સોશિયલ મીડિયાના યુગમાં ‘સેલ્ફી’: શોખ કે માનસિક સ્વાસ્થ્ય માટે જોખમકારક બાબત?
આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાના વધતા ઉપયોગ સાથે ‘સેલ્ફી’ આપણા રોજિંદા જીવનનો અભિન્ન ભાગ બની ગઈ છે. પ્રવાસ હોય, જન્મદિવસ હોય કે કોઈ ખાસ પ્રસંગ પોતાના જીવનની ખાસ ક્ષણોને કેમેરામાં કેદ કરીને સોશિયલ મીડિયા પર શેર કરવાનું વલણ સામાન્ય બની ગયું છે. પરંતુ પ્રશ્ન એ છે કે શું વધુ પડતી સેલ્ફી લેવાની આદત માત્ર શોખ કે તે કોઈ માનસિક સમસ્યાનો સંકેત બની શકે છે?
સૌથી પહેલાં એક મહત્ત્વની હકીકત જાણવી જરૂરી છે. સોશિયલ મીડિયા અને ‘સેલ્ફી’ને લઈ અમેરિકન સાઇકિયાટ્રિક એસોસિએશન (American Psychiatric Association – APA), વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO) એ “સેલ્ફિટિસ (Selfitis)” ને સત્તાવાર માનસિક બીમારી જાહેર કરી છે. આ દાવો સાચો નથી. હાલમાં APA દ્વારા Selfitis ને કોઈ સત્તાવાર માનસિક વિકાર તરીકે માન્યતા આપવામાં આવી નથી પરંતુ આની ઉપર ઘણાં સંશોધન ચાલી રહ્યા છે. કેટલાક સંશોધન અનુસાર સેલ્ફી ન લેનાર વ્યક્તિની જીવનને જીવવાની ગુણવત્તાની સામે જે વ્યક્તિ સેલ્ફી લે છે તે જો દિવસ દરમિયાન જો કોઈ સેલ્ફી ન લઈ શકે તો તેઓ ચિંતા, તણાવ નો અનુભવ વધુ કરે છે.
આ પણ વાંચોઃ કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે સામૂહિક વૃક્ષારોપણની કરી હાકલઃ 12 જુલાઈના અભિયાન માટે નાગરિકો નોંધણી કરાવી શકશે
“સેલ્ફિટિસ” શબ્દનો ઉપયોગ કેટલાક મનોવૈજ્ઞાનિકોના મત મુજબ વધુ પડતી સેલ્ફી લેવાની વૃત્તિ સાથે કરવામાં આવે છે. આ કોઈ તબીબી નિદાન નથી. મનોવિજ્ઞાનના નિષ્ણાતો અનુસાર વ્યક્તિ વિવિધ કારણોસર વારંવાર સેલ્ફી લેતી હોઈ શકે છે. જો મુખ્ય ગણીએ તો અન્ય લોકોની પાસેથી પ્રશંસા મેળવવાની ઇચ્છા રાખતા હોય. આત્મવિશ્વાસ અથવા આત્મસન્માન વધારવાનો પ્રયાસ ઇચ્છતા હોય, સોશિયલ મીડિયામાં લોકપ્રિય બનવાની ઇચ્છા, એકલતા અનુભવતા હોય અથવા ભાવનાત્મક રીતે ખામી અનુભવતા હોય, મિત્રો સાથે પોતાની સરખામણી કરવાની વૃત્તિ ધરાવતા હોય, સોશિયલ મીડિયા પ્રત્યે વધતું જતું ભારણ જેવા ઘણાં કારણો જવાબદાર હોય છે.

સેલ્ફી લેવી એ આજના સમયમાં સામાન્ય બાબત છે. પ્રવાસ, ઉજવણી કે યાદગાર ક્ષણોને સાચવવા માટે ફોટા લેવા એ સ્વાભાવિક છે. પરંતુ જ્યારે વ્યક્તિ આખો દિવસ ફોટા લેવામાં જ પસાર કરે, ઓફિસના કામ કે અભ્યાસ પર અસર થતી લાગે, લાઇક્સ અને કોમેન્ટ્સના આધારે પોતાનો મૂડ બદલાય, પરિવાર અને મિત્રો કરતાં સોશિયલ મીડિયાને વધુ મહત્વ આપવામાં આવતું હોય, ત્યારે આ વર્તન અંગે વિચારવાની જરૂર છે કે વ્યક્તિને સેલ્ફી કે સોશિયલ મીડિયાની ડીપેનડેન્સિ થઈ રહી છે. આવી બાબતમાં સંકોચ રાખ્યા કરતાં તરત જ માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતની મદદ લેવી જરૂરી છે.
આ પણ વાંચોઃ ઈન્સ્ટાગ્રામ, જીમ અને દુબઈ સ્થિત નફરત ફેલાવતી વેબસાઈટ દ્વારા ભારતના યુવાનોને ફસાવવામાં આવી રહ્યા છે
સેલ્ફી જેવી સમસ્યાને અટકાવવા માટે વ્યક્તિએ સોશિયલ મીડિયાના વપરાશના સમયને મર્યાદિત રાખવો જોઈએ. દરેક પ્રસંગને કેમેરામાં કેદ કરવા કરતાં તેને માણવાનો પ્રયત્ન કરવો જોઈએ તેને લાગણીઓ સાથે જોડવાનો પ્રયત્ન કરવો જોઈએ. પરિવાર અને મિત્રો સાથે ગુણવત્તાવાળો સમય વિતાવવો જોઇએ. સેલ્ફી લેવી એ આજના યુગની સામાન્ય પ્રવૃત્તિમાંની એક છે. પરંતુ કોઈપણ વસ્તુની જેમ તેની પણ મર્યાદા હોવી જરૂરી છે. વધુ પડતી સેલ્ફી લેવાની આદત વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય, આત્મસન્માન અને સામાજિક જીવન પર અસર કરી શકે છે. તેથી, ડિજિટલ દુનિયા અને વાસ્તવિક જીવન વચ્ચે સંતુલન જાળવવું એ જ સાચી સમજદારી છે.
મન:મર્મ- “સેલ્ફી લો, ફોટાની નહીં, પરંતુ પોતાની સ્વ-ક્ષમતાની લો અને તેમાં જરૂરી લાગતાં તમારા મનપસંદ યોગ્યતાનો ફિલ્ટરની સાથે ઉમેરો કરતાં જાઓ.“
ડૉ. ચિન્મય દેસાઈ
મનોવિજ્ઞાની
dr.chinmaypsychologist@gmail.com


