નવી દિલ્હી, 23 સપ્ટેમ્બર 2026: જમ્મુ-કાશ્મીરના અત્યંત કુખ્યાત અને મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર કરણજીત સિંહ ઉર્ફે ગુગ્ગાને સાત મહિનાની સઘન શોધખોળ બાદ જમ્મુ-કાશ્મીર પોલીસે નવી દિલ્હીથી ઝડપી પાડ્યો છે. કરણજીત ગુગ્ગા ચાલુ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં જમ્મુના આર.એસ. પુરા સ્થિત જુવેનાઇલ જેલમાંથી 2 પાકિસ્તાની કેદીઓ સાથે સુરક્ષાકર્મીઓ પર ગોળીબાર કરીને ફરાર થઈ ગયો હતો. ત્યારથી તે સતત પોલીસને થાપ આપી રહ્યો હતો. આખરે પોલીસે ખાસ ઓપરેશન પાર પાડીને આ માસ્ટરમાઇન્ડને કસ્ટડીમાં લીધો છે.
બનાવની વિગત મુજબ, 16 ફેબ્રુઆરીના રોજ કરણજીત ગુગ્ગા આર.એસ. પુરા જુવેનાઇલ જેલમાંથી 2 પાકિસ્તાની કેદીઓ સાથે ફરાર થયો હતો. જેલમાંથી ભાગતી વખતે ગુગ્ગાએ સુરક્ષામાં તૈનાત જવાનો પર ગોળીબાર પણ કર્યો હતો, જેનાથી સમગ્ર પોલીસ બેડામાં હડકંપ મચી ગયો હતો. ઘટના બાદ જમ્મુ-કાશ્મીર પોલીસે ત્રણેય ગુનેગારોને પકડવા માટે સ્પેશિયલ ટીમો બનાવીને વિવિધ રાજ્યોમાં દરોડા પાડ્યા હતા. જેલમાંથી ભાગ્યાના 24 કલાકની અંદર જ હરિયાણા એસટીએફએ અંબાલા કેન્ટોનમેન્ટ રેલવે સ્ટેશન પરિસરમાંથી બંને પાકિસ્તાની આતંકીઓ – મોહમ્મદ સના-ઉલ્લા અને અહેસાન અન્વરને પકડી પાડ્યા હતા. તપાસમાં સામે આવ્યું હતું કે, મોહમ્મદ સના-ઉલ્લા 2019થી અને અહેસાન અન્વર 2021થી આ જેલમાં બંધ હતા.
પોલીસ પૂછપરછ દરમિયાન ઝડપાયેલા બંને પાકિસ્તાની આતંકીઓએ ખુલાસો કર્યો હતો કે જેલ તોડીને ભાગવાનું આખું ષડયંત્ર ગેંગસ્ટર કરણજીત ઉર્ફે ગુગ્ગાએ જ ઘડ્યું હતું. ગુગ્ગા આ બંને પાકિસ્તાની નાગરિકોને ઉત્તર પ્રદેશ બોર્ડર મારફતે નેપાળ અને ત્યાંથી વિદેશ ભગાડી જવાની તૈયારી કરી રહ્યો હતો. આ ઇનપુટ મળ્યા બાદ પોલીસે પોતાની તપાસનો દાયરો લંબાવ્યો હતો.
-
દિલ્હીમાં છૂપાયો હતો માસ્ટરમાઇન્ડ
જેલમાંથી ભાગ્યા બાદ ગુગ્ગા દિલ્હીમાં પોતાનું સ્થાન બદલીને છૂપાઈ રહ્યો હતો. જમ્મુ-કાશ્મીર પોલીસને ગુગ્ગા દિલ્હીમાં હોવાની ચોક્કસ બાતમી મળતાં જ એક સ્પેશિયલ ટીમે દિલ્હી પહોંચીને ઘેરાબંધી કરી હતી અને તેને જીવંત ઝડપી લીધો હતો. હવે જમ્મુ-કાશ્મીર પોલીસ કરણજીત ગુગ્ગાને રિમાન્ડ પર લઈને આગળની ઊંડાણપૂર્વકની પૂછપરછ કરશે. પ્રાથમિક તપાસમાં આ પાકિસ્તાનીઓને દેશ બહાર મોકલવાના નેટવર્ક પાછળ કોણ કોણ સામેલ હતું તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.


