નવી દિલ્હી, 17 નવેમ્બર 2026: ભારતે સ્વદેશી રક્ષા ટેક્નોલોજીના ક્ષેત્રમાં વધુ એક મોટી સફળતા હાંસલ કરી છે. ભારતના પહેલા સ્વદેશી યુનિવર્સલ રોકેટ લોન્ચર સિસ્ટમ સૂર્યાસ્ત્રએ 300 કિલોમીટર સુધી મારક ક્ષમતા ધરાવતા પોતાના સફળ પરીક્ષણો પૂરા કરી લીધા છે. તાજેતરમાં ઓડિશાના ચાંદીપુર સ્થિત ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ ખાતે સૂર્યાસ્ત્રના ફાયરિંગ ટ્રાયલ લેવામાં આવ્યા હતા, જેમાં આ સિસ્ટમે 30, 50, 150 અને 300 કિલોમીટરની અલગ-અલગ દૂરી પર પોતાના લક્ષ્યોને સફળતાપૂર્વક ભેદ્યા હતા. આ પરીક્ષણની સૌથી મોટી ખાસિયત એ રહી કે સૂર્યાસ્ત્રની સચોટતા 5 મીટરથી પણ ઓછી રહી છે, એટલે કે તે લાંબા અંતરે પણ અત્યંત સચોટ હુમલો કરવામાં સક્ષમ છે.
સૂર્યાસ્ત્રની સૌથી મોટી વિશેષતા તેનું મલ્ટી-કેલિબર લોન્ચર સિસ્ટમ છે. એક જ લોન્ચરથી 122 એમએમ, 160 એમએમ અને 306 એમએમ ના રોકેટ દાગી શકાય છે. આનાથી સેનાને અલગ-અલગ મિશન માટે બહુવિધ લોન્ચર રાખવાની જરૂરિયાતમાં ઘટાડો થશે. આ સિસ્ટમને BEML ના હાઈ મોબિલિટી વ્હીકલ જેવા પ્લેટફોર્મ પર ઇન્સ્ટોલ કરી શકાય છે. તેની મદદથી ભારતીય સેના ઝડપથી રોકેટ ડા3ગ્યા પછી તરત જ પોતાની જગ્યા બદલી શકશે. આ ટેક્નોલોજીને ‘શૂટ એન્ડ સ્કૂટ’ કહેવામાં આવે છે, જેનાથી દુશ્મનની જવાબી કાર્યવાહીથી બચી શકાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સૂર્યાસ્ત્રના વિકાસ માટે સ્વદેશી કંપની નિબે લિમિટેડે જુલાઈ 2025માં ઇઝરાયેલની કંપની ‘એલ્બિટ સિસ્ટમ્સ’ સાથે ટેકનિકલ કરાર કર્યો હતો. આ અંતર્ગત એલ્બિટના PULS રોકેટ લોન્ચર સિસ્ટમની ટેક્નોલોજીને ભારતીય જરૂરિયાતો મુજબ તૈયાર કરવામાં આવી છે.
-
રક્ષા ક્ષેત્રે આત્મનિર્ભરતા તરફ મોટું પગલું
અગાઉ જાન્યુઆરી 2026માં ભારતીય સેનાએ નિબે લિમિટેડને 293 કરોડ રૂપિયાનો ઓર્ડર આપ્યો હતો. આ સિસ્ટમના સેનામાં સામેલ થવાથી ભારતીય સેનાની લાંબા અંતરની મારક ક્ષમતા ખૂબ જ મજબૂત બનશે. સૂર્યાસ્ત્રનું સફળ પરીક્ષણ માત્ર રક્ષા ક્ષેત્રે આત્મનિર્ભરતા જ નહીં, પરંતુ ભવિષ્યમાં ભારતના રક્ષા નિકાસ માટે પણ નવા દ્વાર ખોલશે.








