Homeગુજરાતીગુજરાતઅંબાજી તરફ જતા પદયાત્રાના માર્ગો પર સ્વચ્છ પર્યાવરણ જાગૃતિ યાત્રાનો પ્રારંભ

અંબાજી તરફ જતા પદયાત્રાના માર્ગો પર સ્વચ્છ પર્યાવરણ જાગૃતિ યાત્રાનો પ્રારંભ

ગાંધીનગર, 18 સપ્ટેમ્બર, 2026: Clean Environment Awareness Yatra  ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ- GPCB  દ્વારા  ગાંધીનગર ખાતે‌ ‘સેવા મેરા યોગદાન’ અંતર્ગત ‘અંબાજી પદયાત્રા સ્વચ્છ પર્યાવરણ યાત્રા ૨૦૨૬’નું આયોજન કરવામાં આવ્યું હતું.  અંબાજી પદયાત્રાના માર્ગ પર સ્વચ્છતા જાળવવા, ઘન કચરાના યોગ્ય એકત્રીકરણ અને વ્યવસ્થાપનને પ્રોત્સાહન આપવા તેમજ પદયાત્રીઓ અને નાગરિકોમાં પર્યાવરણ જાગૃતિનો સંદેશ પહોંચાડવાના હેતુથી આ પહેલ છેલ્લા ત્રણ વર્ષથી  હાથ ધરવામાં આવી છે. આ યાત્રા અંતર્ગત ચાર પ્રાદેશિક કચેરીઓ દ્વારા આશરે ૨૦ હજાર સ્ટીલ બોટલનું વિતરણ થકી તથા ૨ લાખ  પ્લાસ્ટિક બોટલોના સંગ્રહનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.

મંત્રીઓ અને ઉપસ્થિત મહાનુભાવોએ ફ્લેગ ઓફ સેરેમની દ્વારા ‘અંબાજી પદયાત્રા સ્વચ્છ પર્યાવરણ યાત્રા ૨૦૨૬’ની જનજાગૃતિ અને સ્વચ્છતા કામગીરીને પ્રસ્થાન કરાવ્યું હતું.

આ પ્રસંગે વન અને પર્યાવરણ વિભાગના  મંત્રી  અર્જુન મોઢવાડિયાએ  પ્રેરણાદાયી ઉદબોધન આપતા જણાવ્યું હતું કે,દેશમાં પરિવર્તનના પાયામાં આપણા યશસ્વી પ્રધાનમંત્રીનું યોગદાન રહ્યું છે.  પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અને ગુજરાતમાં તેમના જાહેર જીવનના ૨૫ વર્ષ પૂર્ણ થવાના પાવન પ્રસંગે આપણે અંબાજી પદયાત્રા સાથે સ્વચ્છ પર્યાવરણનો સંકલ્પ લઈ રહ્યા છીએ. માતાજીના દર્શન માટે આપણે શ્રદ્ધાથી જઈએ છીએ, ત્યારે આ ધરતીમાતા પ્રત્યેની આપણી જવાબદારી પણ યાદ રાખવી જોઈએ. આપણે પ્રકૃતિને પૂજનારા લોકો છીએ,  વડીલોએ બાળપણમાં બાળકોને સ્વચ્છતાના સંસ્કાર આપવા જોઇએ.વધુમાં તેઓએ  વિદ્યાર્થીઓને આહવાન કરતા જણાવ્યું હતું કે, સ્વચ્છતાની જાળવણી આપણા સૌની જવાબદારી છે. કચરો જ્યાં-ત્યાં નહીં ફેંકવાનો, ડસ્ટબિનમાં જ નાખવાનો અને બીજાને પણ સ્વચ્છતા માટે પ્રેરિત કરવાનો સંકલ્પ કરીએ. તેમણે સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણના સંદેશને જનભાગીદારી સાથે આગળ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

વન અને પર્યાવરણ રાજ્ય  મંત્રી પ્રવીણ માળી દ્વારા  સ્વચ્છ પર્યાવરણ યાત્રાના ત્રીજા વર્ષમાં GPCB, એનજીઓ, સ્વચ્છતાગ્રહી બહેનો, વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું વર્ષ ૨૦૧૪થી આપણા સૌના જીવનમાં સ્વચ્છતા શબ્દ વણાઇ ગયો છે. આ યાત્રાનું કેન્દ્રબિંદુ “શ્રદ્ધાથી સ્વચ્છતા” રાખવું જોઇએ જેથી ધરતી માતા પ્રદૂષિત ન થાય. ગયા વર્ષે આ યાત્રામાં ૭૦ ટનથી વધુ કચરો એકત્ર થયો હતો; હવે આપણો સંકલ્પ એવો હોવો જોઈએ કે આગામી વર્ષોમાં કચરો એકત્ર કરવાની જરૂર જ ન પડે. GPCB અને જીએસઆરટીસી દ્વારા પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા, ડિસ્પોઝેબલ અને કમ્પોસ્ટેબલ વિકલ્પોને પ્રોત્સાહન આપવા તથા જનજાગૃતિ માટે જે પહેલ કરવામાં આવી રહી છે તે પ્રશંસનીય છે. આ વર્ષે ૩૦૦ જેટલા કેમ્પમાં ડિસ્પોઝેબલ બેગનું વિતરણ કરવાનો નિર્ધાર છે.

GPCBના અધ્યક્ષ આર. બી. બારડે સ્વાગત પ્રવચન કરીને , ‘સેવા મેરા યોગદાન’ અંતર્ગત યોજાનારી વિવિધ પ્રવૃત્તિઓ અને અંબાજી પદયાત્રા દરમિયાન પર્યાવરણ સંરક્ષણ માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓની રૂપરેખા રજૂ કરી હતી.કાર્યક્રમના અંતે GPCBના સભ્ય સચિવ શ્રી દિપાલી ટાંક દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular