ગાંધીનગર, 24 નવેમ્બર, 2026 : શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂપિયા 8.47 કરોડના ખર્ચે કોલવડા લેકને અમૃત સરોવર અને ઓક્સિજન પાર્ક તરીકે વિક્સાવવામાં આવ્યું હતું. કોલવડા લેક ફરતે બ્યુટિફિકેશન પણ કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ માત્ર એક વર્ષના સમયગાળામાં જાળવણીના અભાવે લેકની દયનીય હાલત જોવા મળી રહી છે. લેકની આજુબાજુ રોપેલા વૃક્ષો સુકાવા લાગ્યા છે અને તળાવમાં લીલ તેમજ જંગલી ઘાસનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.
ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રૂપિયા 8.47 કરોડવા ખર્ચે વર્ષ 2025માં કોલવડા લેકનો વિકાસ કરવામાં આવ્યો હતો. કોલવડા લેક શહેરીજનોને ફરવા માટેનું સ્થળ બની રહે તે માટે સારો એવો વિકાસ કરવામાં આવ્યો હતો. 1,10,000 ચોરસ મીટરમાં ફેલાયેલા આ પ્રોજેક્ટમાં મિયાંવાંકી પદ્ધતિથી 41,301 ચોરસ મીટર વિસ્તારમાં બદામ, વડ, પીપળો, આંબો, આમળાં, જાંબુ અને જામફળ સહિતના 30,000 જેટલા દેશીકુળના વૃક્ષો ઉછેરવામાં આવ્યા હતા. પરંતુ નિયમિત માવજત અને પાણીના અભાવે આમાંના મોટાભાગના વૃક્ષો હાલ સુકાવા માંડ્યા છે, જ્યારે તંત્રની વધુ વૃક્ષો વાવવાની વાતો માત્ર કાગળ પર જ સાબિત થઈ રહી છે.
આ ઉપરાંત 182.5 મિલિયન લિટર પાણીની સંગ્રહ ક્ષમતા ધરાવતા આ તળાવમાં સફાઈના અભાવે ઠેર-ઠેર લીલના જાડા થર જામી ગયા છે અને કિનારે જંગલી ઘાસ તથા ઝાડી-ઝાંખરા ઉગી નીકળ્યા છે. પાણીની ગુણવત્તા સુધારવા માટે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને જળચર છોડ વાવવાના દાવા અધવચ્ચે જ અટકી પડ્યા હોય તેવી સ્થિતિ સર્જાતા સહેલાણીઓ માટે અહીં બેસવું કે હરવું-ફરવું પણ મુશ્કેલ બન્યું છે. સાંજના સમયે મોર, પોપટ, કોયલ, ટીટોડી, બતક અને ઘર ચકલીઓનો કલરવ ગુંજતો હતો ત્યાં આજે ગંદકી અને જંગલી વનસ્પતિને કારણે ઝેરી જીવજંતુઓનો અડ્ડો બની રહ્યો છે. કોલવડા, રાંધેજા અને ગાંધીનગરના 10,000થી વધુ રહેવાસીઓ માટે પિકનિક સ્પોટ બનેલા આ સ્થળની તાત્કાલિક સફાઈ અને જાળવણી શરૂ કરવામાં નહીં આવે તો કરોડોનો પ્રોજેક્ટ ફરી વેરાન બની જશે તેવી ભીતિ પ્રકૃતિપ્રેમીઓએ વ્યક્ત કરી છે.








