Homeગુજરાતીદેશ-વિદેશઆસામમાં મુસાફરોથી ભરેલી મિની બસ અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર, 23 લોકોના...

આસામમાં મુસાફરોથી ભરેલી મિની બસ અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર, 23 લોકોના મોત

ગુવાહાટી, 13 નવેમ્બર 2026: આસામના ગોલાઘાટ જિલ્લામાં આવેલા કાઝીરંગા નેશનલ પાર્ક નજીક એક અત્યંત ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. રોંગાજાન વિસ્તારમાં મુસાફરોથી ભરેલી એક તેજ રફ્તાર મિની બસ અને કન્ટેનર ટ્રક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં 23 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ઘણા મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસે આ ગમખ્વાર દુર્ઘટનાની પુષ્ટિ કરી છે. ગોલાઘાટના જિલ્લા કમિશનર બિસ્વજીત ફુકને જણાવ્યું હતું કે અકસ્માત બાદ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરીને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સ્થાનિક અહેવાલો મુજબ, આ મિની બસમાં 35થી વધુ મુસાફરો સવાર હતા.

ગોલાઘાટના વરિષ્ઠ પોલીસ અધિક્ષક સ્વપ્નનીલ ડેકાએ ઘટનાસ્થળેથી માહિતી આપતા જણાવ્યું કે બસમાંથી મૃતદેહો બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે અને મૃત્યુઆંક હજુ વધી શકે છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મિની બસ ખૂબ જ પૂરપાટ ઝડપે દોડી રહી હતી અને તેણે નેશનલ પાર્ક વિસ્તારમાં લાગુ સ્પીડ કંટ્રોલના નિયમોનો ભંગ કર્યો હતો. કન્ટેનર ટ્રક સાથે અથડાતા પહેલા ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હોવાની આશંકા છે. પોલીસ તપાસમાં આ ટ્રાવેલર બસનો ચોંકાવનારો ટ્રાફિક રેકોર્ડ પણ સામે આવ્યો છે. આ વાહન પર અગાઉ ઓવરસ્પીડિંગ સહિતના નિયમ ભંગ બદલ 12 ચલણ કપાયા હતા, જેનો 38,500 રૂપિયાનો દંડ ભરવામાં આવ્યો હતો, જ્યારે 4,000 રૂપિયાનો એક દંડ હજુ પણ બાકી છે.

  • મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ વ્યક્ત કર્યું ઊંડું દુઃખ

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પોસ્ટ કરીને આ દુર્ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું કે, “કાઝીરંગામાં થયેલા દુઃખદ અકસ્માતથી મને ઘેરો આઘાત લાગ્યો છે. આ નુકસાને આપણને સૌને હચમચાવી દીધા છે. દુઃખની આ ઘડીમાં સમગ્ર આસામ પીડિત પરિવારોની સાથે ઉભું છે.” મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે ઘાયલોને કોઈપણ વિલંબ વિના શ્રેષ્ઠ તબીબી સુવિધા મળે તે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે. રાજ્યના મંત્રી અતુલ બોરા ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને બચાવ કામગીરીનું વ્યક્તિગત રીતે નિરીક્ષણ કરી રહ્યા છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img