Sleep આજના ઝડપી જીવનમાં મોડે સુધી કામ કરવું, મોબાઇલનો વધુ પડતો ઉપયોગ, માનસિક તણાવ અને દૈનિક જીવનમાં ઊંઘ પર નકારાત્મક અસર પડી રહી છે. ઘણા લોકો ઊંઘને માત્ર થાક દૂર કરવાની એક પ્રક્રિયા માને છે, પરંતુ વાસ્તવમાં ઊંઘ આપણા શારીરિક સ્વાસ્થ્ય, માનસિક સંતુલન, યાદશક્તિ અને દૈનિક કાર્યક્ષમતા માટે અત્યંત જરૂરી છે. પૂરતી ઊંઘ વિના શરીર અને મગજ તેની કાર્યક્ષમતા મુજબ કાર્ય કરી શકતાં નથી.
ઊંઘ એ એક જૈવિક પ્રક્રિયા છે. જ્યારે આપણે ઊંઘીએ છીએ ત્યારે શરીર અને મગજ આરામની સાથે અનેક મહત્વપૂર્ણ પ્રક્રિયાઓ પૂર્ણ કરે છે. જેમ કે દિવસ દરમિયાન આપણે મેળવેલી માહિતીનું સંચાલન, યાદશક્તિ પ્રક્રિયા, લાગણીઓનું નિયંત્રણ અને શરીરના કોષોને તેની કાર્યક્ષમતા સાથે ફરી જોડવી આવી અનેક પ્રક્રિયાઓમાં ઊંઘ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પૂરતી ઊંઘ લીધા પછી વ્યક્તિ સામાન્ય રીતે વધુ તાજગી અને એકાગ્રતા અનુભવે છે. એટલે જ તો વડીલો અભ્યાસ કરતાં લોકોને કહેતા હોય છે સવારે વહેલા ઊઠીને વાંચવા બેસો, રાત્રે ઉજાગરા ના કરશો. જો આનાથી ઊલટું જોઈએ તો ઊંઘ પૂરી ના થાય તેના કારણે થાક, ચીડિયાપણું, ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી અને નિર્ણય લેવામાં ભૂલો થવાની શક્યતા વધી શકે છે.
આ પણ વાંચોઃ માનસિક સ્વાસ્થ્ય માટેનો સ્ટીગ્મા: બીમારી કરતાં મોટો ડર શેનો છે !?
આપણી ઊંઘ અને લાગણીઓ વચ્ચે ગાઢ સંબંધ છે. પૂરતી ઊંઘ વ્યક્તિને પોતાની લાગણીઓનું નિયંત્રણ કરવામાં અને તણાવનો સામનો કરવામાં મદદ કરે છે. ઊંઘની અછત હોય ત્યારે વ્યક્તિ નાની બાબતોમાં પણ ચીડાઈ શકે છે, વધુ તણાવ અનુભવી શકે છે અથવા ઉતાવળમાં પ્રતિક્રિયા આપી શકે છે. લાંબા સમય સુધી ઊંઘની સમસ્યા રહે તો તે માનસિક સુખાકારીને પણ અસર કરી શકે છે. તેથી માનસિક સ્વાસ્થ્યની કાળજીમાં ઊંઘને અવગણવી જોઈએ નહીં.
ઊંઘ એ રોગપ્રતિકારક શક્તિને વધારવા માટેનું કામ કરે છે. પૂરતી ઊંઘ શરીરને ચેપ સામે લડવામાં અને સ્વસ્થ રહેવામાં મદદ કરી શકે છે. ઊંઘ દરમિયાન શરીરની ઊર્જાની જરૂરિયાત સામાન્ય રીતે ઘટે છે, આ સમયમાં મગજ અને શરીરના અનેક અંગો સક્રિય રહે છે. તેથી એવું ના કહેવાય કે ઊંઘ એ શરીરને સંપૂર્ણ નિષ્ક્રિય સ્થિતિમાં મૂકી દે છે.
સારી ઊંઘ માટે શું કરવું?
સારી ઊંઘ મેળવવા માટે કેટલીક સરળ આદતો અપનાવી શકાય છે:
- બને ત્યાં સુધી દરરોજ શક્ય હોય ત્યાં સુધી એક જ સમયે સૂવાનો અને જાગવાનો પ્રયત્ન કરો.
- મોબાઇલ, ટેબ્લેટ અને કમ્પ્યૂટરનો મોડી રાત સુધી ઉપયોગ ટાળો.
સૂવા માટેનો બેડરૂમ શક્ય હોય ત્યાં સુધી અંધકારમય, શાંત અને આરામદાયક રાખો.
- ચા, કૉફી અને અન્ય કેફીનયુક્ત પીણાં સાંજના સમયે અથવા સૂતા પહેલાં લેવાથી ઊંઘ મોડી આવી શકે છે તેથી બને તો કેફીન દ્રવ્યોને લેવાનું ટાળો.
- દિવસ દરમિયાન કસરત અને હળવી શારીરિક પ્રવૃત્તિ કરવી જરૂરી છે.
- સામાન્ય રીતે, મોટાભાગના પુખ્ત વયના લોકોને દર રાત્રે ઓછામાં ઓછી સાત કલાકની ઊંઘની જરૂર હોય છે. જોકે, ઉંમર, વ્યક્તિગત જરૂરિયાત અને આરોગ્યની સ્થિતિ પ્રમાણે ઊંઘની જરૂરિયાતમાં ફેરફાર થઈ શકે છે.
ઊંઘ એ માનવજીવનના સ્વાસ્થ્યની મૂળભૂત જરૂરિયાત છે.આજના વ્યસ્ત જીવનમાં આપણે આહાર અને કામને જેટલું મહત્ત્વ આપીએ છીએ, તેટલું જ મહત્ત્વ ઊંઘને પણ આપવું જોઈએ. કારણ કે સારી ઊંઘ માત્ર દિવસભરનો થાક દૂર કરતી નથી, પરંતુ આપણને વધુ જાગૃત, સ્વસ્થ અને કાર્યક્ષમ જીવન જીવવામાં મદદ કરે છે.
મન:મર્મ- સ્વસ્થ જીવનની શરૂઆત માત્ર વહેલા જાગવાથી નહીં, પરંતુ પૂરતી અને ગુણવત્તાયુક્ત ઊંઘ લેવાથી પણ થાય છે.



