અમદાવાદ, 28 નવેમ્બર, 2026 : Third organ donation in a week at Ahmedabad Civil Hospital શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્ય સરકાર અને તબીબી તંત્રના સંકલિત પ્રયાસોથી એક અઠવાડિયાના ટૂંકા ગાળામાં ત્રીજું અને અત્યાર સુધીનું કુલ ૨૬૪મું અંગદાન સફળતાપૂર્વક સંપન્ન થયું છે.
ગાંધીનગર નજીક માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા બાદ બ્રેઈનડેડ જાહેર કરાયેલા ૩૨ વર્ષીય યુવાનનાં પત્નીએ જીવનસાથીને ગુમાવવાના અસહ્ય દુઃખ વચ્ચે પણ માનવતાને સર્વોપરી રાખી અંગદાનની સંમતિ આપી હતી. આ ઉમદા અને પરોપકારી નિર્ણયથી ૧ લીવર અને ૨ કિડનીનું દાન પ્રાપ્ત થયું છે, જેના થકી ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓના જીવનમાં આશાનું નવું કિરણ પ્રગટશે.
આ અંગદાનની સૌથી હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયી બાબત એ રહી હતી કે અંગદાન કરનાર ૩૨ વર્ષીય યુવાનને ત્રણ સંતાનો છે, જેમાં સૌથી નાનો પુત્ર માત્ર ૨૮ દિવસનો છે. અંગદાન પૂર્વેની અંતિમ પ્રાર્થના સમયે માતા આ ૨૮ દિવસના માસૂમ બાળકને લઈને ઉપસ્થિત રહ્યા હતા. માતાએ પોતાના માસૂમ પુત્રને પિતાની છેલ્લી હુંફ અપાવી ભારે હૈયે પરંતુ અડગ મનોબળ સાથે અન્યના જીવન બચાવવા માટે અંગદાન કરવાની અનુમતિ આપી હતી. પરિવારની આ અસાધારણ સંવેદનશીલતા અને ત્યાગની ભાવના સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ બની છે.
ઘટનાની વિગતો મુજબ, ૩૨ વર્ષીય યુવાનને માર્ગ અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા વધુ સારવાર અર્થે ૨૬ નવેમ્બર, ૨૦૨૬ના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલના નિષ્ણાત તબીબો દ્વારા યુવાનનો જીવ બચાવવા માટે શક્ય તમામ સારવાર અને સઘન પ્રયાસો કરવામાં આવ્યા હતા. જોકે, માથાના ભાગે થયેલી ગંભીર ઈજાઓને કારણે ૨૮ નવેમ્બર, ૨૦૨૬ના રોજ તબીબોની ટીમ દ્વારા તેમને નિયમાનુસાર બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમ દ્વારા પરિવારજનોને અંગદાનનું મહત્ત્વ સમજાવવામાં આવતા પત્નીએ અન્ય જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન આપી શકાય તેવા ઉમદા આશયથી અંગદાનની સંમતિ આપી હતી.
ઉલ્લેખનીય છે કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કુલ ૨૬૪ અંગદાતાઓના માધ્યમથી ૮૭૭ અંગો અને ૨૬૬ પેશીઓ મળી કુલ ૧,૧૪૩ અંગો-પેશીઓનું દાન પ્રાપ્ત થયું છે. દાનમાં મળેલા અંગોમાં ૪૮૮ કિડની, ૨૩૮ લીવર, ૮૪ હૃદય, ૩૪ ફેફસાં, ૨૫ સ્વાદુપિંડ (પેન્ક્રિયાસ), ૬ હાથ અને ૨ નાનાં આંતરડાંનો સમાવેશ થાય છે, જ્યારે પેશીઓના દાનમાં ૨૧૪ આંખો (કોર્નિયા) અને ૫૨ સ્કિન (ચામડી)નો સમાવેશ થાય છે. આ અંગો અને પેશીઓના પ્રત્યારોપણ થકી અનેક જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળ્યું છે.








