Homeગુજરાતીગુજરાતઅમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સપ્તાહમાં બીજુ અંગદાન, ત્રણ દર્દીઓને નવજીવન મળશે

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સપ્તાહમાં બીજુ અંગદાન, ત્રણ દર્દીઓને નવજીવન મળશે

અમદાવાદ, 26 નવેમ્બર, 2026 : Second organ donation in a week at Ahmedabad’s Civil Hospital રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ અને અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુચારુ સંકલન થકી અંગદાનની સેવાકીય યાત્રામાં વધુ એક પ્રેરણાદાયી પ્રકરણ ઉમેરાયું છે. સિવિલ હોસ્પિટલમાં એક અઠવાડિયાના ટૂંકા ગાળામાં બીજું અને ગુપ્તદાન સ્વરૂપે કુલ ૨૬૩મું સફળ અંગદાન સંપન્ન થયું છે. માર્ગ અકસ્માતમાં બ્રેઈનડેડ જાહેર કરાયેલા અમદાવાદના ૬૫ વર્ષીય પુરુષનાં પત્નીએ જીવનસાથીને ગુમાવવાના અસહ્ય દુઃખ વચ્ચે પણ માનવતાને સર્વોપરી રાખીને અંગદાનની સંમતિ આપી હતી. તેમના આ ઉમદા નિર્ણયથી ૧ લીવર અને ૨ કિડનીનું દાન મળ્યું છે, જેના થકી ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવનની અમૂલ્ય ભેટ મળશે.

ઘટનાની વિગતો મુજબ, અમદાવાદના રહેવાસી ૬૫ વર્ષીય પુરુષને માર્ગ અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને વધુ સારવાર અર્થે ગત ૨૨ નવેમ્બર, ૨૦૨૬ના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલના નિષ્ણાત તબીબો દ્વારા તેમને બચાવવા માટે શક્ય તમામ સારવાર અને પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ માથાના ભાગે થયેલી ગંભીર ઈજાઓને કારણે ૨૪ નવેમ્બર, ૨૦૨૬ના રોજ તબીબોની ટીમ દ્વારા તેમને નિયમાનુસાર બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા.

આ કપરા સમયે સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમ દ્વારા પરિવારજનોને અંગદાનનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું. પોતાના સ્વજનને ગુમાવવાના આઘાત વચ્ચે પણ પત્નીએ અન્ય જરૂરિયાતમંદ દર્દીઓને નવું જીવન આપી શકાય તેવા ઉમદા આશયથી અંગદાનની સંમતિ આપી હતી. પરિવારની આ માનવતાભરી પહેલથી પ્રાપ્ત થયેલા ૧ લીવર અને ૨ કિડની જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપિત કરીને તેમના જીવનમાં ફરી આશાનો સંચાર કરવામાં આવશે.

આ અંગદાન અંગે સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, “અંગદાન એ માનવતાનું સર્વોચ્ચ સ્વરૂપ છે. કોઈ પરિવાર માટે પોતાના સ્વજનને ગુમાવવાની ક્ષણ અત્યંત પીડાદાયક હોય છે, પરંતુ એ જ દુઃખની ઘડીમાં અન્ય ત્રણ પરિવારોના જીવનમાં આશાનો દીપ પ્રગટાવવાનો નિર્ણય ખરેખર વંદનીય છે. સમાજમાં અંગદાન અંગે વધુને વધુ જાગૃતિ આવે અને કોઈ પણ દર્દી અંગની રાહ જોતા જીવન ન ગુમાવે તે માટે સૌએ અંગદાનના સંકલ્પને જીવનનો હિસ્સો બનાવવો જોઈએ.”

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલના સતત પ્રયાસો થકી અત્યાર સુધીમાં કુલ ૨૬૩ અંગદાતાઓના માધ્યમથી ૮૭૪ અંગો અને ૨૬૬ પેશીઓ મળી કુલ ૧,૧૪૦ અંગો-પેશીઓનું દાન પ્રાપ્ત થયું છે. પ્રાપ્ત થયેલા કુલ ૮૭૪ મહત્ત્વપૂર્ણ અંગોમાં ૪૮૬ કિડની, ૨૩૭ લીવર, ૮૪ હૃદય, ૩૪ ફેફસાં, ૨૫ સ્વાદુપિંડ (પેન્ક્રિયાસ), ૬ હાથ અને ૨ નાનાં આંતરડાંનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કુલ ૨૬૬ પેશીઓના દાનમાં ૨૧૪ આંખો (કોર્નિયા) અને ૫૨ સ્કિન (ચામડી) પ્રાપ્ત થઈ છે, જેના થકી અનેક જરૂરિયાતમંદ દર્દીઓના જીવનમાં આશાનું નવું કિરણ પ્રગટ્યું છે.

અંગદાન મહાદાન છે. આપણી વિદાય પછી પણ આપણા અંગો કોઈના જીવનમાં નવી સવાર લાવી શકે છે. ચાલો, અંગદાનનો સંકલ્પ લઈએ અને માનવતાની આ જીવનદાયી ચળવળમાં સહભાગી બનીએ.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img