Homeગુજરાતીદેશ-વિદેશમેરઠઃ જમ્મુ-કાશ્મીરના સૈન્ય એરબેઝ પર ફિદાયીન હુમલાનું કાવતરું ઘડ્યાનું આતંકી ઉજૈદની તપાસમાં...

મેરઠઃ જમ્મુ-કાશ્મીરના સૈન્ય એરબેઝ પર ફિદાયીન હુમલાનું કાવતરું ઘડ્યાનું આતંકી ઉજૈદની તપાસમાં ખુલ્યું

મેરઠ, 25 નવેમ્બર 2026: મેરઠ પોલીસ અને જમ્મુ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ઝડપાયેલા શંકાસ્પદ આતંકવાદી ઉજૈદ કુરેશીની પૂછપરછમાં જમ્મુ-કાશ્મીરના સૈન્ય એરબેઝ પર ફિદાયીન હુમલો કરવાના મોટા ષડયંત્ર અને પાકિસ્તાન સ્થિત ઓનલાઈન કટ્ટરપંથી નેટવર્કનો પર્દાફાશ થયો છે. તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ, ઉજૈદ છેલ્લા 10 મહિનાથી ફરાર હતો અને સોશિયલ મીડિયાના માધ્યમથી યુવાનોને કટ્ટરપંથી બનાવી આતંકી સંગઠનો સાથે જોડવાનું કામ કરતો હતો.

તપાસમાં બહાર આવ્યું છે કે પાકિસ્તાનમાં બેઠેલા આતંકીઓ અને ગુપ્તચર એજન્સી આઈએસઆઈના ઈશારે ભારતમાં મોટા ફિદાયીન હુમલાની તૈયારી ચાલી રહી હતી. આ ષડયંત્ર હેઠળ સેનાની ચેકપોસ્ટ, આર્મીના કાફલા તેમજ વીઆઈપી વ્યક્તિઓ અને દેશના મહત્વપૂર્ણ સ્થળોને નિશાન બનાવવા માટે યુવાનોને તૈયાર કરવામાં આવી રહ્યા હતા. ઉજૈદના સીધા સંપર્કો પાકિસ્તાની હેન્ડલર અને આઈએસઆઈના નજીકના આતંકી ગેંગસ્ટર શહજાદ ભટ્ટી તથા તેની ગેંગ સાથે હોવાનું ખૂલ્યું છે.

  • સોશિયલ મીડિયા ગ્રુપ્સ દ્વારા અપાતી હતી આતંકી તાલીમ

પીઓકે (પાકિસ્તાન અધિકૃત કાશ્મીર) ના આમિર હમઝા, અબુ મુસાબ, ફુરકાન અને કામરાન સોશિયલ મીડિયા પર વિવિધ ગ્રુપ્સ બનાવી યુવાનોને ઓનલાઈન આતંકી તાલીમ અને ભરતી ચલાવતા હતા. ઉજૈદને ઉત્તર પ્રદેશમાં નવા યુવાનો અને કિશોરોની ભરતી કરવાની જવાબદારી સોંપાઈ હતી. તે કિશોરોના મોબાઈલમાં આતંકી સંગઠનોના વીડિયો મોકલીને બાદમાં ડિલીટ કરી દેતો હતો.

વર્ષ 2025માં જમ્મુમાં આતંકી સાજિદની ધરપકડ બાદ ઉજૈદનું નામ સામે આવ્યું હતું, ત્યારથી તે ફરાર હતો. સોમવારે જમ્મુ અને મેરઠની કોતવાલી પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી તેને ઝડપી પાડ્યો હતો. પૂછપરછમાં તેણે કબૂલ્યું કે તે યુટ્યુબ અને ઈન્સ્ટાગ્રામ પર ભારત વિરોધી વીડિયો જોતો હતો. આવા જ એક વીડિયો પર ‘હમ ભી તૈયાર હૈં’ કોમેન્ટ કર્યા બાદ તે આતંકી સાજિદના સંપર્કમાં આવ્યો હતો.

તપાસ મુજબ, વર્ષ 2025માં આર્મીની મોટી ચેકપોસ્ટ અથવા સૈન્ય કાફલા પર ફિદાયીન હુમલો કરવાની યોજના ઘડાઈ હતી. જેમાં સાજિદને રેકી કરવાની અને ઉજૈદને હથિયાર તથા વિસ્ફોટક જેકેટ પૂરા પાડી હુમલાને અંજામ આપવાની જવાબદારી સોંપાઈ હતી, જેના માટે તેને ખાસ તાલીમ પણ અપાઈ હતી. હાલ પોલીસ ઉજૈદ સાથે જોડાયેલા અન્ય સાગરીતો અને સમગ્ર નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img