Homeકૃષિ - ખેતીગ્લોબલ વોર્મિંગનો કહેર: પેરિસ સમજૂતી બાદ દુનિયામાં ગરમીથી થતી મોતમાં 36 ટકાનો...

ગ્લોબલ વોર્મિંગનો કહેર: પેરિસ સમજૂતી બાદ દુનિયામાં ગરમીથી થતી મોતમાં 36 ટકાનો વધારો

નવી દિલ્હી , 28 ઓક્ટોબર 2026: દુનિયામાં વધી રહેલી ગરમી હવે માત્ર એક સામાન્ય મોસમી સમસ્યા નથી રહી, પરંતુ તે માનવજાતિના અસ્તિત્વ અને જીવન માટે એક ગંભીર ખતરો બની રહી છે. ઉનાળામાં તાપમાન વધવાથી લૂ લાગવી, ડિહાઇડ્રેશન અને બીમારીઓ સામાન્ય છે, પરંતુ હવે તેની સીધી અસર મૃત્યુઆંક પર જોવા મળી રહી છે. તાજેતરમાં જ જારી કરાયેલી ‘લેન્સેટ કાઉન્ટડાઉન’ ના એક ચોંકાવનારા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ભારત સહિત સમગ્ર વિશ્વમાં તેજ ગરમી ચિંતાનો મોટો વિષય બની છે. પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટ લાગુ થયા પછીના દાયકામાં ગરમીથી થતી મોતનો વાર્ષિક સરેરાશ આંકડો આશરે 36 ટકા સુધી વધી ગયો છે.

રિપોર્ટ અનુસાર, આબોહવા પરિવર્તનની અસર હવે સીધી માનવીય સ્વાસ્થ્ય, ઊંઘ અને દૈનિક જીવનચર્યા પર પડી રહી છે. ભારતમાં પણ સ્થિતિ ચિંતાજનક છે, જ્યાં લોકોએ દર વર્ષે હજારો કલાક એવી અસહ્ય ગરમીનો સામનો કરવો પડે છે, જેમાં બહાર કામ કરવું કે સામાન્ય શારીરિક પ્રવૃત્તિ કરવી પણ શરીર માટે જોખમી સાબિત થઈ શકે છે.

મુખ્ય મુખ્ય આંકડાઓ પર નજર કરીએ તો, વર્ષ 2023 માં ગરમીના કારણે દુનિયાભરમાં અંદાજે 7.10 લાખ મોત થયા હતા, જેમાંથી 71.5 ટકા મોત માટે માનવસર્જિત આબોહવા પરિવર્તન સીધી રીતે જવાબદાર હતું. વર્ષ 2016 થી 2023 દરમિયાન દુનિયામાં ગરમીથી દર વર્ષે સરેરાશ 5.40 લાખ મોત થયા, જેમાંથી 68 ટકા મોત ક્લાઇમેટ ચેન્જ આધારિત ગરમીને આધારી હતા. વર્ષ 2023 તો આ મામલે અત્યાર સુધીનું સૌથી ખરાબ વર્ષ રહ્યું, જેમાં ગરમીથી થયેલા મૃત્યુ મલેરિયા કે એચઆઈવીથી થતા મોત કરતા પણ વધારે હતા. ભારતમાં વર્ષ 2021 થી 2025 વચ્ચે રાત્રિના સમયે વધતી ગરમીના કારણે લોકોની વાર્ષિક સરેરાશ ઊંઘ 64 કલાક ઓછી થઈ ગઈ છે.

  • ભારતમાં કેમ વધી રહ્યો છે ગરમીનો ખતરો?

ભારતમાં ગરમીનો પ્રકોપ માત્ર બપોરના સમયે સૂર્યના તાપ પૂરતો સીમિત નથી રહ્યો. રિપોર્ટ મુજબ, વર્ષ 2016 થી 2025 દરમિયાન દેશના નાગરિકોએ દર વર્ષે 2600 કલાકથી વધુ સમય સુધી એવી ગરમીનો સામનો કરવો પડ્યો છે, જેમાં સામાન્ય કામકાજ દરમિયાન પણ શરીર પર મધ્યમ કે તેનાથી વધુ જોખમ રહેલું હતું. આ અતિશય ગરમીને કારણે ડિહાઇડ્રેશન, અત્યંત થાક, લૂ અને હૃદય તથા શ્વાસની બીમારીઓ ધરાવતા દર્દીઓની મુશ્કેલીઓમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને બાળકો, વયોવૃદ્ધો અને ખુલ્લા આકાશ નીચે કે સખત ધૂપમાં કામ કરતા શ્રમિકો માટે આ સ્થિતિ જીવલેણ બની રહી છે.

  • દુનિયા પર સૂકા અને અનિયમિત વરસાદનું સંકટ

માત્ર ગરમી જ નહીં, પરંતુ આબોહવા પરિવર્તનના કારણે દુનિયાના અન્ય ભાગોમાં લાંબા સમય સુધી પડતો દુષ્કાળ (સૂકો) અને અતિશય ભારે વરસાદ જેવી આફતો પણ વધી છે. વર્ષ 2025 માં દુનિયાની આશરે 52 ટકા જમીન ઓછામાં ઓછા એક મહિના સુધી સૂકા કે દુષ્કાળની ચપેટમાં રહી હતી. વર્ષ 2016 થી 2025 દરમિયાન દર વર્ષે દુનિયાની અંદાજે 17.2 ટકા જમીન પર ભારેથી અતિભારે વરસાદ પડ્યો, જેના કારણે પૂર, ભૂસ્ખલન અને જળજન્ય રોગોનું જોખમ અનેકગણું વધી ગયું છે.

લેન્સેટ કાઉન્ટડાઉનની એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પ્રોફેસર મરિના રોમાનેલોએ જણાવ્યું છે કે, ‘પેરિસ સમજૂતીના એક દાયકા પછી પણ આપણા પરિણામો સ્પષ્ટ કરે છે કે, ક્લાઇમેટ ચેન્જથી સ્વાસ્થ્યને થઈ રહેલું નુકસાન વૈશ્વિક સ્તરે લેવાતા પગલાં કરતાં વધુ ઝડપથી વધી રહ્યું છે.’ રિપોર્ટમાં ભારપૂર્વક જણાવાયું છે કે સ્વચ્છ ઉર્જાના ઉપયોગ, બહેતર સ્વાસ્થ્ય સેવાઓ અને જાગૃતિના પ્રયાસો થયા છે, પરંતુ આ વધતા ખતરાને નાથવા માટે હજુ વધુ આક્રમક અને નક્કર પગલાં લેવાની તાતી જરૂર છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular