રેસીપી, 18 નવેમ્બર 2026: શિયાળાની ઋતુમાં બજારમાં તાજી, લીલીછમ મેથીની ભાજી અને મીઠા લીલા વટાણા પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. આ બંને પૌષ્ટિક શાકભાજીના સંગમમાંથી બનતી મેથી મટર સબ્જી સ્વાદમાં જેટલી લાજવાબ હોય છે, સ્વાસ્થ્ય માટે પણ એટલી જ ગુણકારી છે.
ઘણા લોકોને મેથીની ભાજી કડવી લાગતી હોય છે, પરંતુ જો તેને દેશી ઘી, આખા મસાલા, ડુંગળી-ટામેટાંની ગ્રેવી અને થોડી તાજી ક્રીમ સાથે બનાવવામાં આવે, તો તેની કડવાશ બિલકુલ રહેતી નથી અને બાળકો પણ હોંશે-હોંશે ખાય છે. ગરમાગરમ રોટલી, પરાઠા કે નાન સાથે પીરસવા માટે આ એક ઉત્તમ શાક છે
મેથી મટર સબ્જી રેસીપી
સામગ્રી
2 ચમચી દેશી ઘી
1/2 ચમચી જીરું
2-3 નંગ એલચી
1 ઇંચ તજ
2 નંગ તમાલપત્ર
2 ચમચી આદુ લસણની પેસ્ટ
1/2 ચમચી હિંગ
2 નંગ ડુંગળી
1/2 ચમચી હળદર પાવડર
1 ચમચી કાશ્મીરી મરચાં પાવડર
2 ચમચી ધાણા પાવડર
ગરમ પાણી
સ્વાદ મુજબ મીઠું
2 નંગ ટામેટા
પાણી
1 વાટકી લીલા વટાણા
પાણી – જરૂર મુજબ
500 ગ્રામ મેથી
1/2 ચમચી ગરમ મસાલા
1/2 ચમચી મેથી
2 ચમચી તાજી ક્રીમ
આદુ
મેથી મટર સબ્જી બનાવવાની રીત
સૌપ્રથમ મેથીની ભાજીને સારી રીતે ચૂંટી, 2-3 વખત ચોખ્ખા પાણીથી ધોઈને બારીક સમારી લો. ડુંગળી અને ટામેટાંને પણ ઝીણા સમારી લો.
એક કડાઈમાં દેશી ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમાં જીરું, નંગ એલચી, તજનો ટુકડો, તમાલપત્ર અને હિંગ ઉમેરી સુગંધ આવે ત્યાં સુધી સાંતળો.
હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો અને આછી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો. ત્યારબાદ તેમાં આદુ-લસણની પેસ્ટ ઉમેરી તેની કાચી સુગંધ દૂર થાય ત્યાં સુધી 2 મિનિટ સાંતળો.
હવે ગેસ ધીમો કરીને તેમાં હળદર પાવડર, કાશ્મીરી લાલ મરચું પાવડર અને ધાણા પાવડર ઉમેરી બરાબર મિક્સ કરો. મસાલા બળે નહીં તે માટે તેમાં થોડું ગરમ પાણી ઉમેરો અને તેલ/ઘી છૂટું પડે ત્યાં સુધી સાંતળો.
ત્યારબાદ તેમાં સમારેલા ટામેટાં અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી ટામેટાં એકદમ નરમ થાય ત્યાં સુધી પકાવો. ગ્રેવી બરાબર પાકી જાય એટલે તેમાં લીલા વટાણા અને થોડું પાણી ઉમેરી ઢાંકીને 5 મિનિટ ચડવા દો.
હવે તેમાં સમારેલી મેથીની ભાજી ઉમેરી બરાબર મિક્સ કરો. મેથીને ઢાંક્યા વગર 5 મિનિટ સુધી ધીમા તાપે ચડવા દો.
શાક બરાબર ચડી જાય અને ગ્રેવી ઘટ્ટ થાય એટલે તેમાં ગરમ મસાલો, કસુરી મેથી અને ક્રીમ ઉમેરી મિક્સ કરો. ધીમા તાપે ઉકળવા દઈ ગેસ બંધ કરી દો. સર્વ કરતી વખતે ઉપરથી આદુના લચ્છા અને ક્રીમથી ગાર્નિશ કરો.








