી છે. સાઉદી અરેબિયાનો મુખ્ય હથિયાર સપ્લાયર દેશ અમેરિકા પોતે પણ ઈરાન સાથેના સંઘર્ષને કારણે મિસાઈલ સ્ટોકની અછતનો સામનો કરી રહ્યો છે, જેથી સાઉદીએ અન્ય દેશો તરફ નજર દોડાવવી પડી છે.

સુરક્ષા અધિકારીઓના જણાવ્યા મુજબ, યમન સરહદથી આશરે 1100 કિલોમીટર દૂર આવેલા મક્કા શહેર પર ડ્રોન હુમલો કરવાનો પ્રયાસ કરાયો હતો. સાઉદી સરકારે સ્પષ્ટ કર્યું છે કે મક્કા તેમની ‘રેડ લાઈન’ છે અને કોઈપણ ભોગે તેની સુરક્ષા કરવામાં આવશે. બીજી તરફ, હૂથી વિદ્રોહીઓએ મક્કા પર હુમલો કર્યો હોવાના દાવાને ફગાવી દીધો છે.

  • અમેરિકા અને પાકિસ્તાનનું વલણ

મક્કા પર થયેલા હુમલાના પ્રયાસની સખત નિંદા કરતા પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે જણાવ્યું હતું કે પાકિસ્તાન આ મુશ્કેલ સમયમાં સાઉદી અરેબિયાની સાથે ખભેથી ખભો મિલાવીને ઊભું છે. જ્યારે બીજી તરફ, અમેરિકાએ સાઉદીને અબજો ડોલરના હથિયારો વેચ્યા હોવા છતાં, તે આ સીધા સૈન્ય સંઘર્ષથી હાલ દૂર જઈ રહ્યું હોય તેમ જણાઈ રહ્યું છે. આ સ્થિતિમાં સાઉદી અરેબિયા માટે પોતાના સૈન્ય મથકો, સરકારી કચેરીઓ અને મહત્વપૂર્ણ તેલ રિફાઇનરીઓની સુરક્ષા કરવી એ મોટો પડકાર બની ગયો છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular