આજની દોડધામભરી જિંદગી, કામનું વધતું દબાણ અને સ્ક્રીન ટાઈમના કારણે શારીરિક અને માનસિક થાક સામાન્ય બની ગયો છે. આ સ્થિતિમાં યોગનું ‘શવાસન’ શરીર અને મનને ઊંડી શાંતિ આપતી સરળ અને અત્યંત અસરકારક મુદ્રા છે. શવાસન જોવામાં ભલે સાદું લાગે, પરંતુ તેને યોગ્ય રીતે કરવું એ એક કળા છે. આ આસનમાં શરીરને સંપૂર્ણપણે શિથિલ (રિલેક્સ) છોડીને મનને સજાગ રાખવાનું હોય છે.
શવાસનમાં પીઠના બળે સીધા સૂઈ જવાનું હોય છે. બંને હાથ શરીરથી થોડા દૂર અને હથેળીઓ આકાશ તરફ ખુલ્લી રાખવામાં આવે છે. ત્યારબાદ આંખો બંધ કરી શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને શરીરના દરેક અંગને તણાવમુક્ત કરવામાં આવે છે. આ આસનનો મુખ્ય હેતુ ઊંઘવાનો નથી, પરંતુ જાગૃત અવસ્થામાં મન અને શરીરને આરામ આપવાનો છે.
- શવાસનના મુખ્ય ફાયદાઓ
તણાવ અને ચિંતામાંથી રાહત: ઊંડા શ્વાસોચ્છવાસ અને શરીરને આરામ આપવાથી માનસિક તણાવ ઓછો થાય છે.
અનિદ્રાની સમસ્યા દૂર થાય: નિયમિત અભ્યાસથી મન શાંત થાય છે, જેથી ઊંઘની ગુણવત્તામાં સુધારો થાય છે.
બ્લડ પ્રેશર અને હૃદય સ્વાસ્થ્ય: આયુષ મંત્રાલય અનુસાર, શવાસન બ્લડ પ્રેશર નિયંત્રિત રાખવામાં અને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે.
એકાગ્રતામાં વધારો: શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી મનની ચંચળતા ઘટે છે અને એકાગ્રતા વધે છે.
સ્નાયુઓનો થાક દૂર થાય: આખો દિવસ બેસીને કામ કરવાથી કે શારીરિક શ્રમથી સ્નાયુઓમાં આવતો ખેંચાણ શવાસનથી દૂર થાય છે.
-
ધ્યાનમાં રાખવા જેવી બાબતો
શવાસન કરતી વખતે ઊંઘી ન જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. ગર્ભવતી મહિલાઓ અથવા પીઠના અસહ્ય દુખાવાથી પીડાતા લોકોએ યોગ નિષ્ણાતની સલાહ લીધા પછી જ આ અભ્યાસ કરવો જોઈએ.


