Homeગુજરાતીદેશ-વિદેશ47.2 ટકા જમીન પર દુષ્કાળનો ખતરો: ઘઉં-દાળ અને તેલ મોંઘા થશે?

47.2 ટકા જમીન પર દુષ્કાળનો ખતરો: ઘઉં-દાળ અને તેલ મોંઘા થશે?

અમદાવાદ, 25 નવેમ્બર 2026 : દેશમાં નબળા ચોમાસા અને જમીનમાં ભેજનું સ્તર ઘટવાને કારણે ખેતી પર માઠી અસર વર્તાવા લાગી છે. તેની સીધી અસર હવે રવિ પાકના વાવેતર પર પડી રહી છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) ગાંધીનગરના ‘ઇન્ડિયા ડ્રોટ મોનિટર’ના તાજા અહેવાલ મુજબ, દેશના કુલ ભૌગોલિક વિસ્તારનો અંદાજે 47.2 ટકા હિસ્સો દુષ્કાળની વિવિધ પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યો છે. એક સપ્તાહ પહેલા આ આંકડો 46.6 ટકા હતો, જે સ્થિતિ વધુ ગંભીર બની હોવાનું દર્શાવે છે.

વર્ષ 2026નું દક્ષિણ-પશ્ચિમ ચોમાસું દેશ માટે નબળું રહ્યું છે. સામાન્ય રીતે 868.6 મિલીમીટર વરસાદ સામે આ વખતે માત્ર 759.4 મિલીમીટર એટલે કે 13 ટકા ઓછો વરસાદ પડ્યો છે. હવામાન વિભાગના આંકડા મુજબ, 2001 પછી 2026 ચોથું સૌથી ઓછા વરસાદવાળું ચોમાસું રહ્યું છે. રાજ્યોની વાત કરીએ તો કર્ણાટકમાં સામાન્યથી 35 ટકા, રાજસ્થાનમાં 22 ટકા, મહારાષ્ટ્રમાં 19 ટકા અને તેલંગાણામાં 17 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. મહારાષ્ટ્રના મરાઠવાડામાં 40 ટકા ઓછો વરસાદ થયો છે, જ્યારે સોલાપુર અને બીડમાં અનુક્રમે 58 અને 51 ટકા વરસાદની ઘટ રહી છે.

જમીનમાં ભેજની અછતને કારણે ઘઉં, ચણા, મસૂર, વટાણા અને સરસવ જેવા રવિ પાકોના વાવેતરની ગતિ ધીમી છે. 13 નવેમ્બર 2026 સુધીમાં દેશમાં 1.783 કરોડ હેક્ટર વિસ્તારમાં રવિ વાવેતર થયું છે, જે ગત વર્ષના આ જ સમયગાળાના 2.010 કરોડ હેક્ટર કરતાં 11.3 ટકા (અંદાજે 22.8 લાખ હેક્ટર) ઓછું છે. કૃષિ નિષ્ણાતોએ મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઉત્તર કર્ણાટકના ખેડૂતોને પાણીની સ્થિતિ મુજબ ઓછા પાણીવાળા પાકો પસંદ કરવા સલાહ આપી છે.

  • 6 રાજ્યોના અનેક જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર

દુષ્કાળની અસર માત્ર ખેડૂતો પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ સામાન્ય લોકોના રસોડાના ખર્ચ પર પણ પડી શકે છે. ભેજના અભાવે ઘઉંના વાવેતર અને પાકની શરૂઆતની વૃદ્ધિ પર અસર થઈ શકે છે. ચણા અને મસૂર જેવી દાળના ઉત્પાદનમાં ઘટાડો થાય તો બજારમાં પુરવઠા પર દબાણ આવી શકે છે, જ્યારે સરસવ સહિતના તેલીબિયાં પાકોની ઉપજ ઘટવાથી ખાદ્ય તેલના ભાવ વધવાની શક્યતા રહે છે.

IIT બોમ્બેની કૃષિ દુષ્કાળ પૂર્વાનુમાન સિસ્ટમે પણ રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, પશ્ચિમ મધ્યપ્રદેશ, તેલંગાણા અને દક્ષિણ-પશ્ચિમ આંધ્રપ્રદેશના કેટલાક ભાગોમાં કૃષિ દુષ્કાળની સ્થિતિ યથાવત રહેવાની આશંકા વ્યક્ત કરી છે. ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને રાજસ્થાનની સરકારોએ પોતાના અનેક જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે, જેનાથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img