પાલનપુર, 16 ઓગસ્ટ, 2026 : Two accidents in Banaskantha બનાસકાંઠામાં અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ બે અકસ્માતના બનાવ બન્યા છે. જેમાં પ્રથમ બનાવ અંબાજી-દાંતા વચ્ચે ત્રિશુલિયા ઘાટીમાં એક ૨૨ પૈડાવાળો ટ્રક પલટી ગયો હતો. આ અકસ્માતમાં ટ્રક ચાલકનુ ઘટના સ્થળે મોત નીપજ્યું હતુ. જ્યારે બીજા અકસ્માતના બનાવમાં દાંતીવાડા તાલુકાના ભાકોદર ગામ નજીક એક ખાનગી એમ્બ્યુલન્સ વાન અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક પર સવાર ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
પ્રથમ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, અંબાજી-દાંતા વચ્ચે ત્રિશુલિયા ઘાટીમાં એક ૨૨ પૈડાવાળો ટ્રક પલટી ગયો હતો. આ ટ્રકમાં રેલવેના પાટા નીચે મૂકવાના બ્લોક લઈ જવામાં આવી રહ્યા હતા. અકસ્માત બાદ આ બ્લોક એક ગાયને અથડાતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ટ્રક ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા આ ઘટના બની હતી. જોકે, કોરિયન ટેકનોલોજીથી બનેલી પ્રોટેક્શન વોલને કારણે ટ્રક ખાઇમાં પડવાથી બચી ગઈ હતી. આ વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરા તોડી નાખવામાં આવ્યા હોવાથી અકસ્માતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
અકસ્માતના બીજા બનાવની વિગત એવી છે કે, જિલ્લાના દાંતીવાડા તાલુકાના ભાકોદર ગામ નજીક એક ખાનગી એમ્બ્યુલન્સ વાન અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક પર સવાર ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી.ઈજાગ્રસ્તોમાં શૈલેષ ભરત રબારી, કાન્તાબેન ભરતભાઈ રબારી અને ભરત મફાભાઈ રબારીનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની મદદથી ત્રણેયને દાંતીવાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે પાલનપુર હોસ્પિટલ રીફર કરાયા હતા.
આ અકસ્માત સર્જાયા બાદ ખાનગી એમ્બ્યુલન્સ વાનનો ચાલક વાહન સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે સતર્કતા દાખવી દાંતીવાડા પોલીસ સ્ટેશન આગળ બેરીકેટિંગ ગોઠવી દીધું હતું. જેના પરિણામે, ફરાર થયેલી એમ્બ્યુલન્સ વાનને દાંતીવાડા પોલીસ સ્ટેશન આગળ રોકી લેવામાં આવી હતી અને પોલીસે તેની ચાવી કબજે કરી હતી. પોલીસે અકસ્માતમાં સંડોવાયેલા બંને વાહનોને કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

