Homeગુજરાતીદેશ-વિદેશUPI અને નેટબેંકિંગ બંધ કરવાથી લઈને સમય અને લિમિટ નક્કી કરવાનો હક...

UPI અને નેટબેંકિંગ બંધ કરવાથી લઈને સમય અને લિમિટ નક્કી કરવાનો હક ગ્રાહકોને મળશે

મુંબઈ, 25 નવેમ્બર 2026: ઓનલાઈન છેતરપિંડી અને ડિજિટલ ફ્રોડના વધી રહેલા બનાવો વચ્ચે ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ બેંક ગ્રાહકોની સુરક્ષા માટે મહત્વપૂર્ણ પહેલ કરી છે. રિઝર્વ બેંકે 23 નવેમ્બરના રોજ ‘પ્રિવેન્ટિવ સેફગાર્ડ્સ ફોર ઇલેક્ટ્રોનિક બેંકિંગ ટ્રાન્ઝેક્શન્સ’ (ઈબીટીએસ) શીર્ષક હેઠળ નવા નિયમોનો ડ્રાફ્ટ જાહેર કર્યો છે. આ પ્રસ્તાવનો મુખ્ય ઉદ્દેશ ગ્રાહકોને પોતાની રકમ ક્યારે, ક્યાં અને કેટલી ખર્ચ કરવી તેનો સંપૂર્ણ નિયંત્રણ આપવાનો છે. આ નિયમો કમર્શિયલ બેંકો, સ્મોલ ફાઈનાન્સ બેંકો, પેમેન્ટ્સ બેંકો, પ્રાદેશિક ગ્રામીણ બેંકો અને કો-ઓપરેટિવ બેંકોને લાગુ પડશે.

નવા પ્રસ્તાવ મુજબ, તમામ બેંકોએ ગ્રાહકોને યુપીઆઈ, ઈન્ટરનેટ બેંકિંગ અને મોબાઈલ બેંકિંગ જેવા ડિજિટલ પેમેન્ટ માધ્યમો બંધ કરવાની સુવિધા આપવી પડશે. ગ્રાહક પોતાની જરૂરિયાત મુજબ કોઈ એક અથવા તમામ માધ્યમો બંધ રાખી શકશે. ચેનલ બંધ થયા બાદ ગ્રાહક દ્વારા તે માધ્યમથી કોઈ નાણાં કપાઈ શકશે નહીં. જરૂર પડે ત્યારે બેંકની શાખા અથવા ડિજિટલ એપ દ્વારા ઓટીપી કે નિર્ધારિત સુરક્ષા પદ્ધતિથી ખરાઈ કર્યા બાદ તેને ફરી શરૂ કરી શકાશે.

લિમિટથી લઈને સમય સુધીના 5 ખાસ નિયંત્રણો

ડિજિટલ ચેનલ બંધ કરવા ઉપરાંત ગ્રાહકોને પાંચ પ્રકારની મર્યાદા નક્કી કરવાનો વિકલ્પ મળશે. એક વખતના વ્યવહારની મહત્તમ મર્યાદા નક્કી કરી શકાશે. કોઈ એક વ્યક્તિને દિવસમાં મોકલી શકાતી રકમની મર્યાદા બાંધી શકાશે. કોઈ એક માધ્યમ પર આખા દિવસની કુલ મર્યાદા નક્કી કરી શકાશે. તમામ ડિજિટલ માધ્યમોના વ્યવહારો માટે દિવસની એક સંયુક્ત મર્યાદા રાખી શકાશે. ગ્રાહક દિવસના ચોક્કસ કલાકો પસંદ કરી શકશે, જે દરમિયાન તેમના પેમેન્ટ ચેનલ બંધ રહેશે. ગ્રાહકોએ નક્કી કરેલી મર્યાદા બેંકની કુલ નિર્ધારિત મર્યાદાની અંદર રહેવી જરૂરી રહેશે. જેમ કે બેંકની સિંગલ યુપીઆઈ મર્યાદા રૂ. 1 લાખ હોય તો ગ્રાહક તેને ઘટાડીને રૂ. 20,000 કરી શકશે, પરંતુ વધારીને રૂ.1.5 લાખ કરી શકશે નહીં.

ડેબિટ અને ક્રેડિટ કાર્ડધારકો માટે પણ કાર્ડ ઓન/ઓફ કરવા અને તેની મર્યાદા બદલવાની સુવિધા આપવી પડશે. આ નિયંત્રણો દેશ અને વિદેશ બંને સ્થળના પીઓએસ મશીન, એટીએમ, ઓનલાઈન અને કોન્ટેક્ટલેસ વ્યવહારોને લાગુ પડશે, જોકે ગ્રાહક બેંકની મહત્તમ કાર્ડ મર્યાદાની અંદર જ ફેરફાર કરી શકશે. ભેટમાં અપાતા પ્રીપેઈડ ગિફ્ટ કાર્ડ અને પબ્લિક ટ્રાન્સપોર્ટના ટ્રાન્ઝિટ કાર્ડ આ નિયમોના દાયરામાં નહીં આવે. હાલ આ નિયમો ડ્રાફ્ટ સ્વરૂપે જાહેર કરાયા છે. આરબીઆઈએ બેંકો, નાગરિકો અને અન્ય હિતધારકો પાસેથી 14 ડિસેમ્બર 2026 સુધી સૂચનો અને અભિપ્રાયો મંગાવ્યા છે. તમામ સૂચનોની સમીક્ષા કર્યા બાદ અંતિમ નિયમો જાહેર કરવામાં આવશે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img