જમ્મુ-કાશ્મીર, 25 નવેમ્બર 2026: જમ્મુ-કાશ્મીરની રિયાસી પોલીસે આતંકવાદી નેટવર્કની આર્થિક કમર તોડવા માટે કડક કાર્યવાહી કરતા પાકિસ્તાનમાં બેઠેલા આતંકી હેન્ડલરો સાથે જોડાયેલા 5 શખ્સોની મિલકતો ટાંચમાં લીધી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે રિયાસી જિલ્લાના વિવિધ વિસ્તારોના રહેવાસી આ આરોપીઓ અગાઉ શસ્ત્રોની તાલીમ લેવા પાકિસ્તાન ગયા હતા અને સરહદ પારથી આતંકી ગતિવિધિઓને ફરી સક્રિય કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેમજ પોતાની જમીન વેચીને તેમાંથી મળતી રકમનો ઉપયોગ આતંકવાદીઓને મદદ કરવા માટે કરવાની ફિરાકમાં હતા.
આતંકી પ્રવૃત્તિઓને ભંડોળ મળતું અટકાવવા માટે પોલીસે UAPA (અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ) ની કલમ 25 હેઠળ કુલ અંદાજે 29 કનાલ જમીન જપ્ત/અટેચ કરવાની કાર્યવાહી કરી છે. જે પાંચ વ્યક્તિઓની મિલકત ટાંચમાં લેવાઈ છે તેમાં મોહમ્મદ કય્યુમ ઉર્ફે અબ્દુલ કય્યુમ, બશીર અહેમદ ઉર્ફે માસૂમ, શૌકત અલી, મંજૂર અહેમદ ઉર્ફે મંજૂર હુસૈન અને ઈમ્તિયાઝ અહેમદનો સમાવેશ થાય છે.
-
1991 થી 2003 દરમિયાન 30 લોકો પાકિસ્તાન ગયા હોવાનો ખુલાસો
આ કાર્યવાહી મહોરે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR નંબર 70/2024 સાથે સંકળાયેલી છે, જેમાં ભારતીય ન્યાય સંહિતા સહિત અન્ય સંબંધિત કાયદાઓની કલમો પણ લગાડવામાં આવી છે. 29 નવેમ્બર 2024 ના રોજ મળેલી માહિતી મુજબ, મહોરે અને ચસાના વિસ્તારમાંથી 1991 થી 2003 વચ્ચે અંદાજે 30 લોકો પાકિસ્તાન ગયા હતા. આરોપ છે કે તેઓ પાકિસ્તાનમાં રહીને હિઝબુલ મુજાહિદ્દીન માટે કામ કરી રહ્યા છે તથા સરહદ પારથી શસ્ત્રો, દારૂગોળો અને નાણાં મોકલવા ઉપરાંત સ્થાનિક યુવાનોને ગેરમાર્ગે દોરવામાં સંડોવાયેલા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ પગલાંનો મુખ્ય હેતુ આતંકી સંગઠનોને મળતી નાણાકીય અને લોજિસ્ટિક મદદને સંપૂર્ણપણે ખતમ કરવાનો છે. આ કાર્યવાહી દ્વારા સ્પષ્ટ સંદેશ અપાયો છે કે સરહદ પાર બેસીને આતંકી નેટવર્ક ચલાવતા તત્વોની જમ્મુ-કાશ્મીરમાં આવેલી મિલકતો પણ કાયદાની કાર્યવાહીમાંથી બચી શકશે નહીં.








