અમદાવાદ, 12 સપ્ટેમ્બર, 2026 : National Conference on ‘Coastal Ecology, Security and Sustainability’ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટીમાં ‘કોસ્ટલ ઈકોલોજી, સિક્યુરિટી એન્ડ સસ્ટેનબિલિટી’ વિષયક નેશનલ કોન્ફરન્સનો સમાપન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ દરિયાઈ વિકાસ સાથે પર્યાવરણ સંરક્ષણ, રાષ્ટ્રીય સુરક્ષા અને તટીય વિસ્તારોના સર્વાંગી વિકાસના મહત્વ પર ભાર મૂક્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસના કાર્યમંત્રને સાકાર કરવા માટે સમાજના દરેક વર્ગ અને ક્ષેત્રના સહિયારા પ્રયાસો જરૂરી છે. વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત ફરીથી ‘સોને કી ચીડિયા’ તરીકે વિશ્વમાં ગૌરવપૂર્ણ સ્થાન પ્રાપ્ત કરવા તરફ આગળ વધી રહ્યું છે. આ માટે નાના-નાના પરંતુ મહત્વપૂર્ણ પ્રયાસોને પણ જોડીને રાષ્ટ્રનિર્માણમાં સૌની ભાગીદારી સુનિશ્ચિત કરવી જરૂરી છે.
તેમણે જણાવ્યું કે ગુજરાતનો દરિયાકાંઠો માત્ર ભૌગોલિક સીમા નથી પરંતુ વિકાસનો માર્ગ, સામુદ્રિક વેપારનું પ્રવેશદ્વાર, સાંસ્કૃતિક વિરાસત અને લાખો લોકોની આજીવિકાનો આધાર છે. હજારો વર્ષ પહેલાં લોથલના બંદરથી ગુજરાતના વેપારીઓ વિશ્વ સાથે જોડાયા હતા. આજે મુન્દ્રા અને કંડલા જેવા બંદરો ગુજરાતને વૈશ્વિક વેપારના નકશા પર અગ્રેસર સ્થાન અપાવી રહ્યા છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દરિયાકાંઠાની સંભાવનાઓને નજીકથી સમજીને તેને પોર્ટ, ટ્રેડ, ઇન્ડસ્ટ્રી, એનર્જી, ફિશરીઝ, ટુરિઝમ અને પર્યાવરણના સર્વાંગી વિકાસના ગેટવે તરીકે જોવાનું વિઝન આપ્યું છે. આ વિઝન આજે દેશમાં બ્લુ ઈકોનોમીની નીતિમાં પ્રતિબિંબિત થઈ રહ્યું છે. વડાપ્રધાનએ આપેલા ‘વિકાસની સપ્તધારા’ના સંકલ્પમાં બ્લુ ઈકોનોમીનું મહત્વપૂર્ણ સ્થાન છે. કોસ્ટલ ભારત, સપ્તધારા અને વિકસિત ભારત-૨૦૪૭ની થીમ સાથે યોજાયેલી આ નેશનલ કોન્ફરન્સ સમયોચિત અને મહત્વપૂર્ણ છે.
તેમણે ઉમેર્યું હતું કે ૨૧મી સદીમાં દરિયાઈ સુરક્ષા ટેકનોલોજી આધારિત બની રહી છે. સેટેલાઈટ મોનિટરિંગ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, રિમોટ સેન્સિંગ, ડ્રોન અને સ્માર્ટ બોટ જેવી ટેકનોલોજીથી દરિયાને વધુ સારી રીતે સમજવા, મોનિટર કરવા અને સુરક્ષિત બનાવવામાં મદદ મળી શકે છે. ગુજરાતે ચક્રવાત દરમિયાન ટેકનોલોજી, વહીવટી તંત્ર અને માનવીય સંવેદનાના સમન્વયથી ઝીરો કેઝ્યુઅલ્ટીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ સિદ્ધિ એ સંદેશ આપે છે કે આપત્તિને રોકી શકાતી નથી પરંતુ આપત્તિ સામેની તૈયારી મજબૂત બનાવી માનવજીવનને મહત્તમ સુરક્ષિત કરી શકાય છે.
આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાત યુનિવર્સિટીના એલ્યુમની (ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ) માટેના ડિજિટલ પ્લેટફોર્મનું લોન્ચિંગ તેમજ ઐતિહાસિક ડિજિટલ રિપોઝિટરીનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.


