Homeગુજરાતીદેશ-વિદેશમુંબઈઃ ટાઈગર શ્રોફ પર ફાયરિંગ કેસ: સોનીપાતથી વધુ એકની ધરપકડ

મુંબઈઃ ટાઈગર શ્રોફ પર ફાયરિંગ કેસ: સોનીપાતથી વધુ એકની ધરપકડ

મુંબઈ, 30 ઓક્ટોબર 2026: બોલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફની કાર પર થયેલા ફાયરિંગ પ્રકરણમાં મુંબઈ પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે. પોલીસે હરિયાણાના સોનીપાતમાંથી આ કેસમાં 12 મી ધરપકડ કરી છે. આ કાર્યવાહીથી મામલા સાથે જોડાયેલા નાણાકીય કનેક્શન અને અંડરવર્લ્ડના કનેક્શનમાં નવા-નવા ખુલાસા થઈ રહ્યાં છે. મુંબઈ પોલીસે સોનીપાતના રોહણા ગામેથી અમન નામના શખ્સને ઝડપી પાડ્યો છે. મોડી રાત સુધી ચાલેલી સઘન પૂછપરછ બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, અમન અગાઉ પકડાયેલા આરોપી કુમાલનો ખાસ મિત્ર છે. પોલીસ તપાસ દરમિયાન અમનના બેંક ખાતામાં શંકાસ્પદ નાણાકીય વ્યવહારો મળી આવ્યા હતા, જેના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. હવે મુંબઈ પોલીસ આરોપીને સ્થાનિક કોર્ટમાં રજૂ કરીને ટ્રાન્ઝેક્ટ રિમાન્ડ મેળવશે અને તેને મુંબઈ લાવવામાં આવશે.

મુંબઈમાં ટાઈગર શ્રોફ ઉપર થયેલા હુંમલા કેસમાં પોલીસે 11 આરોપીઓ વિરુદ્ધ મહારાષ્ટ્ર સંગઠિત અપરાધ નિયંત્રણ કાયદો (મકોકા) લાગુ કર્યો છે. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તમામ 11 આરોપીઓની પુનઃ ધરપકડ કરીને વિશેષ મકોકા અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. વિશેષ ન્યાયાધીશ સત્યનારાયણ નવનંદરે સુનાવણી હાથ ધરીને તમામ આરોપીઓને આગામી 6 નવેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે. પોલીસ ગેંગના અન્ય ફરાર સાગરિતો સુધી પહોંચવા માટે આ કસ્ટડી દરમિયાન ઊંડાણપૂર્વક પૂછપરછ કરશે.

ગત 18 ઓક્ટોબરે મુંબઈના પોશ વિસ્તાર જુહુમાં આ સનસનાટીભર્યા હુમલો થયો હતો. અભિનેતા ટાઈગર શ્રોફ ફૂટબોલ ગ્રાઉન્ડ પરથી પોતાની કારમાં સવાર થઈને પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન અજાણ્યા હુમલાખોરોએ તેમની કાર પર તાબડતોબ પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. સદનસીબે આ ભીષણ હુમલામાં ટાઈગર શ્રોફનો બચાવ થયો હતો, પરંતુ ગોળીબારમાં તેમનો કાર ડ્રાઈવર અને ઘટનાસ્થળે હાજર એક વ્લોગર ઈજાગ્રસ્ત થયા હતા. ઘટના બાદ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી કેટલીક પોસ્ટ્સમાં કુખ્યાત લોરેન્સ ગેંગના સભ્યોએ આ હુમલાની જવાબદારી સ્વીકારી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ હાલ આ કેસના તમામ પાસાઓ પર ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular