નવી દિલ્હી, 20 નવેમ્બર 2026: કેન્દ્રીય તપાસ બ્યુરો (સીબીઆઈ) એ વિદેશ મંત્રાલય, ગૃહ મંત્રાલય અને મહારાષ્ટ્ર પોલીસના સંયુક્ત સંકલનથી સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) માં છુપાયેલા વોન્ટેડ આરોપી મોહમ્મદ માઝિનને ભારત પરત લાવવામાં મોટી સફળતા મેળવી છે. મહારાષ્ટ્ર પોલીસના ગંભીર ગુનામાં વોન્ટેડ આરોપી મોહમ્મદ માઝિનને યુએઈથી ભારત ડિપોર્ટ કરવામાં આવ્યો છે. ભારત લાવ્યા બાદ મહારાષ્ટ્ર પોલીસની એસ્કોર્ટ ટીમ આરોપીને લઈને કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચી હતી.
મહારાષ્ટ્ર પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, આરોપી મોહમ્મદ માઝિને એક મહિલાને લગ્ન કરવાની લાલચ આપી પોતાની જાળમાં ફસાવી હતી અને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. આરોપ છે કે તેણે મહિલાનું શારીરિક, માનસિક અને આર્થિક શોષણ કરવા ઉપરાંત છેતરપિંડી કરીને તેની પાસેથી રૂ. 18 લાખ પણ પડાવ્યા હતા. આ કેસમાં સંબંધિત કોર્ટમાં આરોપી વિરુદ્ધ અગાઉથી જ ચાર્જશીટ દાખલ થઈ ચૂકી છે.
પોલીસ તપાસમાં એવો પણ ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપીએ આ જ મોડસ ઓપરેન્ડી અપનાવીને અન્ય 13 મહિલાઓને પણ લગ્નની લાલચ આપી તેમનું શોષણ કર્યું હતું. તેણે આ મહિલાઓ પાસેથી નાણાં પડાવવાની સાથે તેમના અંગત પળોના વીડિયો પણ રેકોર્ડ કર્યા હોવાનો આરોપ છે. પોલીસ કાર્યવાહી શરૂ થતા જ આરોપી ધરપકડથી બચવા વિદેશ ભાગી ગયો હતો. મહારાષ્ટ્ર પોલીસની વિનંતી પર નવી દિલ્હી સ્થિત સીબીઆઈના નેશનલ સેન્ટ્રલ બ્યુરો દ્વારા આરોપી વિરુદ્ધ ઈન્ટરપોલ મારફતે ‘રેડ નોટિસ’ જારી કરવામાં આવી હતી. ઈન્ટરપોલના આંતરરાષ્ટ્રીય નેટવર્કની મદદથી આરોપીનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું હતું, જેના આધારે યુએઈના સત્તાવાળાઓએ તેની ધરપકડ કરી હતી. તમામ કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ યુએઈ પ્રશાસને તેના ડિપોર્ટેશનને મંજૂરી આપી હતી. ત્યારબાદ મહારાષ્ટ્ર પોલીસની એક વિશેષ ટીમ યુએઈ ગઈ હતી, જ્યાં આરોપીનો કબજો મેળવીને તેને ભારત લાવવામાં આવ્યો હતો.
2019 થી અત્યાર સુધીમાં 300 થી વધુ ભાગેડુઓને ભારત પરત લવાયા
ભારતમાં ઈન્ટરપોલના નેશનલ સેન્ટ્રલ બ્યુરો તરીકે કાર્યરત સીબીઆઈ દેશભરની સુરક્ષા એજન્સીઓ સાથે મળીને વિદેશ ભાગી ગયેલા ગુનેગારોને પકડવા સતત કામગીરી કરી રહી છે. સીબીઆઈના સત્તાવાર આંકડા મુજબ, વર્ષ 2019 થી અત્યાર સુધીમાં ઈન્ટરપોલની મદદથી 300 થી વધુ વોન્ટેડ ગુનેગારોને ભારત પરત લાવવામાં આવ્યા છે. નોંધનીય છે કે એકલા વર્ષ 2026 માં અત્યાર સુધીમાં 74 જેટલા વોન્ટેડ આરોપીઓને વિદેશથી ભારત લાવવામાં સફળતા મળી છે.








