કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે સામૂહિક વૃક્ષારોપણની કરી હાકલઃ 12 જુલાઈના અભિયાન માટે નાગરિકો નોંધણી કરાવી શકશે
- જાહેર પત્ર દ્વારા ગાંધીનગર લોકસભા મતવિસ્તારના નાગરિકોને વૃક્ષારોપણ અભિયાનમાં જોડાવા અપીલ
રિવોઈ ન્યૂઝ, 29 જૂન, 2026 – કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે સામૂહિક વૃક્ષારોપણની કરી હાકલ છે. આગામી 12 જુલાઈના આ સંદર્ભમાં સામૂહિક વૃક્ષારોપણનું એક અભિયાન હાથ ધરવામાં આવશે અને તેમાં ગાંધીનગર લોકસભા મતવિસ્તારના નાગરિકો નોંધણી કરાવી શકશે. વૃક્ષારોપણ અભિયાનમાં જોડાવા માગતા લોકો www.gandhinagarloksabha.in વેબસાઈટ ઉપર નોંધણી કરાવી શકે છે.

શ્રી અમિત શાહે આ પર્યાવરણલક્ષી અભિયાનના સંદર્ભમાં એક જાહેર પત્ર પણ ગાંધીનગર લોકસભા મતવિસ્તાર અને તેની અંતર્ગત આવતી વિધાનસભાઓના નાગરિકોને લખ્યો છે. જે નીચે મુજબ છેઃ
અમિત શાહ
સાંસદ, ગાંધીનગર લોકસભા
ગૃહ અને સહકાર મંત્રી, ભારત સરકાર
આપ કુશળ હશો,
2019માં સાંસદ તરીકે સેવા કરવાની તક મળી ત્યારથી ગાંધીનગર લોકસભાને હરિયાળી લોકસભા બનાવવા માટે “વૃક્ષારોપણ અભિયાન” શરૂ કરવામાં આવેલ. જેમાં આપ સૌની સહભાગીતાના પરિણામે વિસ્તારના ગ્રીન કવરમાં નોંધપાત્ર વધારો પણ થયો છે. પરંતુ ગ્લોબલ વોર્મિંગ ની પરિસ્થિતિમાં આ પ્રયાસો હજુ અપૂરતા છે.
મિત્રો, મારી છેલ્લી અપીલમાં જણાવ્યા પ્રમાણે હવામાનમાં આવી રહેલી અનિયમિતતાના કારણે કમોસમી વરસાદ, દુષ્કાળ અને તીવ્ર ગરમીની અસર માનવ આરોગ્ય જ નહીં પરંતુ પર્યાવરણમાં રહેલી જૈવ વિવિધતા પર પણ પડી રહી છે અને તેના કારણે આપણું જીવનતંત્ર પણ ક્રમશઃ અસ્થિર બની રહ્યું છે ત્યારે ગ્લોબલ વોર્મિંગની આ અસરોથી બચવા વૃક્ષારોપણ જ અસરકારક ઉકેલ જણાય છે.
સમગ્ર વિશ્વ ઋતુચક્રના પરિવર્તનમાં ફસાયું છે ત્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા આપવામાં આવેલ “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત “ગાંધીનગર લોકસભા – હરીયાળી લોકસભા” ના આ અભિયાનને સફળ બનાવવા માટે આપના ફ્લેટ – સોસાયટી – વિસ્તારની આસપાસ ઓછામાં ઓછા 11 અને ગ્રામીણ વિસ્તારમાં ઓછામાં ઓછા 50 જેટલા વધુ ઓક્સિજન આપે તેવા લાંબા આયુષ્ય ધરાવતાં પીપળો, લીમડો, વડ, જાંબુ, બોરસલ્લી જેવા છોડ રોપીને તેના જતનની જવાબદારી નિયત કરવા મારી પુનઃ અપીલ છે.
ગાંધીનગર લોકસભાને હરિયાળી લોકસભા બનાવવા પાછળના પત્રકમાં સંબંધિત અધિકારીઓ અને ભાજપાના પદાધિકારીશ્રીઓની યાદી છે, જેઓ આપને વૃક્ષ/રોપા મેળવવામાં મદદરૂપ થશે. આ વૃક્ષો જીવંત રહે તે માટે પાણી પીવડાવવાની અને તેની માવજત કરવાની વ્યવસ્થા પણ આપ સુનિશ્ચિત કરશો તેવો મને વિશ્વાસ છે.
આભાર,
આપનો સાંસદ,
(અમિત શાહ)
ગાંધીનગર લોકસભા- ભાજપા કાર્યાલય
5, આઈ. સ્ક્વેર, હીર પાર્ટી પ્લોટની બાજુમાં, સાયન્સ સીટી રોડ, સોલા, અમદાવાદ-60
આ પત્ર ઉપરાંત અમિતભાઈએ વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવા કેટલાક પોસ્ટર જારી કર્યા છે અને તે સાથે છેલ્લા સાત વર્ષમાં વૃક્ષારોપણના ક્ષેત્રે થયેલી કામગીરીની વિગતો પણ આપવામાં આવી છે.



