નવી દિલ્હી, 14 ઓગસ્ટ 2026: વીર સાવરકર સામે કથિત અપમાનજનક ટિપ્પણી કરવાના મામલામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સર્વોચ્ચ અદાલતે આ કેસમાં નીચલી કોર્ટ દ્વારા રાહુલ ગાંધી સામે જાહેર કરવામાં આવેલા સમન્સને રદ કર્યાં છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ મામલે કાયદેસરનો કેસ ચલાવવા માટે જરૂરી મંજૂરી લેવામાં આવી નહોતી.
ન્યાયમૂર્તિ દીપાંકર દત્તા અને ન્યાયમૂર્તિ શીલ નાગૂની પીઠે સુનાવણી દરમિયાન નોંધ્યું કે, આ કેસમાં કાયદાકીય પ્રક્રિયા મુજબ આવશ્યક મંજૂરી મેળવવામાં આવી નથી. ખંડપીઠે જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશ સરકાર તરફથી દાખલ કરાયેલા સોગંદનામામાં પણ મંજૂરીનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આ બાબતને ધ્યાનમાં રાખીને અદાલતે મૂળ ફરિયાદ અને મેજિસ્ટ્રેટ દ્વારા પસાર કરવામાં આવેલા સમન્સ આદેશ બંનેને રદ કરી દીધા છે.
આ માનહાનિનો મામલો 17 નવેમ્બર 2022ના રોજ મહારાષ્ટ્રના અકોલા જિલ્લામાં યોજાયેલી ‘ભારત જોડો યાત્રા’ દરમિયાન રાહુલ ગાંધી દ્વારા વીર સાવરકરને લઈને કરવામાં આવેલી ટિપ્પણીઓ સાથે જોડાયેલો છે. આ નિવેદનને લઈને વકીલ નૃપેન્દ્ર પાંડે દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે રાહુલ ગાંધીએ જાણી જોઈને વીર સાવરકરનું અપમાન કર્યું છે અને તે બદનામ કરવા માટેની એક સુનિયોજિત કાવતરાનો ભાગ હતો.
અગાઉ, અદાલતના આદેશને પડકારતી અરજી પર હાઈકોર્ટે રાહુલ ગાંધીને સેશન કોર્ટમાં અરજી દાખલ કરવા કહ્યું હતું, જેની સામે આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. આખરે સુપ્રીમ કોર્ટે કાનૂની મંજૂરીના અભાવે રાહુલ ગાંધી વિરુદ્ધની આ કાર્યવાહીને રદ કરી દીધી છે.

