રેસીપી, 03 ઓક્ટોબર 2026: પાલક મકાઈ પુલાવએ સ્વાદિષ્ટ હોવાની સાથે પોષક તત્વોથી ભરપૂર એક પરફેક્ટ હેલ્ધી ડિશ છે. લીલીછમ પાલકની પ્યુરી અને મીઠા મકાઈના દાણાનું મિશ્રણ આ પુલાવને આકર્ષક રંગ અને ઉત્તમ સ્વાદ આપે છે.
પાલકમાં રહેલું આયર્ન અને મકાઈમાં રહેલા ફાઈબર તેને બાળકો અને વડીલો બંને માટે પૌષ્ટિક બનાવે છે. લંચ બોક્સ માટે, ડિનર માટે કે ઘરમાં કોઈ ખાસ પ્રસંગે રાયતા અને પાપડ સાથે સર્વ કરવા માટે આ એક ઝડપી અને ઈઝી વાનગી છે.
પાલક પુલાવ રેસીપી
સામગ્રી
1 કપ બાફેલા મકાઈના દાણા
3/4 કપ પાલક પ્યુરી
3 કપ પલાળેલા ચોખા
2 ચમચી તેલ
4 કાળા મરીના દાણા
1 તજ
2 લવિંગ
2 લીલી એલચી
2 ચમચી બારીક સમારેલું લસણ
1/2 ચમચી બારીક સમારેલા લીલા મરચાં
1 કપ કાપેલી ડુંગળી
1/2 કપ બારીક સમારેલા ટામેટા
સ્વાદ મુજબ મીઠું
બનાવવાની રીત
સૌપ્રથમ 3 કપ પલાળેલા ચોખાને પૂરતા પાણીમાં થોડું મીઠું ઉમેરીને 80-90 % સુધી બાફી લો. ત્યારબાદ પાણી ગાળીને ભાતને એક પહોળા વાસણમાં ઠંડા થવા દો જેથી દાણા છૂટા રહે.
એક ઊંડી કડાઈ કે પેનમાં ૨ ચમચી તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં 4 કાળા મરી, 1 તજનો ટુકડો, 2 લવિંગ અને 2 લીલી એલચી ઉમેરીને મધ્યમ આંચ પર સાંતળો જેથી મસાલાની સુગંધ બેસી જાય.
હવે તેમાં 2 ચમચી બારીક સમારેલું લસણ અને 1/2 ચમચી લીલા મરચાં ઉમેરી 30 સેકન્ડ માટે સાંતળો. ત્યારબાદ 1 કપ કાપેલી ડુંગળી ઉમેરો અને ડુંગળી હળવી સોનેરી થાય ત્યાં સુધી સાંતળી લો.
ડુંગળી સતળાઈ જાય એટલે તેમાં 1/2 કપ બારીક સમારેલા ટામેટા અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીને ટામેટા નરમ થાય ત્યાં સુધી ચડવા દો. ત્યારબાદ 3/4 કપ પાલકની પ્યુરી ઉમેરીને 2-3 મિનિટ માટે સાંતળો જેથી પાલકની કાચી વાસ દૂર થઈ જાય.
હવે તેમાં 1 કપ બાફેલા મકાઈના દાણા ઉમેરી બરાબર મિક્સ કરો. ત્યારબાદ અગાઉથી બાફીને તૈયાર રાખેલા ચોખા ઉમેરો.
ચોખા ઉમેર્યા પછી હળવા હાથે ચમચા વડે બધું મિક્સ કરો જેથી ભાતના દાણા તૂટી ન જાય. ઢાંકણ ઢાંકીને ધીમા તાપે 2 થી 3 મિનિટ માટે સ્ટીમ થવા દો.
ગરમાગરમ પાલક મકાઈ પુલાવ તૈયાર છે. તેને બૂંદીના રાયતા, દહીં કે પાપડ સાથે ગરમાગરમ સર્વ કરો.


