Homeગુજરાતીદેશ-વિદેશવિશ્વને આજે શાંતિ અને સ્થિરતાની સૌથી વધુ જરૂરઃ નરેન્દ્ર મોદી

વિશ્વને આજે શાંતિ અને સ્થિરતાની સૌથી વધુ જરૂરઃ નરેન્દ્ર મોદી

મનીલા, 17 નવેમ્બર 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસિયાન-ભારત શિખર સંમેલનને સંબોધિત કરતા વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને પરસ્પર સહયોગ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં સમગ્ર વિશ્વએ સતત અનેક સંકટોનો સામનો કર્યો છે. આવા સમયમાં દુનિયાને સૌથી વધુ શાંતિ, સ્થિરતા અને ભરોસાપાત્ર વાતાવરણની જરૂર છે. આ સંદર્ભમાં આ વર્ષની થીમ ‘આપણે સૌ સાથે મળીને આપણા ભવિષ્યનો માર્ગ નક્કી કરીએ’ વિશેષ મહત્વ ધરાવે છે.

પીએમ મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી વર્ષોમાં ‘આસિયાન કોમ્યુનિટી વિઝન 2045’ અને ‘વિકસિત ભારત 2047’ આપણી સહિયારી આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેમણે કહ્યું કે, “આપણી પાસે સામર્થ્ય પણ છે અને સંકલ્પ પણ, જેનાથી આપણે પરસ્પર ભાગીદારીને નવી દિશા આપી શકીએ છીએ. અમારું માનવું છે કે ભારતનો વિકાસ અને આસિયાનની સમૃદ્ધિ એકબીજા સાથે ઊંડાણપૂર્વક જોડાયેલા છે.”

વડાપ્રધાને ઉમેર્યું હતું કે, છેલ્લા 12 વર્ષોમાં અમે અમારી ભાગીદારીને નવી ગતિ આપી છે. આસિયાનની એકતા અને તેની કેન્દ્રીય ભૂમિકા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા અતૂટ છે. આ બેઠક સુરક્ષિત, સમાવેશી અને સમૃદ્ધ હિંદ-પ્રશાંત ક્ષેત્રના નિર્માણમાં મોટું યોગદાન આપશે.

  • એક્ટ ઈસ્ટ નીતિ અને 250 ક્વિક ઈમ્પેક્ટ પ્રોજેક્ટ્સ

ભારતની ‘એક્ટ ઈસ્ટ’ નીતિની સફળતા વર્ણવતા વડાપ્રધાને જણાવ્યું કે, અમારી ભાગીદારી હવે સહિયારી સંસ્કૃતિ અને વારસાથી આગળ વધીને ડિજિટલ, સંરક્ષણ અને અંતરિક્ષ જેવા આધુનિક ક્ષેત્રોમાં પણ નવા આયામો સર કરી રહી છે. વર્ષ 2014 થી અત્યાર સુધીમાં લોકો વચ્ચેના સંપર્કને મજબૂત કરવા 100 થી વધુ પહેલ કરવામાં આવી છે. આ ઉપરાંત, આશરે 250 ‘ક્વિક ઈમ્પેક્ટ પ્રોજેક્ટ્સ’ શરૂ કરાયા છે અને કૌશલ્ય વિકાસ માટે 10 હજારથી વધુ શિષ્યવૃત્તિઓ આપવામાં આવી છે. આજે ભારત અને આસિયાનના નવ દેશો વચ્ચે સીધી વિમાન સેવા અને વધતું પર્યટન અમારા મજબૂત સંબંધોનો પુરાવો છે.

આ પ્રવાસ દરમિયાન અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને ભારતના સમૂહ ‘ક્વાડ’ની બેઠક પણ મહત્વની બની રહેશે. ડોનાલ્ડ ટ્રમ્પ માટે આ પ્રથમ ક્વાડ બેઠક હશે, જે અગાઉના સંમેલનના બે વર્ષ બાદ યોજાઈ રહી છે. ફિલિપાઇન્સના પ્રવાસે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે મનીલા સ્થિત ઐતિહાસિક ખાલસા દીવાન ગુરુદ્વારા ખાતે પહોંચીને શીશ ઝુકાવ્યું હતું. અહીં તેમણે ગ્રાઉન્ડબ્રેકિંગ સેરેમનીમાં ભાગ લીધો હતો અને સ્થાનિક શીખ સમુદાયના લોકો સાથે ઉષ્માભરી મુલાકાત કરી હતી.

 

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img