નવી દિલ્હી, 19 નવેમ્બર 2026: દેશના ભવિષ્ય ગણાતા બાળકો અને કિશોરોમાં નશાની લત એક ગંભીર સમસ્યા બની રહી છે. ચિંતાજનક બાબત એ છે કે નશાની શરૂઆત યુવાવસ્થામાં નહીં, પરંતુ ઘણી નાની ઉંમરે જ થઈ રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા નવેમ્બર 2026માં જાહેર કરાયેલા ડેટા મુજબ, દેશના પ્રથમ રાષ્ટ્રીય સર્વેમાં આશરે 1.2 કરોડ બાળકો નશા સંબંધિત સમસ્યા (સબસ્ટન્સ યૂઝ ડિસઓર્ડર)થી પ્રભાવિત હોવાનું સામે આવ્યું છે.
સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના જણાવ્યા અનુસાર, એમ્સ દિલ્હીના નેશનલ ડ્રગ ડિપેન્ડન્સ ટ્રીટમેન્ટ સેન્ટર દ્વારા વર્ષ 2018માં ભારતમાં નશીલા પદાર્થોના સેવન અંગે પ્રથમ રાષ્ટ્રીય સર્વે કરાયો હતો, જેનો રિપોર્ટ ફેબ્રુઆરી 2019માં જાહેર થયો હતો. આ સર્વેમાં 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 186 જિલ્લાના લગભગ 2 લાખ પરિવારો અને 10થી 75 વર્ષની વયના 4.73 લાખથી વધુ લોકોની માહિતી એકત્ર કરાઈ હતી. આ સર્વેમાં અંદાજે 1.2 કરોડ બાળકો નશાની સમસ્યાથી પ્રભાવિત જણાયા હતા.
-
10 શહેરોના 5920 વિદ્યાર્થીઓ પર અભ્યાસ
વર્ષ 2025માં ‘ધ નેશનલ મેડિકલ જર્નલ ઓફ ઈન્ડિયા’માં પ્રકાશિત એક અન્ય અભ્યાસમાં 10 શહેરોના 5,920 શાળાના વિદ્યાર્થીઓને આવરી લેવાયા હતા. બેંગલુરુ, ચંદીગઢ, દિલ્હી, ડિબ્રૂગઢ, હૈદરાબાદ, ઈમ્ફાલ, જમ્મુ, લખનૌ, મુંબઈ અને રાંચીની સરકારી, ખાનગી તેમજ ગ્રામીણ શાળાઓના 8મા, 9મા અને 11મા-12મા ધોરણના વિદ્યાર્થીઓ (સરેરાશ ઉંમર 14.7 વર્ષ, જેમાં 52.4% છોકરાઓ) પર આ સર્વે કરાયો હતો. આ અભ્યાસમાં જાણવા મળ્યું કે 15.1 ટકા વિદ્યાર્થીઓએ જીવનમાં ક્યારેક ને ક્યારેક કોઈ નશીલા પદાર્થનો ઉપયોગ કર્યો હતો, જ્યારે 7.2 ટકા વિદ્યાર્થીઓએ સર્વેના અગાઉના 30 દિવસમાં તેનું સેવન કર્યું હતું. બાળકોમાં નશાની શરૂઆતની સરેરાશ ઉંમર 12.9 વર્ષ નોંધાઈ છે.
અભ્યાસ મુજબ, વિદ્યાર્થીઓમાં તમાકુ અને દારૂનું સેવન સૌથી વધુ જોવા મળ્યું હતું. સર્વેના અગાઉના 12 મહિનામાં 4 ટકા વિદ્યાર્થીઓએ તમાકુ, 3.8 ટકાએ દારૂ, 2.8 ટકાએ ઓપિઓઈડ (દર્દશામક દવાઓનો દુરુપયોગ), 2 ટકાએ ગાંજો/કેનાબિસ, 1.9 ટકાએ ઈન્હેલન્ટ્સ (ગુંદર, સોલ્વન્ટ કે રસાયણો સુંઘવા) અને 0.6 ટકા વિદ્યાર્થીઓએ ઊંઘની ગોળીઓ (સેડેટિવ)નો ઉપયોગ કર્યો હતો. આ ઉપરાંત સર્વેના અગાઉના 30 દિવસમાં 3.3 ટકા વિદ્યાર્થીઓએ તમાકુ અને 2 ટકાએ દારૂનું સેવન કર્યું હોવાનું સામે આવ્યું છે.
અભ્યાસમાં પરિવારની ભૂમિકા અંગે પણ મહત્વની બાબત સામે આવી છે. આશરે 40 ટકા વિદ્યાર્થીઓએ જણાવ્યું કે તેમના પરિવારમાં કોઈ સભ્ય તમાકુનો ઉપયોગ કરે છે, અને આટલી જ સંખ્યામાં વિદ્યાર્થીઓએ પરિવારમાં કોઈ વ્યક્તિ દારૂ પીતી હોવાની માહિતી આપી હતી. 8.2 ટકા વિદ્યાર્થીઓએ પરિવારમાં અન્ય નશીલા પદાર્થોના સેવનનો ઉલ્લેખ કર્યો હતો. નિષ્ણાતોના મતે, ઘર અને આસપાસનો આવો માહોલ બાળકોને નશાના સંપર્કમાં લાવવા માટેનું એક મોટું જોખમ બની શકે છે.








