1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગૂજરાત વિદ્યાપીઠ ગ્રંથાલય અને મેગેઝિન ક્લબ દ્વારા ‘સામયિક સંવાદ’ કાર્યક્રમનું સફળ આયોજન અને PRASAR યોજનાનો પ્રારંભ
ગૂજરાત વિદ્યાપીઠ ગ્રંથાલય અને મેગેઝિન ક્લબ દ્વારા ‘સામયિક સંવાદ’ કાર્યક્રમનું સફળ આયોજન અને PRASAR યોજનાનો પ્રારંભ

ગૂજરાત વિદ્યાપીઠ ગ્રંથાલય અને મેગેઝિન ક્લબ દ્વારા ‘સામયિક સંવાદ’ કાર્યક્રમનું સફળ આયોજન અને PRASAR યોજનાનો પ્રારંભ

0
Social Share

અમદાવાદ, 29 જૂન 2026: ગૂજરાત વિદ્યાપીઠ ગ્રંથાલય અને મેગેઝિન ક્લબ, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે આજે એટલે કે તા. 28/06/2026 ના રોજ ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ખાતે સામયિક સંવાદ – PRASAR પરિચય’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન મેગેઝિન ક્લબ, અમદાવાદના પ્રમુખ શ્રી પી. કે. લહેરીએ શોભાવ્યું હતું, જ્યારે ગૂજરાત વિદ્યાપીઠના માનનીય કુલપતિશ્રી ડૉ. હર્ષદભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગૂજરાત વિદ્યાપીઠ ગ્રંથાલય દ્વારા વિકસાવવામાં આવેલી PRASAR (Periodical Resource Access & Scholarly Archive Repository) યોજનાનો પરિચય કરાવવાનો તેમજ પ્રિન્ટ સામયિકોના ડિજિટાઇઝેશન, ડિજિટલ સંરક્ષણ, આર્કાઇવિંગ અને વૈશ્વિક જ્ઞાનપ્રસાર માટે શરૂ કરવામાં આવેલી કન્સલ્ટન્સી સેવાઓ અંગે માહિતી આપવાનો હતો.

મેગેઝિન ક્લબ, અમદાવાદના પ્રમુખ અને કાર્યક્રમના અધ્યક્ષ શ્રી પી. કે. લહેરીએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું કે ગુજરાતી ભાષાના અનેક મૂલ્યવાન સામયિકો આજે પણ માત્ર પ્રિન્ટ સ્વરૂપમાં ઉપલબ્ધ છે. પરિણામે સંશોધકો અને વિદ્યાર્થીઓ માટે તેની સરળ ઉપલબ્ધતા મર્યાદિત રહે છે. તેમણે જણાવ્યું કે ડિજિટાઇઝેશન દ્વારા આ અમૂલ્ય જ્ઞાનસંપદાનું દીર્ઘકાલીન સંરક્ષણ શક્ય બનશે અને તે વિશ્વભરના વાચકો તથા સંશોધકો માટે સરળતાથી ઉપલબ્ધ થઈ શકશે.

કાર્યક્રમ દરમિયાન ગૂજરાત વિદ્યાપીઠ ગ્રંથાલય દ્વારા PRASAR ડિજિટાઇઝેશન કન્સલ્ટન્સી સેવાનો સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો. આ યોજનાના માધ્યમથી પ્રિન્ટ સામયિકોનું ડિજિટલ રૂપાંતરણ, ડિજિટલ આર્કાઇવિંગ, મેટાડેટા નિર્માણ, શોધક્ષમ (Searchable) ઍક્સેસ, ઇન્ડેક્સિંગ, OJS આધારિત ડિજિટલ પ્રકાશન વ્યવસ્થા તથા વૈશ્વિક સ્તરે જ્ઞાનના પ્રસાર માટે માર્ગદર્શન અને ટેક્નિકલ સહયોગ પૂરો પાડવામાં આવશે.

મુખ્ય અતિથિ તરીકે સંબોધન કરતાં કુલપતિશ્રી ડૉ. હર્ષદભાઈ પટેલે જણાવ્યું કે જ્ઞાનનું સર્જન જેટલું મહત્વનું છે, એટલું જ તેનું સંરક્ષણ અને વ્યાપક પ્રસાર પણ આવશ્યક છે. ડિજિટલ યુગમાં શૈક્ષણિક સંસ્થાઓએ પોતાના જ્ઞાનવારસાને સમયાનુકૂળ ટેક્નોલોજી સાથે જોડવો જરૂરી બની ગયો છે. વધુમાં તેમણે કહ્યું કે ગૂજરાત વિદ્યાપીઠ હંમેશાં સમાજલક્ષી પહેલો માટે પ્રતિબદ્ધ રહ્યું છે અને PRASAR યોજના પણ આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

આ કન્સલ્ટન્સી સેવા હેઠળ વિવિધ સામયિક પ્રકાશકો તેમની જરૂરિયાત મુજબ આયોજન, ટેક્નિકલ માર્ગદર્શન, ડિજિટલ પ્લેટફોર્મ સ્થાપન, ડેટા માઇગ્રેશન, તાલીમ તથા સતત ટેક્નિકલ સહયોગ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પહેલનો મુખ્ય હેતુ વિવિધ સંસ્થાઓમાં રહેલી અમૂલ્ય જ્ઞાનસંપદાનું દીર્ઘકાલીન સંરક્ષણ કરી તેને ભાવિ પેઢીઓ તેમજ વૈશ્વિક સંશોધન સમુદાય સુધી પહોંચાડવાનો છે.

સંવાદ સત્ર દરમિયાન ગુજરાતી સામયિકોના ડિજિટાઇઝેશન, કૉપિરાઇટ, ડિજિટલ સંરક્ષણ, ઓપન ઍક્સેસ અને સંસ્થાઓ વચ્ચેના સંભવિત સહયોગ જેવા મુદ્દાઓ પર રચનાત્મક ચર્ચા કરવામાં આવી હતી. ઉપસ્થિત પ્રતિનિધિઓએ PRASAR જેવી પહેલને સમયની માંગ ગણાવી અને ભવિષ્યમાં સહયોગ આપવા માટે હકારાત્મક પ્રતિસાદ વ્યક્ત કર્યો હતો. PRASAR માત્ર ગૂજરાત વિદ્યાપીઠ પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ સમગ્ર ગુજરાતી જ્ઞાનજગત માટે ડિજિટલ સંરક્ષણ, શૈક્ષણિક સહયોગ અને વૈશ્વિક જ્ઞાનપ્રસારનું એક વિશ્વસનીય અને અસરકારક માધ્યમ બની રહેશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code