ભાવનગર, 29 ઓક્ટોબર, 2026 : BADA outsourced officer caught taking bribe of Rs 9 lakh શહેરના એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (બાડા)ના આઉટસોર્સ્ડ પ્લાનિંગ આસિસ્ટન્ટ વર્ગ-3ના અધિકારી મીતુલ જગદીશભાઈ પાનસીણીયાને એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ શહેરના કાળિયાબીડ વિસ્તારમાં પાણીની ટાંકી પાસે આવેલા કલ્યાણ જ્વેલર્સ નજીકથી રૂ.9 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો. શામપરા સીદસર ગામની સીમમાં આવેલી ખેતીની જમીનને બિનખેતી (NA) કરવા માટેનો પ્લાન મંજૂર કરવાના બદલામાં પ્લાનિંગ અધિકારી મીતુલે લાંચની માંગણી કરી હતી.
આ બનાવની વિગત એવી છે કે, જિલ્લાના શામપરા સીદસર ગામની સીમમાં આવેલી બિનખેતી જમીનનો પ્લાન મંજૂર કરવા માટે ફરિયાદી દ્વારા એરીયા ડેવલોપમેન્ટ ઓથોરિટી એટલે કે, બાડામાં છેલ્લા દોઢ વર્ષથી પ્રોસેસ કરતા હતા. જો કે આ બિનખેતીને પગલે બાડાના વર્ગ ત્રણના અધિકારીએ 15 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. પરંતુ રકઝકના અંતે 12 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. આ રકમ પૈકી પ્રથમ હપ્તા તરીકે 9 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું. ફરિયાદી લાંચ આપવા માગતા ન હોવાથી એન્ટી કરપ્શન બ્યુરો (ACB)માં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે ACBના PI ટી.એસ. રીઝવી અને તેમની ટીમે કાળિયાબીડ ટાંકી પાસે છટકું ગોઠવ્યું હતું. આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રકમ સ્વીકારતા જ સ્થળ પર હાજર ACB સ્ટાફે તેને ઝડપી લીધો હતો. આ બનાવ અંગે ACB દ્વારા આરોપી પ્લાનિંગ આસિસ્ટન્ટ મીતુલ પાનસીણીયા વિરુદ્ધ લાંચ રુશ્વત વિરોધી ધારા હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


