અમદાવાદ, 26 નવેમ્બર, 2026 : Bhagavat Katha બનાસકાંઠા જિલ્લાના ઓગડ તાલુકાના રાજપુર ગામે ગોવર્ધન ગ્રીન્સ ખાતે વિરમભાઈ હેમરાજભાઈ આલ ચેરીટેબલ ટ્રસ્ટ, અમદાવાદ’ના યજમાનપદે આવતીકાલે તા, 27 નવેમ્બરને શુક્રવારથી તા. 3 ડિસેમ્બર, 2026 સુધી શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ યોજાશે. ભાગવતાચાર્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દરરોજ સવારે 9:30થી બપોરે 1 વાગ્યા સુધી કથાનું રસપાન કરાવશે.

શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞના પ્રથમ દિવસે, 27 નવેમ્બરે સવારે 7 વાગ્યે રાજપુર ગામેથી શોભાયાત્રા નીકળશે. તે સવારે 9 વાગ્યે કથા સ્થળે પહોંચશે. સવારે 9:30 વાગ્યે પશ્ચિમામ્નાય દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ, રમેશભાઈ ઓઝા, દૂધરેજ ગુરુગાદીના કનીરામ મહારાજ, વાળીનાથના મહંત જયરામગીરી બાપુ, ઓગડના મહંત બળદેવનાથ બાપુ, થરા વાળીનાથની જગ્યાના મહંત ઘનશ્યામપુરી બાપુ અને રાજપુર મઠના મહંત નિર્મળપુરી બાપુ દીપ પ્રગટાવી કથાનો પ્રારંભ કરશે. ગુજરાતના અન્ય સંતો-મહંતો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે,
આ ઐતિહાસિક ધર્મોત્સવના મુખ્ય પ્રણેતા, નિમંત્રક અને આયોજક અમૃતભાઈ વિરમભાઈ આલ તથા ટ્રસ્ટ પરિવાર દ્વારા શ્રદ્ધાળુઓની સુવિધા માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. કથા સ્થળે 20 થી 25 હજાર શ્રદ્ધાળુઓ એકસાથે બેસીને કથા શ્રવણ કરી શકે તેવો વિશાળ ડોમ તૈયાર કરાયો છે, તેમજ રૂબરૂ ન આવી શકનાર ભક્તો માટે લાઈવ પ્રસારણની સુવિધા પણ ઉપલબ્ધ કરાઈ છે. બહારગામથી પધારનારા સંતો-મહંતો અને મહેમાનોના ઉતારા માટે100 રૂમની વ્યવસ્થા, વાહનો માટે નજીકમાં જ 6 અલગ-અલગ વિશાળ પાર્કિંગ અને એકસાથે 7 હજાર ભક્તો મહાપ્રસાદ લઈ શકે તેવા ભોજનાલયો ઊભા કરવામાં આવ્યા છે.
આ કથાનું વિશેષ આકર્ષણ એ છે કે જામનગરથી હાલારી હરિ ભગવાન શ્રી દ્વારકાધીશ સ્વયં વિગ્રહ સ્વરૂપે અહીં પધારવાના છે અને સાત દિવસ સુધી બિરાજમાન રહેશે, જ્યાં દરરોજ અન્નકૂટ ધરાવવામાં આવશે જેના દર્શનનો લહાવો ભક્તોને મળશે. કથા દરમિયાન તા. 30 નવેમ્બરના રોજ શ્રી કૃષ્ણ જન્મોત્સવ, તા. 1 ડિસેમ્બરના રોજ ગોવર્ધન પૂજા અને તા. 2 ડિસેમ્બરના રોજ રુક્મિણી વિવાહ બપોરે 12:30 કલાકે ધામધૂમથી ઉજવાશે, તેમજ તા.1 થી 4 ડિસેમ્બર દરમિયાન બ્રહ્મલીન મહંત ગુરુ વિરમપુરીજી મહારાજના ભવ્ય ભંડારાનું પણ આયોજન કરાયું છે.
આ પ્રસંગે શ્રી અમૃતભાઈ આલે પોતાની ઉમદા ભાવના વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આ કથાનો મુખ્ય ઉદ્દેશ્ય સામાજિક સમરસતાનો સેતુ રચવાનો છે, જ્યાં વાલ્મીકિ સમાજથી લઈને બ્રાહ્મણ સમાજ સુધીના તમામ લોકો એકસાથે બેસીને ભોજન પ્રસાદ લેશે. કથામાં ક્યાંય ‘વીઆઈપી’ જેવો ભેદભાવ ન રહે તે માટે બેઠક વ્યવસ્થાને દ્વારકા, ગોકુળ, મથુરા અને વૃંદાવન, જ્યારે ભોજનશાળાઓને દ્વારિકાપુરી, જનકપુરી અને અન્નપૂર્ણા ધામ જેવા પવિત્ર નામ આપવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, “દરેક સમાજની દીકરી મારી પોતાની દીકરી સમાન છે” અને સૌ કોઈ એક પરિવારની ભાવનાથી આ ઉત્સવમાં જોડાય તે જ મારો સંકલ્પ છે.








