- આયુર્વેદ આધારિત થીમ પર સંસદીય પ્રક્રિયાનું આબેહૂબ મોડેલ રજૂ કરાયું
- ૪૦ વિદ્યાર્થીઓએ સ્પીકર, મંત્રીઓ, વિપક્ષ અને પત્રકારોની ભૂમિકા ભજવી નેતૃત્વ અને વાકચાતુર્યનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું
જામનગર, 2 ઑક્ટોબર, 2026: ‘Youth Parliament’ at ITRA જામનગરસ્થિત ભારત સરકારની રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતી સંસ્થા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ (ITRA) ખાતે તાજેતરમાં ૧૧મા આયુર્વેદ દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં ‘યુવા સંસદ’નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.
સંસ્થાના રાજમાતા શ્રી ગુલાબકુંવરબા ઓડિટોરિયમ, જામનગર ખાતે 23 સપ્ટેમ્બરના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ દેશની સંસદીય લોકશાહી પ્રણાલીનું જીવંત ચિત્રણ કર્યું હતું.

આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન ITRAના માનનીય ડાયરેક્ટર પ્રો. તનુજા નેસરીના માર્ગદર્શન હેઠળ તથા યુવા સંસદના કો-ઓર્ડિનેટર ડૉ. મેઘા પંડ્યાના સંકલનથી હાથ ધરવામાં આવ્યું હતું. કાર્યક્રમના સુચારુ સંચાલન અને માઇક્રો-પ્લાનિંગ માટે કોર કમિટી, પાર્લામેન્ટરી અફેર્સ કમિટી, રોલ પ્લે કમિટી, મીડિયા કમિટી સહિત વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી.
આયુર્વેદ પર કેન્દ્રિત પ્રશ્નોત્તરી કાળ અને બિલ પર ચર્ચા
આ યુવા સંસદની મુખ્ય વિશેષતા એ રહી કે તેની સમગ્ર કાર્યવાહી સંપૂર્ણપણે ‘આયુર્વેદ’ વિષય પર આધારિત હતી. સામાન્ય રીતે રાજકીય મુદ્દાઓ પર સંસદ યોજાતી હોય છે, પરંતુ અહીં આયુર્વેદ શિક્ષણ, સંશોધન, સ્વાસ્થ્ય સેવાઓ, આયુર્વેદ ઔષધોની ગુણવત્તા, નીતિવિષયક નિર્ણયો અને આધુનિક ચિકિત્સા પદ્ધતિ સાથેના સમન્વય જેવા મહત્ત્વના વિષયો કેન્દ્રસ્થાને રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન સંસદના ‘પ્રશ્નોત્તરી કાળ’નું આબેહૂબ દ્રશ્ય ખડું થયું હતું, જેમાં વિરોધ પક્ષના સભ્યો દ્વારા આયુર્વેદ ક્ષેત્રના વિકાસ સંબંધિત તીખા અને અણીયારા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેનો સંબંધિત વિભાગના મંત્રીઓ બનેલા વિદ્યાર્થીઓએ તર્કબદ્ધ જવાબ આપ્યા હતા. આ ઉપરાંત ગૃહમાં આયુર્વેદ સંબંધિત મહત્ત્વપૂર્ણ બિલ- આયુષ આહાર બિલ પણ રજૂ કરવામાં આવ્યું હતું અને તેના પર સત્તાપક્ષ તથા વિપક્ષ વચ્ચે સાર્થક ચર્ચા-વિચારણા થઈ હતી.
વિદ્યાર્થીઓની બહુલક્ષી ભૂમિકા
આ મોક પાર્લામેન્ટમાં ITRAના કુલ 40 વિદ્યાર્થીઓએ સક્રિયપણે ભાગ લીધો હતો. જેમાં સ્પીકર, સેક્રેટરી, વિપક્ષના નેતા, કેબિનેટ મંત્રીઓ, શાસક પક્ષ અને વિપક્ષના સાંસદો તેમજ વિદેશી પ્રતિનિધિઓ અને પત્રકારો સહિતના વિવિધ પાત્રો વિદ્યાર્થીઓએ ખૂબ જ ગરિમાપૂર્ણ રીતે નિભાવ્યા હતા.

મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ
સંસદની આ સમગ્ર કાર્યવાહીના સાક્ષી બનવા માટે વિશેષ અતિથિ તરીકે ભારતીય સેનાની ફાઈવ શીખ રેજિમેન્ટના નિવૃત્ત લેફ્ટનન્ટ શ્રી સતીશ વ્યાસ તેમજ શ્રી કે. પી. શાહ લૉ કોલેજ-જામનગરના પ્રિન્સિપાલ શ્રી વિમલ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનોએ વિદ્યાર્થીઓની અભિવ્યક્તિ શૈલી, સંશોધનાત્મક અભિગમ અને સંસદીય શિસ્તની મુક્તકંઠે પ્રશંસા કરી હતી.
કાર્યક્રમના અંતે આયોજકો દ્વારા ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ, ફેકલ્ટી સભ્યો અને સમિતિના સભ્યોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ આયોજનથી વિદ્યાર્થીઓમાં માત્ર સંસદીય પ્રક્રિયાની જાગૃતિ જ નહીં, પરંતુ નેતૃત્વ, વક્તૃત્વ કળા અને ટીમવર્ક જેવા ગુણોનો પણ વિકાસ થયો હતો.


