Homeગુજરાતીદેશ-વિદેશઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર ભારતે પાકિસ્તાનને એસસીઓ બેઠક માટે પાઠવ્યું આમંત્રણ

ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર ભારતે પાકિસ્તાનને એસસીઓ બેઠક માટે પાઠવ્યું આમંત્રણ

નવી દિલ્હી, 28 ઓક્ટોબર 2026: ભારતે આગામી 20 થી 22 નવેમ્બર દરમિયાન નવી દિલ્હીમાં યોજાનારા પહેલા ‘સભ્યતા સંવાદ મંચ’માટે પાકિસ્તાન સહિત શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) ના તમામ 10 સભ્ય દેશોને સત્તાવાર રીતે આમંત્રિત કર્યા છે. મે 2025 માં પહેલગામ આતંકી હમલા બાદ ‘ઓપરેશન સિન્દૂર’ ના પગલે બંને દેશો વચ્ચે સર્જાયેલી સૈન્ય અથડામણો પછી ભારત દ્વારા પાકિસ્તાનને આપવામાં આવેલું આ પહેલું મોટું આમંત્રણ છે.

સંસ્કૃતિ મંત્રાલય અને વિદેશ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે યોજાનારા આ સંવાદનો પ્રસ્તાવ ગત વર્ષે તિયાનજિનમાં યોજાયેલા એસસીઓ નેતાઓના શિખર સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૂક્યો હતો, જેને એસસીઓ પરિષદે સ્વીકાર્યો હતો. સરકારે આ બેઠક માટે પાકિસ્તાનના રાષ્ટ્રીય વારસો અને સંસ્કૃતિ મંત્રી ઔરંગઝેબ ખાન ખિચીને આમંત્રણ મોકલ્યું છે. આ ઉપરાંત ચીન, રશિયા, ઈરાન, બેલારુસ અને મધ્ય એશિયાઈ દેશો સહિત 10 સભ્ય દેશોના સંસ્કૃતિ મંત્રીઓ, 15 સંવાદ સાથીદારો અને નિરીક્ષક દેશોના પ્રતિનિધિઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, પાકિસ્તાને હજી સુધી એ પુષ્ટિ નથી કરી કે આ બેઠકમાં તેના પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કોણ કરશે. જો ઔરંગઝેબ ખાન ખિચી આમાં સામેલ થાય છે, તો વર્ષ 2023 ની એસસીઓ વિદેશ મંત્રીઓની બેઠક પછી આ પહેલો મોકો હશે જ્યારે ભારત પાકિસ્તાનના કોઈ મંત્રીની મેજબાની કરશે.

  • દિલ્હીના ઐતિહાસિક ‘પુરાણા કિલ્લા’માં થશે આયોજન

અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ભવ્ય ‘સભ્યતા સંવાદ મંચ’નું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે. આ કાર્યક્રમ દિલ્હીના ઐતિહાસિક ‘પુરાણા કિલ્લા’માં યોજાશે. 16 મી સદીમાં હુમાયુ દ્વારા બંધાવવામાં આવેલો આ કિલ્લો અનેક પુરાતત્વીય ઉત્ખનનોનું સ્થળ રહ્યો છે, જ્યાં થયેલી ખોદકામથી ભારતના લગભગ 3 હજાર વર્ષ જૂના ભવ્ય ઇતિહાસની ઝાંખી જોવા મળે છે.

પાકિસ્તાન સાથેના રાજકીય મતભેદોના કારણે વર્ષ 2016 થી જ મોદી સરકારે ઇસ્લામાબાદમાં યોજાનારા ‘દક્ષિણ એશીય ક્ષેત્રીય સહયોગ સંગઠન’ (સાર્ક) ની બેઠકોમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો છે. જો કે, ભારતે અગાઉ એસસીઓની બેઠકોમાં હિસ્સો લીધો છે, જેમાં SCO-RATS ની બેઠકો પણ સામેલ છે. સપ્ટેમ્બરમાં ભારતે પોતાના એસસીઓ નેશનલ કોઓર્ડિનેટર આલોક ડિમરીને ઇસ્લામાબાદ મોકલ્યા હતા. આ દોરો પાકિસ્તાનની એસસીઓ અધ્યક્ષતા હેઠળ ઓગસ્ટ 2027 માં યોજાનારી નેતાઓની શિખર બેઠકની પૂર્વ તૈયારીઓનો ભાગ હતો. હવે આંતરરાષ્ટ્રીય સ્તરે નજર એ વાત પર ટકેલી છે કે આગામી વર્ષે યોજાનારા એસસીઓ ‘હેડ્સ ઓફ સ્ટેટ’ શિખર સંમેલનમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણ કરશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular