HomeગુજરાતીREVOઈમેગેઝિનમાનસિક સ્વાસ્થ્ય માટેનો સ્ટીગ્મા: બીમારી કરતાં મોટો ડર શેનો છે !?

માનસિક સ્વાસ્થ્ય માટેનો સ્ટીગ્મા: બીમારી કરતાં મોટો ડર શેનો છે !?

“લોકો શું કહેશે?” — આ શબ્દો ઘણી વાર વ્યક્તિને મદદ મેળવવાથી રોકી દે છે.

આપણે શારીરિક તકલીફ થાય ત્યારે ડૉક્ટર પાસે જઈએ છીએ. તાવ આવે, બ્લડ પ્રેશર વધે કે ડાયાબિટીસ થાય ત્યારે સારવાર લેવી સ્વાભાવિક માનીએ છીએ. પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ સતત ઉદાસ રહે, ખૂબ ચિંતા કરે, ઊંઘમાં ફેરફાર થાય, ગુસ્સો વધે, જીવનમાં રસ ઓછો થઈ જાય અથવા કોઈ ગંભીર માનસિક તકલીફનો સામનો કરે ત્યારે ઘણી વાર પહેલો પ્રશ્ન થાય છે. “આપણા સમાજમાં ખબર પડી જશે તો?” આ વિચારને માનસિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલો સામાજિક કલંક (Mental Health Stigma) કહી શકાય.

આજના સમયમાં માનસિક સ્વાસ્થ્ય આરોગ્ય માટે મહત્વપૂર્ણ ભાગ છે. વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર માનસિક સ્વાસ્થ્ય માત્ર માનસિક બીમારીનો અભાવ નથી; તેમાં વ્યક્તિનું સુખાકારી, રોજિંદા જીવનમાં કાર્ય કરવાની ક્ષમતા, સમસ્યાઓનો સામનો કરવાની ક્ષમતા અને સામાજિક જીવનનો સમાવેશ થાય છે. વર્લ્ડ મેન્ટલ હેલ્થ ફેડરેશન દ્વારા દર ૧૦મી ઓક્ટોબરના રોજ વર્લ્ડ મેન્ટલ હેલ્થ અવેરનેસ ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. જેથી વિશ્વમાં મેન્ટલ હેલ્થને લઈ લોકોમાં જાગૃતિ આવે.

આજે પણ માનસિક સ્વાસ્થ્યની સમસ્યા ધરાવતા વ્યક્તિ વિશે સમાજમાં ખોટી માન્યતાઓ, પૂર્વગ્રહો અથવા ભેદભાવ જોવા મળે ત્યારે તેને કલંક કહી શકાય. જેમ કે આજે પણ લોકો એમ બોલતા હોય છે કે, “એ તો પાગલ છે.”, “આ બધું નબળા મનના લોકો સાથે થાય.”, “મન મજબૂત રાખે તો કંઈ નહીં થાય.”, “બાળકને ડિપ્રેશન કેવી રીતે હોઈ શકે?” આવી વાતો માત્ર શબ્દો નથી. ઘણી વાર તે વ્યક્તિને સમયસર મદદ મેળવવાથી રોકે છે.

ભારતમાં માનસિક સ્વાસ્થ્ય અંગેના કલંકને સારવાર મેળવવામાં એક મહત્વનો અવરોધ માનવામાં આવ્યો છે. સંશોધન દર્શાવે છે કે કલંક સારવાર મેળવવામાં વિલંબ, નિદાનમાં મોડું પડવું અને પુનઃપ્રાપ્તિની પ્રક્રિયામાં અડચણ ઊભી કરી શકે છે.

ઘણા પરિવારોમાં માનસિક તકલીફ કરતાં તેની સામાજિક અસરનો ડર વધારે હોય છે. જેમ કે, “સગાં શું કહેશે?”, “લગ્નમાં મુશ્કેલી પડશે.”, “બાળકને નોકરી નહીં મળે.”, “સમાજમાં અમારી બદનામી થશે.” આવા જ  વિચારોના કારણે પરિવાર સમસ્યા છુપાવવાનો પ્રયાસને પરિણામે ક્યારેક વ્યક્તિને સારવાર માટે લઈ જવાને બદલે લાંબા સમય સુધી ઘરમાં જ રાખવામાં આવે છે.

ભારતનો Mental Healthcare Act, 2017 પણ માનસિક સ્વાસ્થ્ય સેવાઓ મેળવવાના અધિકારને માન્યતા આપે છે અને માનસિક સ્વાસ્થ્યની સ્થિતિ ધરાવતા લોકો સાથે ભેદભાવ ન થવો જોઈએ તેવા અધિકારોને કાયદાકીય માળખું આપે છે.

આપણા સમાજમાં પ્રાર્થના, ધાર્મિક વિશ્વાસ અને આધ્યાત્મિકતા ઘણા લોકો માટે શક્તિનો સ્ત્રોત છે. તેનો સન્માન થવો જોઈએ. પરંતુ ગંભીર માનસિક તકલીફમાં માત્ર આધ્યાત્મિક ઉપાયને સારવારના વિકલ્પ તરીકે જોવું યોગ્ય નથી. પ્રાર્થના મનને આધાર આપી શકે છે; યોગ્ય તબીબી અને માનસિક સારવાર સમસ્યાના મૂલ્યાંકન અને ઉપચારમાં મદદ કરી શકે છે. બંનેને સમજદારીપૂર્વક સાથે રાખી શકાય છે.

માનસિક સ્વાસ્થ્ય અંગેનો કલંક માત્ર હોસ્પિટલ કે ક્લિનિકમાં ઓછો નહીં થાય, કે પછી સરકાર ધ્વારા આયોજિત જાગૃતિ કાર્યક્રમથી નહીં થાય. તેની શરૂઆત આપણા ઘરમાંથી થશે. જ્યારે આપણે કહેશું “તને શું થયું છે?”ની જગ્યાએ “હું તારી સાથે છું.”, “ચાલ, કોઈ નિષ્ણાત સાથે વાત કરીએ.”

મન:મર્મ –  માનસિક સ્વાસ્થ્ય માટે મૌન નહીં, પરંતુ  સંવાદ/કમ્યુનિકેશન પસંદ કરીએ.

ડૉ. ચિન્મય દેસાઈ, મનોવિજ્ઞાની
ડૉ. ચિન્મય દેસાઈ, મનોવિજ્ઞાની
સંબંધિત લેખો
- Advertisment -

Most Popular