શ્રી નગર, 23 સપ્ટેમ્બર 2026: જમ્મુ-કાશ્મીરમાં હવે શિક્ષણ અને સાહિત્યિક ક્ષેત્રે ઉપલબ્ધ પુસ્તકો પણ સરકારની કડક તપાસના દાયરામાં આવી ગયા છે. વિધાનસભામાં સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડાઓએ આ સમગ્ર મામલાની ગંભીરતા વધારી દીધી છે. સરકારી માહિતી મુજબ, પ્રદેશમાં અત્યાર સુધીમાં 21,81,582 પુસ્તકો અને વિવિધ પ્રકાશન સામગ્રીની વિગતવાર ચકાસણી કરવામાં આવી છે. જેમાંથી 4249 પુસ્તકોમાં વાંધાજનક કે રાષ્ટ્રવિરોધી સામગ્રી હોવાનું જણાઈ આવતાં તેમને સરકારી લાઈબ્રેરીઓ અને જાહેર શિક્ષણ સંસ્થાઓમાંથી હટાવી દેવામાં આવ્યા છે.
જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં અપક્ષ ધારાસભ્ય શેખ ખુરશીદ અહમદ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં સરકારે આ આંકડા જાહેર કર્યા હતા. ઉચ્ચ શિક્ષણ વિભાગના જણાવ્યા અનુસાર, 21,81,582 પુસ્તકોની તપાસ પૂર્ણ થઈ ચૂકી છે, જ્યારે હજુ પણ 1752 પુસ્તકોને નિષ્ણાતોની સમીક્ષા માટે કોલેજના ડિરેક્ટરો પાસે મોકલવામાં આવ્યા છે. જે દર્શાવે છે કે પુસ્તકોની સ્ક્રૂટિનીની આ પ્રક્રિયા હજુ પૂર્ણ થઈ નથી.
પુસ્તકોની તપાસ માટેનું આ ખાસ અભિયાન ફેબ્રુઆરી 2025માં શરૂ કરવામાં આવ્યું હતું. તે સમયે જમ્મુ-કાશ્મીર પોલીસે શ્રીનગરની કેટલીક જાણીતી બુક સ્ટોલ્સ અને લાઇબ્રેરીઓ પર દરોડા પાડ્યા હતા અને 668 પુસ્તકો જપ્ત કર્યા હતા. પોલીસનો આરોપ હતો કે આ પુસ્તકો દ્વારા પ્રતિબંધિત સંગઠન ‘જમાત-એ-ઇસ્લામી’ની વિચારધારાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું હતું. ત્યારબાદ ઓગસ્ટ 2025માં ગૃહ વિભાગે 25 પુસ્તકોને સત્તાવાર રીતે જપ્ત જાહેર કરીને તેમના વેચાણ, પ્રકાશન અને પ્રસારણ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો હતો. આ પ્રતિબંધિત પુસ્તકોમાં એ.જી. નૂરાની, અરૂંધતિ રોય, ક્રિસ્ટોફર સ્નેડન અને સુમંત્ર બોસ જેવા આંતરરાષ્ટ્રીય અને દેશના જાણીતા લેખકોના પુસ્તકો પણ સામેલ હતા.
-
શાળાના પાઠ્યપુસ્તકોને લઈને પણ સર્જાયો હતો વિવાદ
આ વિવાદ માત્ર કોલેજો અને લાઇબ્રેરીઓ સુધી મર્યાદિત રહ્યો ન હતો. સરકારી શાળાઓમાં પૂરા પાડવામાં આવેલા બે પુસ્તકો – ‘પર્સનાલિટીસ એન્ડ લીજેન્ટસ ઓફ જમ્મુ એન્ડ કાશ્મીર’ અને ‘ગ્રેટ પર્સનાલિટીસ ઓફ જમ્મુ એન્ડ કાશ્મીર’માં અલગતાવાદી નેતાઓનો ઉલ્લેખ હોવા સામે સરકારે ભારે વાંધો ઉઠાવ્યો હતો. આ ઘટના બાદ તાત્કાલિક તપાસના આદેશો આપીને શિક્ષણ વિભાગના ૮ જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
-
સરકારનો તર્ક અને વિપક્ષના સવાલો
સરકારનો દાવો છે કે આ ચકાસણી કોઈ ચોક્કસ વિચારધારાને ધ્યાનમાં રાખીને નહીં, પરંતુ બંધારણીય મૂલ્યો, એકેડેમિક સ્વતંત્રતા, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને જવાબદાર નાગરિકત્વને પ્રોત્સાહન આપવાના હેતુથી કરવામાં આવી રહી છે. બીજી તરફ, ધારાસભ્ય શેખ ખુરશીદ અહમદે સરકારની આ નીતિ સામે સવાલો ઉઠાવતા આક્ષેપ કર્યો છે કે, લાઇબ્રેરીઓમાંથી પુસ્તકો હટાવવાની આ કાર્યવાહી જમ્મુ-કાશ્મીરના ઈતિહાસ અને જ્ઞાનને કોઈ ચોક્કસ દ્રષ્ટિકોણથી રજૂ કરવાનો પ્રયાસ હોઈ શકે છે. પુસ્તકો માત્ર કાગળ નથી, પરંતુ સમાજનો ઈતિહાસ અને વિચારોનો દસ્તાવેજ છે. હાલ ૧,૭૫૨ પુસ્તકોની નિષ્ણાત તપાસ ચાલુ છે, ત્યારે આગામી સમયમાં આમાંથી કેટલા પુસ્તકોને ક્લીન ચિટ મળે છે તે જોવું મહત્વનું રહેશે.


