છોટા ઉદેપુર, 28 નવેમ્બર, 2026 : Hafeshwar Hill area of Chhota Udepur will be developed as a tourist destination છોટાઉદેપુર જિલ્લામાં પ્રવાસન વિકાસ કરવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીએ હાફેશ્વરના ડુંગર પર એકદમ કાઉ બોય લૂકના નવા અને યુવા અંદાજમાં આદિવાસી સમાજના યુવાઓ સાથે ખૂબ જ રોચક સંવાદ કર્યો અને યુવાઓ સાથે તેમના પ્રશ્નો, સપનાઓ અને કારકિર્દીની તકો અને પડકારો વિશે દિલ ખોલીને વાત કરી હતી.
સંઘવીએ સ્થાનિક કલાકારો, રમતવીરો, વિદ્યાર્થીઓ, ઉદ્યોગ સાહસિકો સહિતના યુવાઓ સાથે ખૂબ જ આત્મીયતા સાથે વાત કરી હતી અને આ યુવાઓની પ્રતિભાઓ થી વાકેફ થયા હતા. તેમણે ઉમેર્યું હતું કે યુવાઓને મળવાથી તેમની સતત કામ કરવાની ઈચ્છા શક્તિમાં વધારો થાય છે.
નાયબ મુખ્યમંત્રીએ આવનાર સમયમાં હાફેશ્વર વિસ્તારને ઈકો ટુરિઝમ તરીકે ડેવલપ કરવાની જાહેરાત કરી હતી. જેમાં, મોટા પાયે માળખાકીય સુવિધાઓનો વિકાસ કરી વિપુલ પ્રમાણમાં સ્થાનિક લોકોને રોજગારી મળે તે દિશામાં કાર્ય કરવા જણાવ્યું હતું. મંત્રીએ જણાવ્યું હતું આ વિસ્તારમાં ૧૦૦ થી વધુ હોમ સ્ટે ડેવલપ કરવામાં સરકાર સ્થાનિકોને મદદ કરશે. આ ભગીરથ કાર્યને પૂરું પાડવા માટે તેમણે છોટા ઉદેપુર જિલ્લાના યુવાઓનો સહકાર માંગ્યો હતો.
સંઘવીએ જણાવ્યું હતું કે આપણે માળખાકીય સુવિધાઓ નિર્માણ કરવાની સાથે આ વિસ્તારોમાં સ્વચ્છતા અને આતિથ્ય માટેના ઉચ્ચ માપદંડો રાખવા પડશે.
સંઘવીએ આ પ્રતિભાશાળી યુવાઓના સાહસ અને સફળતાને બિરદાવી હતી. તેમણે હાફેશ્વર ખાતે પેરાગ્લાઈડીંગની ફિઝિબિલિટી તપાસ કરવા અને જિલ્લામાં સ્પોર્ટ્સ માટે વિશાળ મેદાન તૈયાર કરવા જરૂરી કામગીરી કરવા વહીવટી તંત્રને સૂચના આપી હતી.
સંઘવીએ અન્ય યુવાઓને પણ આવા સકારાત્મક કાર્યોમાં જોડાઈ આદિવાસી સમાજના ગૌરવને ઉજાગર કરતા કાર્યો અને સરકારની યોજનાકીય લાભની માહિતીનો મહત્તમ પ્રચાર કરવા સૌને અપીલ કરી હતી.
આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રીએ આ વિસ્તારમાં ચાલતા ઈકો ટુરિઝમના ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું નિરિક્ષણ કર્યું હતું અને કોઈ પણ નવી શરૂઆતમાં સ્થાનિક આદિવાસીઓના રોજગારને કેન્દ્રમાં રાખીને કાર્ય કરવા સૂચના આપી હતી.








