આજકાલ સોશિયલ મીડિયા પર 90’s ટ્રેન્ડ છવાયેલો છે. ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ કે ફેસબુકમાં સ્ટોરી હોય કે પોસ્ટ, દરેક જગ્યાએ 90’s ફેશનના ફોટોઝ, રેટ્રો સ્ટાઈલ અને તે જમાનાનો કઇંક અલગ જ વાઈબ જોવા મળે છે. લોકોને આ ટ્રેન્ડ પર મળતા લાઈક્સ અને કોમેન્ટ્સથી જબરદસ્ત ખુશી મળે છે. અને તેનાથી ડોપામાઈન જલ્દીથી વધી જાય છે. હવે વાત એ છે કે, ટ્રેન્ડમાં જોડાવવું કંઈ ખોટું નથી, એ તો બદલાતું જ રહે છે. પણ સવાલ એ છે કે આપણે ફક્ત “લુક” કોપી કરીએ છીએ કે પછી એ જમાનાની અસલી “વાઈબ્સ” પણ સમજીએ છીએ?
આપણામાંથી લગભગ દરેકે આ સીન પોતાના ફેમિલીના લોકો સાથે અનુભવ્યો હશે: મમ્મી-પપ્પા કે દાદા-દાદી બેસીને 90’s ના જમાનાની વાતો કરે એ સમયની સાદગી, પડોશીઓ સાથેનો સંબંધ, મિત્રો સાથે કલાકો સુધીની વાતો, અને એકબીજાને મદદ કરવાની સાથે ઈમોશનલ સપોર્ટ અને આપણે હસતાં હસતાં એક જ જવાબ આપ્યો હશે “અરે એ તો જૂની વાતો છે, અત્યારે તો ટાઈમ જ અલગ છે!” અને આખી વાતને આપણે સમયનો બદલાવ, વિચારો વચ્ચે રહેલી વિષમતાઓ સાથે મૂકી દેતાં હોઈએ છીએ. પણ શું ખરેખર “ટાઈમ અલગ છે” એટલે આપણે વધુ સ્માર્ટ થયા છીએ? કે પછી ક્યાંક એવું બન્યું છે કે આપણે ટેકનોલોજીમાં આગળ વધ્યા, પણ લાગણીઓ સમજવામાં પાછળ રહી ગયા?
સામાજિક પરિપક્વતા
મનોવૈજ્ઞાનિકોએ કરેલા સામાજિક પરિપક્વતા (Social Maturity) પરના અભ્યાસોમાં એક ચોંકાવનારું તારણ સામે આવ્યું છે. આજની જનરેશનની ઈમોશનલ અને સોશિયલ મેચ્યોરિટી આગળની જનરેશન કરતાં ઓછી છે. આજની પેઢી પાસે મોબાઈલ, AI, સોશિયલ મીડિયા જેવી બધી જ સુવિધા છે, જ્યાંથી તેઓ ઘણું ડેવલપ કરી શકે છે તેમ છતાં તેઓમાં ઈમોશનલ મેચ્યોરિટીમાં ધીરે ધીરે ઘટાડો થઈ રહ્યો છે. કારણ બહુ સિમ્પલ છે આપણે પોતાની ખુશી, ઓળખ અને સેલ્ફ-વર્થને લાઈક્સ અને કોમેન્ટ્સ સાથે જોડવા લાગ્યા છીએ. જે સમય પહેલાં રૂબરૂ વાતચીત અને સાચા સંબંધોમાં જતો હતો, અને એ હવે સ્ક્રીન સ્ક્રોલિંગમાં જાય છે.
સોશિયલ એન્ડ ઈમોશનલ મેચ્યોરિટી
આ સોશિયલ મીડિયામાં આવતાં અલગ-અલગ ટ્રેન્ડને જોઈને એક વિચાર આવવો સ્વાભાવિક છે જો આ જ સ્પીડે આપણે સોશિયલ મીડિયા સાથે હ્યુમન રિલેશન સ્ટ્રોંગ કરતાં ગયા ને’તો ભવિષ્યમાં કદાચ 2050 સુધીમાં લોકોને “સોશિયલ એન્ડ ઈમોશનલ મેચ્યોરિટી” શીખવવા માટે ખાસ ક્લાસ કે ટ્રેનિંગ પ્રોગ્રામ્સની જરૂર પડશે કાં’તો શરૂ થઈ ગયા હશે? આ હાલ કદાચ અજુગતું લાગે, પણ જે રીતે વસ્તુઓ આગળ વધી રહી છે, એ જોતાં આમાં નવાઈ પામવા જેવું કંઈ નહીં હોય.
આપણે માણસ તરીકે એકબીજા સાથે પોતાની લાગણીઓ નજીકના લોકો સાથે ખુલીને વ્યક્ત કરતાં શીખવું છે, કે પછી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જ પોતાના ઈમોશન્સ ઠાલવતાં શીખવું છે? જુઓ, પસંદગી આપણી છે ટ્રેન્ડ ફોલો કરવો, ફોટોઝ પોસ્ટ કરવા, રીલ્સ બનાવવી આ બધું આજની લાઈફસ્ટાઈલનો ભાગ છે અને એમાં કંઈ ખોટું નથી. પણ સાથે સાથે એ યાદ રાખવું જરૂરી છે કે અસલી લાગણીઓ, અસલી સંબંધો અને અસલી ખુશી સ્ક્રીનની બહાર રૂબરૂ સંવાદમાં જ ટકે છે.
ટેકનોલોજી આગળ વધે એમાં કંઈ ખરાબ નથી પણ એની સાથે સાથે આપણી ઈમોશનલ અને સોશિયલ મેચ્યોરિટી પણ એટલી જ મજબૂત રહેવી જોઈએ. કારણ કે છેવટે, નિર્ણય આપણો જ છે ઇમોશનને મશીનને સોંપવી છે કે માણસ તરીકે જીવવી છે.
મન:મર્મ – આપણી લાઈફમાં ટેકનોલોજીની કરતાં વધારે વેલ્યુસ્, ઇમોશન, રિલેશનને મહત્ત્વ આપતાં શીખવું પડશે, નહિતર હ્યુમન એન્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી વચ્ચે કોઈ ડિફરન્સ નહીં રહે તો તેમાં કોઈ જ નવાઈ નહીં રહે.

રિવોઈમાં પ્રકાશિત થતા લેખ અને સમાચારો વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો >>> [email protected] ઉપર.


