દુબઈ, 28 નવેમ્બર 2026: અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા ઇરાન પર કરવામાં આવેલા હુમલા બાદ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ પર હુમલાઓ વધ્યા છે, જેના કારણે તેલ અને ગેસના પુરવઠાને ભારે અસર પહોંચી છે. ખાડી ક્ષેત્રમાં વધી રહેલા આ તણાવ અને દરિયાઈ સુરક્ષાની ચિંતાઓ વચ્ચે ખાડી દેશોએ 1,768 કિલોમીટર લાંબા ‘ગલ્ફ રેલવે’ પ્રોજેક્ટ પર કામગીરી તેજ કરી છે. દરિયાઈ વેપાર માર્ગો પરની નિર્ભરતા ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરાયેલા આ પ્રોજેક્ટને વર્ષ 2030 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
આ વિશાળ રેલ નેટવર્ક મારફતે ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલના છ સભ્ય દેશો—કુવૈત, સાઉદી અરેબિયા, બહેરીન, કતાર, સંયુક્ત આરબ અમીરાત અને ઓમાનને પરસ્પર જોડવામાં આવશે. કુવૈતથી શરૂ થનારી આ રેલ લાઈન સાઉદી અરેબિયા થઈને કતાર, સંયુક્ત આરબ અમીરાત અને ઓમાન સુધી પહોંચશે, જ્યારે બહેરીનને પણ સાઉદી અરેબિયા સાથે રેલ માર્ગે જોડવામાં આવશે. આ નેટવર્ક દ્વારા આ દેશોના મુખ્ય શહેરો, ઔદ્યોગિક વિસ્તારો, બંદરો અને લોજિસ્ટિક્સ કેન્દ્રો સીધા જોડાશે.
પ્રોજેક્ટ અંતર્ગત પેસેન્જર ટ્રેનોની ઝડપ મહત્તમ 200 કિલોમીટર પ્રતિ કલાક અને માલગાડીઓની ઝડપ 80થી 120 કિલોમીટર પ્રતિ કલાક રાખવામાં આવશે. અંદાજ મુજબ, ડિસેમ્બર 2030માં શરૂ થયા બાદ આ નેટવર્ક વાર્ષિક આશરે 60 લાખ મુસાફરો અને 20 કરોડ ટન માલસામાનની હેરફેર કરી શકશે. વર્ષ 2045 સુધીમાં આ ક્ષમતા વધીને વાર્ષિક 80 લાખ મુસાફરો અને 27.1 કરોડ ટન માલ પરિવહન સુધી પહોંચવાનો અંદાજ છે, જેનાથી વેપાર અને પર્યટનને મોટો વેગ મળશે.
-
વ્યૂહાત્મક દ્રષ્ટિએ આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ
વ્યૂહાત્મક દ્રષ્ટિએ આ રેલવે પ્રોજેક્ટ ખાડી દેશો માટે અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે યુદ્ધ કે દરિયાઈ નાકાબંધીની સ્થિતિમાં તેઓ વેપાર માટે માત્ર દરિયાઈ માર્ગો પર નિર્ભર રહેવા માંગતા નથી. ગત 28 ફેબ્રુઆરીએ ઇરાન પર થયેલા હુમલા બાદ તેહરાને હોર્મુઝ માર્ગ બંધ કરી દેતા દરિયાઈ સેવાઓ ખોરવાઈ હતી, જેના પગલે વૈકલ્પિક માર્ગોની જરૂરિયાત વધુ તીવ્ર બની છે. આ પ્રોજેક્ટ હોર્મુઝનો સંપૂર્ણ વિકલ્પ ન બની શકે, પરંતુ ક્ષેત્રની અંદર માલસામાનની સુરક્ષિત અવરજવર માટે એક મજબૂત વિકલ્પ પૂરો પાડશે.
‘ગલ્ફ રેલવે ઓથોરિટી’ની દેખરેખ હેઠળ બની રહેલા આ પ્રોજેક્ટના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ આશરે 15.4થી 16 અબજ ડોલરનો ખર્ચ થવાનો અંદાજ છે અને અત્યાર સુધીમાં તેની 55.92 ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. કુલ 1,768 કિલોમીટરના આ રૂટમાં સૌથી વધુ 672 કિમી હિસ્સો સાઉદી અરેબિયામાં રહેશે, ત્યારબાદ UAEમાં 461 કિમી, ઓમાનમાં 330 કિમી, કતારમાં 141 કિમી, કુવૈતમાં 111 કિમી અને બહેરીનમાં 53 કિમી રેલવે લાઈન બિછાવવામાં આવશે.








