HomeગુજરાતીગુજરાતPM મોદીએ એક પણ દિવસની રજા લીધા વિના 25 વર્ષ રાષ્ટ્રની સેવામાં...

PM મોદીએ એક પણ દિવસની રજા લીધા વિના 25 વર્ષ રાષ્ટ્રની સેવામાં વ્યતીત કર્યાઃ અમિત શાહ

વડનગર, 18 સપ્ટેમ્બર, 2026: Seva Sankalp Abhiyan વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના જન્મદિન અને જનસેવાથી રાષ્ટ્રસેવાના અવિરત ૨૫ વર્ષના ઐતિહાસિક ઉપલક્ષમાં મહેસાણાના વડનગર ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. વડનગરના સુપ્રસિદ્ધ શર્મિષ્ઠા તળાવના કિનારે આયોજિત આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી  અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે મહાનુભાવોએ શર્મિષ્ઠા તળાવ ખાતે આયોજિત મહાઆરતીમાં સહભાગી થઈને પ્રધાનમંત્રીના દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરી હતી.

અમિત શાહે સંબોધનમાં જણાવ્યું હતું કે આઝાદી પછી અત્યાર સુધી કોઈપણ રાજનેતાએ સતત ૨૫ વર્ષ સુધી રાજ્ય અને દેશના વડા તરીકે સેવા આપવાનો વિક્રમ સ્થાપ્યો નથી. પ્રધાનમંત્રીએ એક પણ દિવસની રજા લીધા વિના 25 વર્ષ રાષ્ટ્રની સેવામાં વ્યતીત કર્યા છે.

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ૨૫ વર્ષના જાહેર જીવનમાં તેમના પર ભ્રષ્ટાચારનો એક પણ ડાઘ લાગ્યો નથી. વિરોધ પક્ષો પણ તેમના પર વ્યક્તિગત ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી શકતા નથી. પ્રધાનમંત્રીએ ૧૪૦ કરોડ ભારતીયોને જ પોતાનો પરિવાર માન્યો છે અને ‘ભારત પ્રથમ’ના મંત્ર સાથે દેશને નવી દિશા આપી છે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનના જન્મ દિવસે તેમની જન્મભૂમિથી શરૂ થઈ રહેલી બાઈક યાત્રાને રાષ્ટ્ર સેવાની સંકલ્પ યાત્રા ગણાવી હતી.

તેમણે કહ્યું કે, વડનગરની ભૂમિએ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીને દેશપ્રેમ, સેવા-સાદગી અને સમાજ માટે રાષ્ટ્રહિત પ્રથમના ભાવથી સમર્પિત થવાની પ્રેરણા આપી છે. વડાપ્રધાનએ આ જ સમર્પણ ભાવથી સતત અને અવિરત જનસેવાથી દેશમાં મોટું પરિવર્તન લાવી દીધું છે તેની વિસ્તૃત ભૂમિકા મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આપી હતી.

આ સંદર્ભમાં તેમણે કહ્યુ કે, એક સમયે નગણ્ય ગણાતું ભારત આજે તકોનો દેશ બન્યું છે. જે દેશના યુવાઓ રોજગાર માટે બહારની દુનિયા તરફ જોતા એ દેશ આજે મોટો ટેલેન્ટ પૂલ બન્યો છે. ટેક્નોલોજીના ઉપયોગમાં પાછળ રહેવાનું ભારતનું મેણું ભાંગીને આજે ડિજિટલ પેમેન્ટથી લઈને સ્પેસ ટેક્નોલોજી સુધી ભારતનો ડંકો વાગે છે.

આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી  એકનાથ શિંદેએ વડાપ્રધાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, વડનગરની માટીમાંથી ઉઠેલો અવાજ આજે વૈશ્વિક સ્તરે ગુંજી રહ્યો છે. તેમણે કલમ ૩૭૦ નાબૂદી, રામ મંદિર નિર્માણ અને ડિજિટલ ઈન્ડિયા જેવા ઐતિહાસિક નિર્ણયોનો ઉલ્લેખ કરી વડાપ્રધાનના મક્કમ નેતૃત્વને બિરદાવ્યું હતું.

કેન્દ્રીય મંત્રી સુશ્રી અનુપ્રિયા પટેલે પણ વડાપ્રધાનની ‘લાસ્ટ માઈલ ડિલિવરી’ની નીતિની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, છેલ્લા ૧૨ વર્ષમાં ૨૫ કરોડ લોકો ગરીબીની રેખામાંથી બહાર આવ્યા છે, જે વડાપ્રધાનની દૂરદર્શી નીતિઓનું પરિણામ છે. તેમણે ઉમેર્યું કે ભારત આજે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે.

આ કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ શર્મિષ્ઠા ઘાટ પરથી કળશમાં જળ ગ્રહણ કર્યું હતું, જે વડનગરથી વારાણસી જનાર બાઈકર્સ દ્વારા કાશી વિશ્વનાથના ચરણોમાં અર્પણ કરવામાં આવશે. જે આ બે ઐતિહાસિક અને આધ્યાત્મિક નગરો વચ્ચેના અતૂટ સંબંધને પ્રદર્શિત કરશે. મહાઆરતી બાદ મહાનુભાવોએ શર્મિષ્ઠા તળાવથી સુપ્રસિદ્ધ હાટકેશ્વર મંદિર સુધી પદયાત્રા યોજી હતી.

આ ગૌરવપૂર્ણ પ્રસંગે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવી, ઉર્જા મંત્રી  ઋષિકેશ પટેલ, અગ્રણી  જગદીશ વિશ્વકર્મા, રાજ્ય સરકારના મંત્રીઓ, સામાજિક અગ્રણીઓ, સાંસદો, ધારાસભ્યો, સંતો-મહંતો અને વિશાળ સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular