નવી દિલ્હી, 2 ઓક્ટોબર 2026: ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી વેપાર કરાર અંગેની વાટાઘાટો હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. અમેરિકી વેપાર પ્રતિનિધિ જેમીસન ગ્રીરે જણાવ્યું છે કે બંને દેશો કરારના બાકી રહેલા મુદ્દાઓ ઉકેલવા માટે ઝડપથી કામ કરી રહ્યા છે. તેમણે સંકેત આપ્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટૂંક સમયમાં જ ટેલિફોનિક વાતચીત કરીને આ વાટાઘાટોની પ્રગતિની સમીક્ષા કરી શકે છે.
G20 વેપાર મંત્રીઓની બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા ગ્રીરે જણાવ્યું હતું કે ભારત સાથેના વેપાર કરારને આખરી ઓપ આપવાના પ્રયાસો સતત ચાલુ છે. બંને પક્ષોએ એવા મુખ્ય મુદ્દાઓની ઓળખ કરી લીધી છે જેના પર હજુ સહમતિ સાધવાની બાકી છે. ગ્રીરે ભારતના કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ સાથેની તાજેતરની બેઠકને અત્યંત સકારાત્મક ગણાવી હતી. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું હતું કે કરારની સત્તાવાર જાહેરાત તાત્કાલિક ધોરણે થાય તેવી શક્યતા ઓછી છે.
અમેરિકી પ્રતિનિધિ ગ્રીરના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે ગુરુવારે સવારે વેપાર સહિતના અનેક મહત્વના મુદ્દાઓ પર રચનાત્મક વાતચીત થઈ હતી. ટૂંક સમયમાં જ બંને નેતાઓ વચ્ચે બીજી ફોન કોલ થવાની શક્યતા છે, જેમાં ટ્રેડ ડીલની વર્તમાન સ્થિતિ અને આગામી રોડમેપ પર વિસ્તૃત ચર્ચા થઈ શકે છે.
-
પીયૂષ ગોયલ અને ગ્રીર વચ્ચે મિલવોકીમાં બેઠક
કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે મિલવોકી ખાતે અમેરિકી પ્રતિનિધિ જેમીસન ગ્રીર સાથે મુલાકાત કરી હતી. વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, આ બેઠકનો મુખ્ય હેતુ બંને દેશો માટે લાભદાયી એવા વચગાળાના વેપાર કરારને વહેલી તકે આખરી ઓપ આપવાનો હતો. આ વાટાઘાટો 7 ફેબ્રુઆરીના રોજ જાહેર કરાયેલા ભારત-અમેરિકા સંયુક્ત નિવેદનની રૂપરેખા હેઠળ આગળ વધી રહી છે.
ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સંબંધો ઉતાર-ચઢાવથી ભરેલા રહ્યા છે. વર્ષ 2025માં વાટાઘાટો અટકી ગયા બાદ અમેરિકાએ ભારતીય વસ્તુઓ પર ટેરિફ વધારીને 50 ટકા કરી દીધો હતો. આમાં રશિયા પાસેથી ભારતની તેલ ખરીદીના જવાબમાં લાદવામાં આવેલો 25 ટકા વધારાનો ચાર્જ પણ સામેલ હતો.
ત્યારબાદ બંને દેશોએ ફરી ચર્ચાની પ્રક્રિયા શરૂ કરી હતી. 7 ફેબ્રુઆરીના રોજ જાહેર થયેલા સંયુક્ત નિવેદનમાં વેપાર કરારનો નવો રોડમેપ સામે આવ્યો હતો. તે સમયે રાષ્ટ્રપતિ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું હતું કે અમેરિકા ભારત પરનો પરસ્પર ટેરિફ 25 ટકાથી ઘટાડીને 18 ટકા કરશે, જ્યારે ભારતે પણ અમેરિકી ઉત્પાદનો પરની આયાત ડ્યુટી ઓછી કરવાની રહેશે.
-
સ્પર્ધક દેશો સામે ભારત માટે સમાન તકની માગ
આ કરારનો પ્રથમ તબક્કો હજુ સુધી આખરી થઈ શક્યો નથી, કારણ કે અમેરિકાની ટેરિફ નીતિમાં પાછળથી આવેલા ફેરફારોને કારણે વાટાઘાટો લંબાઈ હતી. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે તાજેતરમાં જણાવ્યું હતું કે કરાર લગભગ તૈયાર છે, પરંતુ તેને અમલમાં મૂકવા માટે ભારતને અમેરિકી બજારમાં એશિયાન દેશો, ચીન અને બાંગ્લાદેશ જેવા હરીફ દેશોની સરખામણીએ યોગ્ય અને સમાન તકો મળવી જરૂરી છે.


