Homeગુજરાતીદેશ-વિદેશપશ્ચિમ બંગાળમાં માર્ગોના નામ બદલાશે, 10 સભ્યોની કમિટી રચાઈ

પશ્ચિમ બંગાળમાં માર્ગોના નામ બદલાશે, 10 સભ્યોની કમિટી રચાઈ

કોલકાતા, 14 સપ્ટેમ્બર 2026: પશ્ચિમ બંગાળમાં કમ્યુનિસ્ટ શાસન દરમિયાન રાખવામાં આવેલા રસ્તાઓ, પુલો અને જાહેર સ્થળોના નામ બદલવાની એક નવી કવાયત શરૂ થઈ છે. રાજ્ય સરકાર દ્વારા ગઠિત 10 સભ્યોની વિશેષ કમિટી આ અંગે મળેલા વિવિધ પ્રસ્તાવોની સમીક્ષા કરી રહી છે. આ પ્રસ્તાવિત યાદીમાં કોલકાતાના ત્રણ અત્યંત પ્રમુખ અને ઐતિહાસિક માર્ગો—લેનિન સરણી, કાર્લ માર્ક્સ સરણી અને હો ચી મિન્હ સરણીનો પણ સમાવેશ થાય છે. ભારત સેવાશ્રમ સંઘના સ્વામી પ્રદીપ્તાનંદ આ કમિટીનું નેતૃત્વ કરી રહ્યા છે. કોલકાતા નગર નિગમના એક અધિકારીના જણાવ્યા અનુસાર, દુર્ગા પૂજાના તહેવાર બાદ કમિટીની પ્રથમ બેઠક યોજાવાની શક્યતા છે, જેમાં નામ બદલવાના તમામ પ્રસ્તાવો પર વિગતવાર ચર્ચા હાથ ધરવામાં આવશે.

કાર્તિક મહારાજે સ્પષ્ટ કર્યું હતું કે, “હજુ સુધી કોઈ રોડ કે સ્થળનું નામ સત્તાવાર રીતે બદલાયું નથી. સમિતિ માત્ર ભારતીય અને બંગાળી વિરાસત, સંસ્કૃતિ અને ઇતિહાસને ધ્યાનમાં રાખીને વર્તમાન નામોની પ્રાસંગિકતાની તપાસ કરશે. સમિતિની ભલામણો બાદ જ અંતિમ નિર્ણય લેવાશે.”

  • લેનિન સરણી હવે ‘દેબપ્રસાદ ઘોષ’ માર્ગ બનશે?

મેઘાલયના પૂર્વ રાજ્યપાલ તથાગત રોય પણ આ કમિટીમાં સામેલ છે અને તેમણે કેટલાક ચોંકાવનારા અને મહત્વના સુચનો આપ્યા છે:

લેનિન સરણી: આ માર્ગનું નામ પૂર્વ ભારતીય જનસંઘ અધ્યક્ષ અને પ્રખ્યાત ગણિતશાસ્ત્રી દેબપ્રસાદ ઘોષના નામે રાખવાનું સૂચન કરાયું છે. (નોંધનીય છે કે, 1970માં લેનિનની જન્મ શતાબ્દી પર ‘ધર્મતલા સ્ટ્રીટ’નું નામ બદલીને લેનિન સરણી કરાયું હતું.)
કાર્લ માર્ક્સ સરણી: કિડરપુર સ્થિત આ રોડ માટે બંગાળી કવિ માઇકલ મધૂસૂદન દત્ત અથવા રંગલાલ બંદ્યોપાધ્યાયના નામનો પ્રસ્તાવ મુકાયો છે. (1971માં ‘સર્ક્યુલર ગાર્ડન રીચ રોડ’નું નામ બદલીને કાર્લ માર્ક્સ સરણી કરાયું હતું.)
હો ચી મિન્હ સરણી: આ માર્ગ માટે અમેરિકી નાગરિક અધિકાર નેતા માર્ટિન લૂથર કિંગ જુનિયરના નામની ભલામણ કરવામાં આવી છે.

  • લેનિનની પ્રતિમા હટાવવા અને સરદાર પટેલના નામે માર્ગ રાખવા માંગ

તથાગત રોયે જવાહરલાલ નેહરુ રોડ અને સિદ્ધો-કાન્હૂ ડાહરના ચાર રસ્તા પર સ્થાપિત લેનિનની પ્રતિમાને હટાવવાનો પણ પ્રસ્તાવ મુક્યો છે. આ સાથે જ તેમણે શહેરના કોઈ પ્રમુખ માર્ગનું નામ સરદાર વલ્લભભાઈ પટેલના નામે રાખવાની વકાલાત કરી છે. તદુપરાંત, તેમણે મુસ્લિમ હસ્તીઓના નામે ઓળખાતા સ્થળોના નામ બદલીને ‘રાષ્ટ્રવાદી મુસ્લિમ’ વ્યક્તિત્વો જેવા કે લેખક કાજી અબ્દુલ વદૂદ, શિક્ષણવિદ બેગમ રુકૈયા અથવા એસ. વાજેદ અલીના નામે રાખવા સુચવ્યું છે. ઉદાહરણ તરીકે કોલકાતા નજીક બારાનાસતમાં તિતુમીર બસ સ્ટેન્ડનું નામ બદલવા અંગે પણ વિચારણા ચાલી રહી છે. હાલમાં આ કવાયતે બંગાળના રાજકીય અને સાંસ્કૃતિક વર્તુળોમાં મોટી ચર્ચા જગાવી છે. કમિટીની આગામી બેઠક બાદ આ મામલે સરકાર આગળનું કાયદાકીય પગલું ભરશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular