Homeગુજરાતીગુજરાતઅમદાવાદમાં SG હાઈવે પરના પકવાન ક્રોસ રોડને સિગ્નલ ફ્રી કરાશે

અમદાવાદમાં SG હાઈવે પરના પકવાન ક્રોસ રોડને સિગ્નલ ફ્રી કરાશે

અમદાવાદ, 26 નવેમ્બર, 2026 : Pakwan Cross Road on SG Highway to be signal free શહેરના એસ.જી. હાઈવે પર આવેલા અને ટ્રાફિકથી વ્યસ્ત ગણાતા પકવાન ચાર રસ્તાને હવે સિગ્નલ ફ્રી બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. નવા ટ્રાફિક પ્લાન મુજબ પકવાન ચાર રસ્તા પર બંને તરફથી સીધી અવરજવર બંધ કરવામાં આવશે. ખાસ કરીને SBR અને બોડકદેવ તરફથી થતી સીધી અવરજવર પર રોક લગાવવામાં આવશે.

શહેરમાં એસજી હાઈવે પર સરખેજથી છેક વષ્ણોદેવી સર્કલ સુધી ઠેર ઠેર ઓવરબ્રિજને લીધે વાહનચાલકોને ટ્રાફિકજામમાંથી મુક્તિ મળી છે. પણ પકવાન ક્રોસ રોડ પર ઓવરબ્રિજથી નીચે ટ્રાફિકજામની સમસ્યા યથાવત છે. ત્યારે આ ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે જંક્શન પર ફ્રી લેફ્ટ અને કેપ્સ્યુલ યુ-ટર્નની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. ફ્લાયઓવરની નજીક કેપ્સ્યુલ કટ બનાવવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. પકવાન ચાર રસ્તા પરથી દરરોજ હજારો વાહનો પસાર થાય છે, ત્યારે નવા ટ્રાફિક પ્લાનના અમલથી વાહનચાલકોને સિગ્નલ પર ઊભા રહેવામાંથી રાહત મળશે અને તેમનો સમય પણ બચશે.

એસ.જી. હાઈવે પર પકવાન ચાર રસ્તા સિગ્નલ ફ્રી બનનાર ચોથું જંક્શન બનશે. આ વ્યવસ્થાથી એસ.જી. હાઈવે પર ટ્રાફિકનું ભારણ ઘટવાની સાથે વાહનોની અવરજવર વધુ સરળ બનવાની શક્યતા છે. તાજેતરમાં જ સોલા સિવિલ હોસ્પિટલના સર્કલથી આશરે 100 મીટર આગળ કટ આપવામાં આવ્યો છે. અગાઉ આ ચાર રસ્તા પર વાહનચાલકોએ સિગ્નલ ખુલવાની રાહમાં 120 સેકન્ડ સુધી ઊભા રહેવું પડતું હતું. જોકે, કેપ્સ્યુલ સિસ્ટમ શરૂ થતાં હવે વાહનચાલકો માત્ર 40 સેકન્ડમાં રસ્તો ક્રોસ કરી શકે છે. આ રીતે વાહનચાલકોના અંદાજે 80 સેકન્ડ બચે છે. સાથે જ ટ્રાફિકની સમસ્યામાં પણ ઘટાડો થવાની આશા છે.

 અમદાવાદને ટ્રાફિક અને સિગ્નલ મુક્ત બનાવવા માટે મહાનગરપાલિકા અને ટ્રાફિક પોલીસ દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. શહેરના ટ્રાફિકથી ધમધમતા ચાર રસ્તાઓ પર વાહનચાલકોએ લાંબા સમય સુધી સિગ્નલ ખુલવાની રાહ જોવી પડે છે. ઘણી જગ્યાએ 120 સેકન્ડથી વધુ સમય સુધી વાહનોની લાંબી કતારો લાગે છે. આ સમસ્યાના ઉકેલ માટે શહેરમાં કેપ્સ્યુલ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી રહી છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img