ભાવનગર, 18 સપ્ટેમ્બર, 2026: Attempt to ram a car into police checking vehicles શહેરના કુંભારવાડા વિસ્તારમાં કોમ્બિંગ નાઇટ દરમિયાન વાહન ચેકિંગ કરી રહેલા બે પોલીસ જવાનો પર કાર ચઢાવીને હત્યા કરવાનો પ્રયાસ કરીને કારચાલક નાસી ગયો હતો. જોકે પોલીસે કારનો પીછો કરીને કારચાલક સહિત બે શખસોને દબોચી લીધા હતા.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના બોરતળાવ પોલીસ મથકના કોન્સ્ટેબલ જયદીપસિંહ ટેમુભા અને હારીતસિંહ 16 સપ્ટેમ્બરની રાત્રે કુંભારવાડા મોતી તળાવ રોડ પર વાહન ચેકિંગમાં હતા. રાત્રે 12.35 વાગ્યાના અરસામાં પૂરઝડપે આવતી સ્વિફ્ટ કાર (GJ 04 DN 1972)ને રોકવાનો પ્રયાસ કરતા ચાલકે કાર ઊભું રાખવાને બદલે ભગાવી મુકી હતી. પોલીસે કારનો પીછો કરીને માઢિયા રોડ શેરી નંબર 19 પાસે કાર રોકવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે પોલીસ જવાનો પર કાર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. કારચાલક રાકેશ ઉર્ફે ભાલી મકવાણા અને બાજુમાં બેઠેલા રાકેશ ઉર્ફે કુંભાર રાજુભાઇ સરવૈયાએ “આજે તો તમને પૂરા કરી નાખવા છે” તેમ કહી પોલીસ કર્મચારીઓ પર કાર ચઢાવી દેવાની કોશિશ કરી હતી. જોકે, બાજુમાં પથ્થર આવી જતાં બન્ને પોલીસ કર્મચારીનો બચાવ થયો હતો. પોલીસે બંને શખસને ઘેરીને ઝડપી લીધા હતા. આરોપીઓની પૂછપરછમાં કાર ન રોકવી હોવાથી કાર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યાનું કબૂલતાં પોલીસે બંને સામે BNS એક્ટ 109(1),54 મુજબ ગુનો દાખલ કર્યો છે.


