Homeગુજરાતીગુજરાતઅમદાવાદમાં પલ્સર બાઈકે સ્કુટરને ટક્કર મારતા પતિની નજર સામે પત્નીનું મોત

અમદાવાદમાં પલ્સર બાઈકે સ્કુટરને ટક્કર મારતા પતિની નજર સામે પત્નીનું મોત

અમદાવાદ, 12 સપ્ટેમ્બર, 2026 : Woman dies after Pulsar bike hits scooter શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરના શીલજમાં પલ્સર બાઈકે એક્સેસ સ્કૂટરને ટક્કર મારતા સ્કૂટરચાલક મહિલાનું તેના પતિની નજર સામે જ મોત નિપજ્યું હતું. ગણેશોત્સવનો સામાન લઈને પત્ની એક્સેસ પર અને પતિ બાઈક પર રાત્રિના સમયે ઘેર જઈ રહ્યા હતા ત્યારે વળાંક પર ટર્ન લેતા સમયે પૂર ઝડપે આવેલા પલ્સર બાઈકના ચાલકે  એક્સેસ સ્કૂટરને ટક્કર મારી હતી. સ્કૂટરચાલક મહિલા 10 ફૂટ સુધી ઢસડાઈ હતી. આ બનાવ બાદ આજુબાજુના લાકો દોડી આવ્યા હતા. મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યારે સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજ્યું હતું આ અંગે બોપલ પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે, બોપલમાં રહેતા 30 વર્ષીય હાર્દિક દરજી કોરિયોગ્રાફર છે. હાલમાં સાયન્સ સીટીમાં આવેલા બ્લુમિંગ કેમ્પમાં ગરબા કલાસ ચલાવે છે. તેમના લગ્ન બે મહિના પહેલા વસ્ત્રાપુરની નિશિબેન સાથે થયા હતા. 11 સપ્ટેમ્બરે સાંજે દંપત્તી ગરબા કલાસમાં ગયા હતા. બાદમાં ગણેશોત્સવનો સામાન લઈને રાત્રે પત્ની ટુ-વ્હીલર એક્સેસ અને હાર્દિક બાઈક પર પોતાના ઘરે જઈ રહ્યા હતા. ત્યારે DPS કેનાલ રોડ પર માધવ અધવેદ કોમ્પ્લેક્ષ પાસે પહોંચ્યા હતા. જ્યાં વળાંક પર ટર્ન લેતા સમયે પુરઝડપે આવી રહેલા પલ્સર બાઈકના ચાલકે એક્સેસને ટક્કર મારી હતી. જો કે પતિ આ ટક્કર સમયે થોડા આગળ નીકળ્યા હોવાથી તેમનો બચાવ થયો હતો. આ ટક્કર એટલી ભયાનક હતી કે, નિશિબેન એક્સેસ સાથે ઢસડાયા હતા. જેથી તેમને ગંભીર ઈજા પહોંચી હતી. પતિ હાર્દિક અને આસપાસના લોકોએ તાત્કાલિક ઇજાગ્રસ્ત નિશિબેનને સારવાર માટે હોસ્પિટલ ખસેડયા હતા. પરંતુ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

અકસ્માત અંગે મૃતકના પતિ હાર્દિકભાઈએ રડતા રડતા જણાવ્યું હતું કે, પુરઝડપે બાઈક ચાલકે મારી પત્નીની ટક્કર મારતા તે બેભાન થઈ ગઈ હતી. બાદમાં સ્થાનિકની કારમાં તેને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. અકસ્માત સમયે બાઈક પર બે વ્યક્તિ સવાર હતા. જેમાં ચાલક ભાગી ગયો હતો અને પાછળ બેસેલા વ્યક્તિને સ્થાનિકોએ પકડીને પોલીસના હવાલે કર્યો હતો.  જો કે અકસ્માતને લઈ બોપલ પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધ્યો છે. ત્યારે તપાસમાં ચાલક અને તેની પાછળ બેસેલ વ્યક્તિ ઘરઘાટી તરીકે કામ કરતા હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં ચાલક પણ હોસ્પિટલમાં દાખલ છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular