Homeગુજરાતીદેશ-વિદેશબાંગ્લાદેશમાં ભભૂકી ઊઠી વ્યાપક હિંસા: 6 દિવસમાં 4ના મોત, 78 સ્થળોએ બોમ્બ...

બાંગ્લાદેશમાં ભભૂકી ઊઠી વ્યાપક હિંસા: 6 દિવસમાં 4ના મોત, 78 સ્થળોએ બોમ્બ વિસ્ફોટ

ઢાકા, 20 નવેમ્બર 2026: બાંગ્લાદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ફરી એકવાર ગંભીર રીતે કથળી છે. છેલ્લા છ દિવસથી દેશના અનેક ભાગોમાં ફાટી નીકળેલી વ્યાપક હિંસામાં આગચંપી, દેશી બોમ્બ વિસ્ફોટ, તોડફોડ, ચક્કાજામ અને હિંસક અથડામણોની ઘટનાઓ બની છે. આ હિંસામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા છે અને અન્ય અનેક લોકો ઘાયલ થયા છે. 14 થી 19 નવેમ્બર દરમિયાન દેશના ઓછામાં ઓછા 12 જિલ્લાઓમાં પોલીસ સ્ટેશનો, રાજકીય નેતાઓના નિવાસસ્થાનો, સરકારી કચેરીઓ, વાહનો તેમજ નાણાકીય અને શૈક્ષણિક સંસ્થાઓને નિશાન બનાવવામાં આવ્યા છે.

બાંગ્લાદેશના દૈનિક સમાચાર પત્ર ‘ધ બિઝનેસ સ્ટાન્ડર્ડ’ના અહેવાલ મુજબ, કથળતી પરિસ્થિતિ વચ્ચે અનેક જિલ્લાઓમાં અવામી લીગના નેતાઓ અને પક્ષ સાથે જોડાયેલા લોકોના ઘરો પર હુમલા કરવામાં આવ્યા છે. 18 નવેમ્બરના રોજ ઢાકાના ઉત્તરી ઈબ્રાહિમપુર વિસ્તારમાં ‘સ્વેચ્છાસેબક લીગ’ના અધ્યક્ષ ગાઝી મેસ્બાઉલ હુસૈન સાચ્ચુના ઘર પર 20-25 લોકોના ટોળાએ હુમલો કરી તોડફોડ મચાવી હતી અને ગેરેજમાં પાર્ક કરેલી મોટરસાઈકલ તથા સોફાને આગ ચાંપી દીધી હતી.

તે જ રાત્રે લગભગ 9 વાગ્યે, રાજધાનીના મીરપુર વિસ્તારમાં ‘જુબો લીગ’ના મહાસચિવ મૈનુલ હુસૈન ખાન નિખિલના ઘર પર હુમલો કરીને આગ લગાવી દેવામાં આવી હતી. આ હુમલાઓમાં સત્તાધારી બીએનપી પાર્ટીની વિદ્યાર્થી પાંખ ‘છાત્ર દલ’ના કાર્યકરો સામેલ હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. આ ઉપરાંત, બુધવારે રાજશાહી જિલ્લાના બાઘા ઉપજિલ્લામાં તોફાની તત્વોએ પૂર્વ રાજ્ય મંત્રી શહરયાર આલમના ચાર માળના મકાનની દીવાલ કૂદી અંદર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી હતી.

  • પૂર્વ મંત્રીઓ અને સાંસદોના નિવાસસ્થાનો પણ નિશાના પર

બારીસાલ જિલ્લામાં પૂર્વ મંત્રી જહાંગીર કબીર નાનક અને નિવૃત્ત મેજર જનરલ ઝિયાઉલ અહસાનના ઘરોમાં પણ તોડફોડ કરીને આગ ચાંપવામાં આવી હતી. પટુઆખાલી જિલ્લામાં બુધવાર અને ગુરુવાર દરમિયાન હુમલાખોરોએ અવામી લીગ અને તેના સહયોગી સંગઠનોના નેતાઓના ઓછામાં ઓછા સાત ઘરોને આગના હવાલે કર્યા હતા, જેમાં પૂર્વ સાંસદ શાહજહાં મિયાના ઘરનો પણ સમાવેશ થાય છે. ગુરુવારે વહેલી સવારે સોનાગાઝીમાં ફેની-3 ના પૂર્વ સાંસદ હાજી રહીમ ઉલ્લાહના પૈતૃક ઘરમાં લૂંટફાટ ચલાવી આગ લગાવી દેવામાં આવી હતી, જ્યારે કુમિલામાં પૂર્વ સાંસદ એકેએમ બહાઉદ્દીન બહારના ઘરને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું.

  • પોલીસ મથકો અને ગ્રામીણ બેંકની 72 શાખાઓ પર હુમલા

પોલીસ હેડક્વાર્ટર દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ, 7 થી 18 નવેમ્બર વચ્ચે દેશમાં ફેલાયેલી હિંસા દરમિયાન 74 વાહનોને આગ લગાડવામાં આવી છે અને 78 સ્થળોએ દેશી બોમ્બ વિસ્ફોટો થયા છે. ‘ઢાકા ટ્રિબ્યુન’ના અહેવાલ અનુસાર, ત્રણ પોલીસ મથકો પર આગચંપી અને તોડફોડ થઈ છે, જ્યારે પોલીસના 18 વાહનો સળગાવી દેવાયા છે. બે પોલીસ સ્ટેશનો પર દેશી બોમ્બ ફેંકવામાં આવ્યા હતા.

વધતી જતી હિંસાની માઠી અસર દેશની નાણાકીય સંસ્થાઓ પર પણ પડી છે. ગુરુવારે બાંગ્લાદેશની ગ્રામીણ બેંકે જણાવ્યું હતું કે 10 નવેમ્બરથી અત્યાર સુધીમાં તેની 72 શાખાઓ પર આગચંપી અથવા આગ લગાડવાના પ્રયાસો થયા છે. આ ઘટનાઓમાં ફર્નિચર, કોમ્પ્યુટર, મહત્વપૂર્ણ દસ્તાવેજો અને સીસીટીવી ઉપકરણોને ભારે નુકસાન થયું છે અને કેટલીક શાખાઓ તો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે, જેના કારણે હજારો ગ્રાહકોની લોન અને નાણાકીય સેવાઓ ખોરવાઈ ગઈ છે. રાજકીય નેતાઓ, પોલીસ અને બેંકો પર થઈ રહેલા સતત હુમલાઓએ બાંગ્લાદેશમાં સુરક્ષા સંકટ ઊભું કર્યું છે અને વહીવટીતંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img