Homeગુજરાતીગુજરાતમોબાઈલ ટાવરમાંથી કોપરના વાયરની ચોરી કરતી ગેન્ગનો સાગરિત પકડાયો

મોબાઈલ ટાવરમાંથી કોપરના વાયરની ચોરી કરતી ગેન્ગનો સાગરિત પકડાયો

વડોદરા, 26 નવેમ્બર, 2026 : Man caught stealing copper wire from mobile tower રાજ્યમાં જૂદા જૂદા વિસ્તારોમાં મોબાઈલ ટાવરમાંથી કોપર વાયરની ચોરી કરતી ગેન્ગના સાગરિતને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો છે. ક્રાઈમ બ્રાન્ચે પેટ્રોલિંગ દરમિયાન અમદાવાદના વિશાલ રમેશભાઇ રાજપૂત નામના શખસને વાઘોડિયા બ્રિજ નજીકથી શંકાસ્પદ કોપરના વાયરો સાથે ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક તપાસમાં આરોપીએ છેલ્લા 7થી 8 મહિનામાં ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં આવેલા મોબાઇલ ટાવરોને નિશાન બનાવી કોપરના વાયરોની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તેની પાસેથી 117 મીટર કોપરના વાયર, ચોરીમાં ઉપયોગમાં લેવાતું બાઈક, મોબાઇલ ફોન અને વાયર કાપવાના સાધનો સહિત કુલ 93,050 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીની ધરપકડ સાથે કરજણ, કઠલાલ અને કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશન સહિતના 12થી વધુ ગુનાનો ભેદ ઉકેલાયો છે. આરોપી સાથે અન્ય સાગરિતો કેટલા છે તેની પણ પૂછતાછ કરવામાં આવી રહી છે.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે ટીમે વાઘોડિયા બ્રિજથી આગળ હાઇવે રોડ ઉપર બાઈક પર પસાર થઈ રહેલા વિશાલ રમેશભાઇ રાજપૂતને અટકાવીને પૂછતાછ કરતા વિશાલ ગભરાયેલો જણાતા તેની તલાશી લેવામાં આવતા શંકાસ્પદ કોપરના વાયરોના આશરે 40 મીટર જેટલા ટુકડા અને વાયર કાપવાના સાધનો મળી આવ્યા હતા. પોલીસે વાયરો અંગે આધાર-પુરાવા માંગતા તે સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો. જેથી તેની સઘન પૂછપરછ કરવામાં આવતાં સમગ્ર ચોરીકાંડનો પર્દાફાશ થયો હતો.

પોલીસની પૂછપરછમાં આરોપીએ છેલ્લા 7થી 8 મહિનાથી ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં મોબાઇલ ટાવરની સાઇટ પર જઈ ત્યાં લગાવવામાં આવેલા કોપરના કેબલ પકડ વડે કાપીને ચોરી કરતો હોવાનું કબૂલ્યું હતું. આરોપીએ કરજણ તાલુકાના લકોદરા અને બામણગામની સીમ, દુમાડ ખાતે એક્સપ્રેસ હાઇવે બ્રિજ નજીક, ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના પોરડા-ફાગવેલ, કઠલાલ-નડિયાદ રોડ પરના ઓવરબ્રિજ નજીક, કપડવંજના સોરણાગામ, વહેલાલ, દહેગામ તેમજ મહેસાણા હાઇવે અને કંચનપુરા, સુખપુરા તથા રાજગર ગામ નજીક આવેલા મોબાઇલ ટાવરોને નિશાન બનાવ્યા હતા. આરોપીએ અગાઉ ચોરી કરેલા કોપરના વાયરો વેચી દીધા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું હતું. પોલીસે આરોપીની પૂછપરછ અને તપાસના આધારે વેચી દીધેલા વાયરો પૈકી વધુ 77 મીટર કોપરના વાયરો પણ કબજે કર્યા હતા. આમ, કુલ 117 મીટર કોપરના વાયર જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે આરોપી પાસેથી મળેલા વાયરો, વાયર કાપવાની પકડ, બાઈક અને એક મોબાઇલ ફોન કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img