નવી દિલ્હી, 17 નવેમ્બર 2026: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું હતું કે ભારતે તાજેતરના વર્ષોમાં મેલેરિયા નિયંત્રણમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. નવી દિલ્હીમાં ‘ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ – નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેલેરિયા રિસર્ચ’ની સુવર્ણ જયંતિ ઉજવણી પ્રસંગે સંબોધન કરતી વખતે રાષ્ટ્રપતિએ આ વાત કહી હતી. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે બહેતર આરોગ્ય સેવાઓ, અદ્યતન દવાઓ, મચ્છર નિયંત્રણ અભિયાનો અને સામુદાયિક સહભાગિતાએ મેલેરિયાના કેસોને નિયંત્રિત કરવામાં અસરકારક ભૂમિકા ભજવી છે. રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે છેલ્લાં 10 વર્ષોમાં, દેશમાં મેલેરિયાના કેસોની સંખ્યા અને આ રોગને કારણે થતા મૃત્યુની સંખ્યામાં આશરે 80 ટકાનો ઘટાડો થયો છે.
દરમિયાન, મેલેરિયાથી સૌથી વધુ પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા 155 થી ઘટીને 33 થઈ ગઈ છે. એવું નોંધવામાં આવ્યું હતું કે 2022 અને 2025 ની વચ્ચે, 160 જિલ્લાઓમાં મેલેરિયાનો એક પણ કેસ નોંધાયો નથી. ભારતમાં મેલેરિયા નાબૂદીનું લક્ષ્ય હાંસલ કરવા માટે રાષ્ટ્રપતિએ સતત સંશોધન, જનજાગૃતિ અને સમુદાયની સક્રિય ભાગીદારી પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ભારતમાં આ રોગ સામેની લડાઈમાં ‘ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ – નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેલેરિયા રિસર્ચ’ (ICMR-NIMR) એ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
વધુ વાંચો: ચૂંટણીમાં હારતાં સમર્થકોનો હોબાળો! બાંસવાડામાં પોલિંગ પાર્ટી પર હુમલો, મેજિસ્ટ્રેટની કારને આગ ચાંપી








